ત્રોનર, ઍલેકઝાંદ્ર (જ. 3 ઑગસ્ટ 1906 બુડાપેસ્ટ, હંગેરી; અ. 6 ડિસેમ્બર 1993, ઓમનોવીય-લા-તીત) : ચલચિત્રજગતના ઑસ્કારવિજેતા ફ્રેન્ચ સન્નિવેશકાર. ફ્રેંચ કવિ તથા નાટ્યલેખક ઝાક પ્રેવર્ત અને દિગ્દર્શક માર્સે કાર્ને સાથે તેમણે 1938માં ‘હૉતેલ દ્યુ નોર્દ’ અને 1939માં ‘લ ઝુર સ લેવ’ નામનાં ચલચિત્રોનું સર્જન કરીને સન્નિવેશકાર તરીકે ખ્યાતિ મેળવી. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ફ્રાંસ પર નાઝી આધિપત્ય હતું ત્યારે આ યહૂદી સન્નિવેશસર્જકે ઉપનામથી ‘લે વિઝોતર દ્યુ સ્વાર’ (1942) અને ‘ચિલ્ડ્રન ઑવ્ પૅરેડાઇઝ’ (1944) – આ બે ચલચિત્રોના નિર્માણમાં સન્નિવેશની સેવાઓ આપી હતી. 1952માં તેમને ‘ઑર્સન વેલ્સ ઑથેલો’ ચલચિત્રના સન્નિવેશ માટે ગોલ્ડન પામ ઍવૉર્ડ તથા 1960માં બિલી વિલ્ડર દ્વારા નિર્મિત ‘ધ અપાર્ટમેન્ટ’ના સન્નિવેશ માટે ઑસ્કાર ઍવૉર્ડ અર્પણ થયા. ઉપરાંત, જૉસેફ લોઝીનાં બે ચલચિત્રો ‘મસીય ક્લે’ અને ‘દોનગિયોવાની’ માટે અનુક્રમે 1976 ને 1979માં તથા લ્યુક બેસનાના ‘સબ-વે’ માટે 1986માં ફ્રેંચ સેઝર ઍવૉર્ડ અર્પણ કરાયા. વિશ્વના અગ્રણી અને વિખ્યાત દિગ્દર્શકોનાં ચલચિત્રોમાં તેમણે સન્નિવેશ-રચનાકાર તરીકે કામ કર્યું; જેમાં રેને કલેઅર, જ્હૉન હસ્ટન, ઇલિયા કઝાન, બર્તાન્દ્ર તોવેરનિયે અને ક્લૉદ બૅરીનો સમાવેશ થાય છે.
ઝાક પ્રેવર્ત તેમના આજીવન મિત્ર હોવાથી ત્રોનરને પ્રેવર્તની કબરની પડખે જ દફનાવવામાં આવ્યા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે