ત્રુટિજન્ય રોગો (પશુઓમાં) : સમતોલ આહારના અભાવે પશુઓને થતા રોગો. અન્ય પ્રાણીઓની જેમ પશુપોષણમાં પણ કાર્બોદિતો, મેદઅમ્લ, પ્રોટીન, વિટામિનો ઉપરાંત ખનિજતત્વો અગત્યનાં છે. ખનિજતત્વોના બે વિભાગ છે : (1) મુખ્ય ખનિજ દ્રવ્યો–કૅલ્શિયમ, ફૉસ્ફરસ, સોડિયમ, પોટૅશિયમ, ગંધક, મૅગ્નેશિયમ, ક્લોરિન વગેરે તથા (2) વિરલ દ્રવ્યો (trace elements) –લોહ, તાંબું, આયોડિન, કોબાલ્ટ, જસત, નિકલ, સેલેનિયમ, મોલિબ્ડેનમ, સિલિકોન, ફ્લોરિન વગેરે. ખનિજદ્રવ્યો પશુઓને વનસ્પતિ, ઘાસચારા, ખાણ-દાણ અને પાણી મારફતે મળે છે. ગૌચર પર નભતાં પશુઓ સંકુલ પારિસ્થિતિક યોજના(complex ecological system)માં કેન્દ્રસ્થાને હોય છે. પશુઓની ખનિજ-સંપ્રાપ્તિ ઉપર વિવિધ પરિબળો અસર કરતાં હોય છે. પશુશરીરમાં ખનિજદ્રવ્યોનો જૈવ-વ્યવહાર (biological behaviour) તત્વોના રાસાયણિક ગુણધર્મો ઉપર આધાર રાખે છે. આ તત્વો શરીરમાં વિવિધ કાર્ય કરતાં હોય છે. કેટલાંક ખનિજતત્વો અસ્થિબંધારણ એ સ્નાયુક્રિયામાં અગત્યનાં હોય છે, જ્યારે બીજાં કેટલાંક શરીરના કોષરસમાં થતી રાસાયણિક પ્રતિક્રિયાઓમાં ઉત્તેજકો કે અવરોધકો તરીકે કાર્ય કરે છે, અમુક તત્ત્વો કોષકલાવિભવ (membrane potential) સમતોલ રાખવામાં જરૂરી છે, જ્યારે કેટલાંક તત્ત્વો શરીરમાં અમ્લ-પ્રતિઅમ્લ સમતુલા અને પ્રવાહી સમતુલા જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. આથી શરીરક્રિયાના જૈવ-રાસાયણિક પરિવર્તન, ચયાપચય., અને જૈવ-જારણ-વિજારણ-શ્વસન(aerobic and anaerobic respiration)માં ખનિજદ્રવ્યો મહત્વનો ભાગ ભજવે છે. આ દ્રવ્યો બહુ જ ઓછી માત્રામાં જરૂરી હોય છે પરંતુ પશુશરીરમાં આવાં દ્રવ્યોની ત્રુટિ ઊભી થતાં પશુઓમાં ખનિજ ત્રુટિજન્ય રોગો થવા સંભવ છે.
ત્રુટિજન્ય રોગોને બે પ્રકારમાં વહેંચી શકાય : 1. ખનિજ ત્રુટિજન્યરોગો, 2. ચયાપચયી રોગો.
ખનિજ ત્રુટિજન્યરોગો : 1.1 કૅલ્શિયમની ત્રુટિ : પશુમાં કૅલ્શિયમ તત્વની ઊણપ પ્રાથમિક અથવા અન્ય પ્રકારની હોઈ શકે. તેનું પરિણામ અસ્થિવિકૃતિ (osteodystrophy) રૂપે જોવા મળે છે. ખાસ પ્રકારના રોગોનો આધાર પશુની જાત અને ઉંમર ઉપર અવલંબે છે. શરીરમાં આ તત્વની મુખ્ય જરૂરિયાત અસ્થિબંધારણ અને સ્નાયુક્રિયામાં હોય છે. કૅલ્શિયમ-ત્રુટિની અસર બધી જાતનાં પશુઓમાં જોવામાં આવે છે. વિકાસ પામતાં નાનાં પશુઓ તેનાથી વધારે પ્રભાવિત હોય છે. પ્રાથમિક ત્રુટિ જવલ્લે જોવા મળે છે, પરંતુ પશુઆહારમાં કૅલ્શિયમ પ્રમાણસર હોય ત્યારે આહારમાં વધુ પડતા ફૉસ્ફરસના પ્રમાણને લીધે કૅલ્શિયમ-ફૉસ્ફરસના પ્રમાણમાં ફેરફાર થાય છે. તેને લીધે અન્ય પ્રકારની કૅલ્શિયમની ત્રુટિ થવા સંભવ રહે છે. આમ આહારમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસનો અનુપાત (ratio) જરૂરી પ્રમાણ(2:1)માં ન હોય ત્યારે કૅલ્શિયમની ઊણપ વરતાય છે. વળી શરીરમાં કૅલ્શિયમના ચયાપચયમાં વિટામિન ‘ડી’ અગત્યનો ભાગ ભજવતું હોઈ આ વિટામિનની ત્રુટિને લીધે પણ શરીરમાં કૅલ્શિયમની ત્રુટિ ઉદભવે છે.
પ્રાથમિક કૅલ્શિયમની ત્રુટિને લીધે રોગલક્ષણો ખાસ જોવા મળતાં નથી; પરંતુ અન્ય પ્રકારની ત્રુટિને લીધે જે રોગલક્ષણો જોવા મળે છે તેમાં સુકતાન (rickets), અસ્થિમૃદુતા (osteomalacia), અસ્થિછિદ્રતા (osteoporosis), અને સ્નાયુની તાણ જેવા રોગો જોવા મળે છે.
1. સુકતાન : આ રોગ શિશુવક્રાસ્થિ, રાંટા પગ, સુખારોગ અથવા રિકેટ્સ નામે પણ ઓળખાય છે. આ રોગ વિકાસ પામતાં નાનાં પશુઓમાં થાય છે. રોગ થવાનાં મુખ્ય કારણોમાં કૅલ્શિયમ, ફૉસ્ફરસ તથા વિટામિન ‘ડી’ની આહારમાં ઊણપ તથા તેની ચયાપચયની ખામીને લીધે આ તત્વો શરીરને જરૂરી પ્રમાણમાં મળે નહિ. આમ શરીરમાં કૅલ્શિયમની ત્રુટિ ઉદભવતાં વિકાસ પામતાં હાડકાંમાં કૅલ્શિયમની જમાવટની ઊણપ રૂપે ખામી પેદા થાય છે. હાડકાંનું બંધારણ ખામીયુક્ત બને છે અને તેને પરિણામે અસ્થિવિકૃતિ થાય છે.
આ રોગનાં લક્ષણોમાં પશુ અકડાઈ જાય છે, પગના સાંધા મોટા જણાય છે અને હાડકાં બહારના ભાગમાં વળી ગયેલ હોય છે, પાંસળીઓના સાંધા મોટા જણાય છે તથા નાની ગુટિકાઓની હાર જણાય છે. પશુ લંગડાય છે અને બરોબર ચાલી શકતું નથી. હાડકાં નરમ હોવાથી અસ્થિભંગ સહેલાઈથી થાય છે. પશુ પૂરતો ખોરાક લઈ શકતું નથી તેથી તે દૂબળું અને અશક્ત થતું જાય છે અને સારવારને અભાવે મરણ પામે છે. આ રોગ ક્રમશ: તીવ્ર બને છે. લોહીના પરીક્ષણમાં કૅલ્શિયમ તત્વની ઘટ તથા ઘાસચારામાં કૅલ્શિયમ દ્રવ્યની ઊણપ દેખાવાથી રોગ-નિદાન થઈ શકે છે.
આ રોગના ઉપચારમાં રોગપ્રતિબંધક પગલાં લેવાં જરૂરી છે. ખાસ કરીને ગાભણી માદા પશુ અને વિકાસ પામતાં નાનાં પશુઓના આહારમાં જરૂરી ખનિજદ્રવ્યોનું પ્રમાણ વધારે અને સમતોલ હોવું જોઈએ, તથા પશુને સૂર્યનો પ્રકાશ મળવો જોઈએ. ખોરાકમાં ચૂનાના પથ્થરનો ભૂકો અથવા કૅલ્શિયમ લૅક્ટેટ 10 ગ્રામ દરરોજ આપવું જરૂરી છે. બજારમાં ખનિજ-મિશ્રણો મળે છે તેનો ઉપયોગ પણ થાય છે.
2. અસ્થિમૃદુતા : આ રોગ મોટી ઉંમરનાં પશુઓમાં જોવામાં આવે છે. જે વિસ્તારની જમીનમાં ફૉસ્ફરસની ઊણપ હોય ત્યાં પશુને પ્રાપ્ય કૅલ્શિયમ-ફૉસ્ફરસ પ્રમાણની ખામી પેદા થાય છે. તેથી તેવા વિસ્તારમાં આ રોગ વિશેષ જોવામાં આવે છે. વળી ગર્ભાવસ્થા અને દૂધ-ઉત્પાદન દરમિયાન શરીરમાં આ ખનિજતત્વની વધુ જરૂરિયાત અને વપરાશ વધારે પ્રમાણમાં હોય છે ત્યારે જો ખોરાકમાં ખનિજ-તત્વોની ઊણપ હોય તો રોગ થવા સંભવ છે. ખાસ કરીને દુકાળના સમયમાં આ રોગ વધુ જોવા મળે છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસના ચયાપચયમાં ખામી પેદા થતાં હાડકાંમાં કૅલ્શિયમની જમાવટ ઘટે છે અને ધોવાણ વધે છે, જેથી હાડકાં નરમ થાય છે.
રોગલક્ષણોમાં ખાસ કરીને પશુને કુરુચિ (pica) થવા સંભવ છે, જેમાં પશુ હાડકાં, ચામડાં, કચરો જેવાં અભક્ષ્ય પદાર્થો ખાવામાં રુચિ રાખે છે. પશુ અશક્ત થાય છે, હાડકાં નબળાં અને નરમ થતાં અસ્થિભંગ સહેલાઈથી થાય છે. પશુ લંગડાય છે. સાંધામાં દુખાવો થતો હોય છે, બરડો વળી જાય છે, ચામડીના વાળ બરછટ થાય છે. ખોરાક ચાવવામાં તકલીફ થાય છે, તેથી ખોરાક લઈ શકાતો નથી. છેવટે પશુ એક જ જગ્યાએ પડી રહે છે અને મરણ પામે છે.
આ રોગના ઉપચારમાં પશુને સમતોલ આહાર આપવો તે જરૂરી છે. ખાસ કરીને મોટાં પશુઓમાં સગર્ભાવસ્થા અને વધુ દૂધ-ઉત્પાદન સમયે કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને વિટામિન ‘ડી’ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાં જોઈએ. બજારમાં ખનિજ-મિશ્રણો મળે છે તેનો ઉપયોગ પણ ખાણ-દાણમાં કરવામાં આવે છે.
1.2 ફૉસ્ફરસની ત્રુટિ : પશુઓમાં ફૉસ્ફરસની ત્રુટિ પ્રાથમિક પ્રકારની હોય છે. આમ તો બધાં પશુઓમાં આ દ્રવ્યની ત્રુટિ જોવા મળે છે; પરંતુ ગોકુલ (bovidae) કુળનાં ઢોરોમાં તે વધુ પ્રમાણમાં થવા સંભવ છે. ઘોડા અને ઘેટામાં આ ત્રુટિ ભાગ્યે જ જોવા મળે છે જ્યારે ભુંડમાં તે ત્રુટિની અસર જણાય છે. આ રોગ થવામાં જમીન અને વનસ્પતિમાં પ્રાપ્ય ફૉસ્ફરસની ઊણપ તથા કૅલ્શિયમ દ્રવ્યનું વધુ પ્રમાણ અને વિટામિન ‘ડી’નો અભાવ જવાબદાર હોય છે. પશુશરીરમાં કૅલ્શિયમ- ફૉસ્ફરસ અને વિટામિન ‘ડી’નું ચયાપચય એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે તેથી આ ચયાપચયીની ક્રિયામાં ખામી પેદા થતાં ત્રુટિની અસર તરત થવા સંભવ છે. વળી આ દ્રવ્યની ત્રુટિને લીધે દુધાળાં ગાય-ભેંસમાં લોહીમાં લાલ રક્તકણની મૃદુતા વધેલી જોવામાં આવે છે અને તેથી ગાય-ભેંસમાં ‘પોસ્ટ પૅસ્ચ્યુરિઅન્ટ હીમોગ્લોબિન્યૂરિયા’ નામનો ચયાપચયી રોગ થવા સંભવ રહે છે. ગૌચર ઉપર નભતાં પશુઓમાં તથા દુકાળના સમયમાં આ દ્રવ્યની ત્રુટિ વધારે પ્રમાણમાં થવા સંભવ છે.
શરીરમાં ફૉસ્ફરસ તત્વ હાડકાં અને દાંતમાં ખનિજની જમાવટ માટે તથા ઊર્જાસંલગ્ન ચયાપચયપ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે, તેથી આ તત્વની ત્રુટિને લીધે પશુમાં વ્યાપક રોગલક્ષણો જોવા મળે છે. પશુનો નબળો બાંધો, શરીરવિકાસમાં વિલંબ, ફળદ્રૂપતા અને દૂધ-ઉત્પાદનમાં ઘટ, અભક્ષ્ય પદાર્થો ખાવાની કુટેવ, સાંધાઓ જકડાઈ જવા, ચામડીના વાળ બરછટ થવા, શરીર-ઊર્જાની વપરાશમાં ઘટ તથા અસ્થિવિકૃતિ વગેરે રોગ લક્ષણો જોવા મળે છે. નાના પશુમાં સુકતાનનો રોગ થવા સંભવ છે. તેથી અસ્થિભંગ પણ થાય છે.
આ રોગના નિદાન માટે લોહીમાં ફૉસ્ફરસનું પ્રમાણ જોવામાં આવે છે. સામાન્ય રીતે પુખ્ત વયનાં પશુઓમાં અકાર્બનિક ફૉસ્ફેટનું પ્રમાણ 100 મિલી લોહીદીઠ 4થી 6 મિગ્રા. હોય છે, જે ઋગ્ણાવસ્થામાં ઘટીને 2થી 3 જેટલું થાય છે.
રોગ-ઉપચારમાં આ દ્રવ્યની ઊણપને સરખી કરવા માટે પશુઓના ખોરાકમાં ફૉસ્ફરસયુક્ત ખનિજ-મિશ્રણો જેવાં કે હાડકાંનો ભુકો, ડાયકૅલ્શિયમ ફૉસ્ફેટ, ડાયસોડિયમ ફૉસ્ફેટ, મૉનોસોડિયમ ઑર્થોફૉસ્ફેટ જેવાં દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આપવાં પડે છે. ખાસ કરીને નાનાં પશુ અને દુધાળાં જાનવરોને ખોરાકમાં આ દ્રવ્યો આપવાં આવશ્યક છે.
1.3 લોહની ત્રુટિ : પશુશરીરમાં લોહતત્ત્વની મુખ્ય જરૂરિયાત રક્તનાં લાલ કણોમાં હીમોગ્લોબિનની બનાવટમાં છે, જે શ્વસન દરમિયાન પર્યાવરણ સાથે હવાની આપલે કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. તદુપરાંત સ્નાયુઓમાં આવેલ માયોગ્લોબિન તેમજ શ્વસન-પ્રક્રિયા સાથે સંકળાયેલ કેટલાંક સહઉત્સેચકોમાં અગત્યનું ખનિજ પદાર્થ છે. મોટાં પશુઓમાં લોહની ત્રુટિ સામાન્ય રીતે જોવામાં આવતી નથી. ખાસ કરીને નાનાં વાછરડાં અને નાનાં ભુંડ જે એકલા દૂધના ખોરાક ઉપર ઉછેરાતાં હોય છે તેમાં લોહની ત્રુટિને લીધે પાંડુરોગ (anaemia) થવાની શક્યતા છે, કારણ કે દૂધમાં લોહતત્વની માત્રા અલ્પ હોય છે.
લોહના યોગ્ય પ્રમાણના અભાવમાં પશુ દૂબળું પડે છે, તેની શક્તિ ઘટે છે અને ચામડી અને આંખની સૂક્ષ્મ ત્વચા ફિક્કી જણાય છે. રક્તપરીક્ષણ કરતાં લાલ રક્તકણો અને હીમોગ્લોબિનના પ્રમાણમાં ઘટાડો જણાય છે.
રોગ-ઉપચારમાં ફેરસ સલ્ફેટ, ફેરસ ગ્લુકોનેટ અથવા ફેરસ ફૉસ્ફેટની બનાવટની દવાઓ આપવામાં આવે છે. એકલા દૂધ ઉપર ઉછેરાતાં નાનાં પશુઓની કાળજી રાખવી જરૂરી છે. સમતોલ ખોરાક તથા લોહયુક્ત ખનિજ-મિશ્રણો અપાય તે ઇષ્ટ છે.
1.4 કોબાલ્ટની ત્રુટિ : કોબાલ્ટ તત્વની જરૂરિયાત ખાસ કરીને વાગોળતાં પશુઓમાં વધારે હોય છે. પશુઓના પાચનતંત્રમાં, ખાસ કરીને આમાશયમાં આવેલા જીવાણુઓની ચયાપચયી ક્રિયામાં આ તત્વ જરૂરી છે. વિટામિન B12માં કોબાલ્ટ એક અગત્યનું ઘટક છે. ઘાસચારામાં કોબાલ્ટની ઊણપ હોય ત્યારે ઢોરો અને ઘેટામાં પશુસ્થાનિક સૂખારોગ (enzootic marasmus) અને ‘પીને’ નામના રોગો થાય છે. રોગલક્ષણોમાં ખોરાક પ્રત્યે અરુચિ, શરીર નબળું પડવું, અશક્તિ, ચામડીના વાળ બરછટ થવા, શરીરનો વિકાસ ઓછો થવો તથા પાંડુરોગ મુખ્ય છે. મોટાં પશુમાં દૂધઉત્પાદન, ઊનઉતાર અને ફળદ્રૂપતામાં સારો એવો ઘટાડો થાય છે. કોબાલ્ટની ત્રુટિને લીધે વિટામિન B12નું સંશ્લેષણ થઈ શકતું નથી, જે પાંડુરોગ થવામાં મુખ્ય ભાગ ભજવે છે.
રોગ ઉપચારમાં પશુને સમતોલ ખોરાક અને આરામ આપવો જોઈએ. કોબાલ્ટ સલ્ફેટ ઢોરોને 1 મિગ્રા. અને ઘેટાંને 0.1 મિગ્રા.ના પ્રમાણમાં ખાણમાં આપવામાં આવે છે. સાથે સાથે વિટામિન B12 પણ અપાય છે.
1.5 આયોડિનની ત્રુટિ : પશુશરીરમાં આવેલ ગલગ્રંથિ (thyroid) થાયરૉક્સિન અંત:સ્રાવનું ઉત્પાદન કરે છે. થાયરૉક્સિનનું અગત્યનું ઘટક આયોડિન છે.
થાયરૉક્સિન શરીરના પાયાના ચયાપચયકાર્યમાં અગત્યનું છે. આમ તો આયોડિન તત્વની જરૂરિયાત અલ્પમાત્રામાં હોય છે. આ તત્વની ત્રુટિ પ્રાથમિક અને અન્ય પ્રકારની હોઈ શકે છે. ઘાસચારામાં 100 ગ્રામ સૂકા ઘાસદીઠ 30 માઇક્રોગ્રામ આયોડિન અથવા તેના કરતાં ઓછું હોય તો પશુઓમાં આયોડિનની ત્રુટિ થવા સંભવ છે.
રોગલક્ષણોમાં પશુમાં થાઇરૉઇડ ગ્રંથિવાળો ભાગ સૂજી જાય છે અને ગ્રંથિ મોટી થઈ જાય છે, જેને ‘ગલગંડ’ (goitre) કહે છે. આ ત્રુટિને લીધે ચામડીના વાળ ખરે છે, શરીરને અશક્તિ આવે છે, ગર્ભપાત થાય છે અને ફળદ્રૂપતા અને ઉત્પાદનમાં ઘટ આવે છે.
ઉપચાર તરીકે પોટૅશિયમ આયોડેટ ખાણમાં અપાય છે. ગાય-ભેંસના ખોરાકનાં એક કિલો ડ્રાયમૅટરદીઠ આયોડિનનું પ્રમાણ 0.8થી 1.0 મિગ્રા. જેટલું હોવું જરૂરી ગણાય છે. ગાભણી માદાને આયોડિનયુક્ત ખનિજ–મિશ્રણ આપવાથી બાળપશુને આયોડિનની ત્રુટિથી બચાવી શકાય છે.
પશુઓમાં ખનિજતત્વોની અલ્પ માત્રામાં જરૂર હોય છે. જમીન-વનસ્પતિ-પશુનો પરસ્પર સંબંધ હોઈ પશુપોષણમાં ખનિજતત્વોની ત્રુટિ હોય ત્યારે ખનિજ-ત્રુટિજન્ય રોગો થવા સંભવ છે. આથી પશુપાલનનું આર્થિક પાસું નબળું થાય છે. પશુને પોષણવાળો સમતોલ ખોરાક આપવો જરૂરી છે. આવા ખોરાકને લઈને પશુમાં કાર્યશક્તિ અને ઉત્પાદનમાં ઘટ આવતી નથી અને તે નીરોગી રહે છે.
2. ત્રુટિજન્ય ચયાપચયી રોગો : અગાઉ જણાવેલ ખનિજ-ત્રુટિજન્ય રોગો ઉપરાંત અસમતોલ આહારને લીધે પ્રસવ-પક્ષાઘાત (Parturi Paralysis), કીટોનમ્યતા (ketusis), ડાઉનર-કાઉ-સિન્ડ્રોમ, ફૅટ-કાઉ-સિન્ડ્રોમ, એક્ઝોન્યૂરિયા જેવા રોગો ઉત્પન્ન થાય છે. પશુઓને આપવામાં આવતા ખોરાકનું ધોવાણ દૂધ-ઉત્પાદન દ્વારા થાય છે. પરિણામે આવા પશુશરીરમાં, પોષકતત્વો અસંતુલિત બને છે. આ અસમતુલા લાંબા સમય સુધી ચાલુ રહેવાથી તેની અસર ચયાપચય-પ્રક્રિયા પર થાય છે. પરિણામે પશુઉત્પાદનક્ષમતા ઘટે છે. આ પ્રકારના રોગોને ‘ઉત્પાદન–રોગો’ કહે છે. ખાસ કરીને પ્રસૂતિકાળ દરમિયાન અથવા ત્યાર પછી આવા રોગો ઉદભવતા હોય છે. તેને લીધે દૂધ ઉત્પાદનક્ષમતામાં મોટી ઘટ આવે છે. સમયસરની સારવારને લીધે મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય છે.
2.1 પ્રસવ પક્ષાઘાત : આ રોગ ‘મિલ્ક ફીવર’ નામે પણ ઓળખાય છે. આ રોગ ખાસ કરીને ગાય-ભેંસમાં જોવામાં આવે છે. ઘેટી અને બકરીમાં પણ તે થવા સંભવ છે. રોગ-અવસ્થા પ્રસૂતિકાળમાં અથવા પ્રસૂતિ બાદ થાય છે. સામાન્ય રીતે પુખ્ત ગાય-ભેંસમાં પ્રસૂતિ થયા પછી તુરત 24થી 48 કલાકમાં આ રોગની અવસ્થા જણાય છે. વધુ દૂધ આપતી ગાય-ભેંસ અને સંકર ગાયોમાં આ રોગનું પ્રમાણ વધારે હોય છે, ખાસ કરીને બીજા–ત્રીજા વેતર પછી આ રોગ વધારે જોવામાં આવે છે.
રોગના મુખ્ય કારણમાં લોહી અને સ્નાયુ પ્રવાહીમાં કૅલ્શિયમ તત્વનું પ્રમાણ એકાએક ઘટવાનું છે. કૅલ્શિયમ તત્વની ઘટ થવામાં પ્રસવ પછી ખીરા અને દૂધ મારફતે કૅલ્શિયમ તત્વના મોટા પ્રમાણમાં થતા ધોવાણને પરિણામે શરીરનાં પાચનતંત્ર તથા હાડકાં મારફતે મળતા કૅલ્શિયમના પ્રમાણમાં અસમતુલા મુખ્ય કારણ છે. જે ગાય પ્રસવ પછી તુરત 10 કિલો ખીરું આપે તેમાં 23 ગ્રામ જેટલા કૅલ્શિયમની જરૂર રહે છે. આના કારણે લોહીમાં મોટા પ્રમાણમાં કૅલ્શિયમ-ત્રુટિ એકાએક પેદા થાય છે. અને પાચનતંત્ર અને હાડકાં દ્વારા પૂરતા પ્રમાણમાં કૅલ્શિયમ મેળવી શકાતું નથી. આમ પ્રસૂતિ દરમિયાન કૅલ્શિયમની જરૂરિયાતનું પ્રમાણ વધે છે, પરંતુ જરૂરિયાત અને પ્રાપ્તિ વચ્ચેની અસમતુલા વધતાં આ રોગ ઉદભવે છે. શરીરમાં કૅલ્શિયમ તત્વના ચયાપચયમાં ભાગ ભજવતા પૅરાથાઇરૉઇડ ગ્રંથિ અને વિટામિન ‘ડી’ અંત:સ્રાવી તંત્ર બરોબર કાર્ય કરતાં હોવા છતાં પૂરતા પ્રમાણમાં કૅલ્શિયમ ન મળવાથી પશુ આ રોગથી પીડાય છે.
આ રોગથી પીડાતાં ગાય-ભેંસમાં ખોરાક પ્રત્યે. અરુચિ, થોડા સમય માટે શરીર ઉત્તેજિત થવું, માથું અને પગનું ખેંચાણ અને તાણ જેવાં લક્ષણો જોવા મળે છે. પશુ એક જગ્યાએ પડી રહેવું પસંદ કરે છે. તેના પાછળના પગ જકડાઈ જાય છે અને પશુ ઊભું રહી શકતું નથી. પશુ ડોક એક તરફ મરડીને અથવા તો માથું એક બાજુ ઢાળીને એક પડખે પડી રહે છે અને બેભાન બને છે. કાન અને પગ ઠંડા પડે છે. ગુદાના સ્નાયુઓ શિથિલ જણાય છે. આંખના ડોળાનું હલનચલન બંધ થાય છે. પાંપણો શિથિલ જણાય છે અને કીકી પહોળી જોવામાં આવે છે. લાંબા સમય સુધી એક પડખે પડી રહેવાથી આફરો જોવામાં આવે છે. પશુની નાડી તપાસી શકાતી નથી અને હૃદયના ધબકારા સાંભળી શકાતા નથી. દૂધ-ઉત્પાદન બંધ થાય છે. ઘેટી અને બકરીમાં પણ આવાં જ રોગલક્ષણો જોવામાં આવે છે. સમયસરની સારવારને અભાવે પશુનું મૃત્યુ થવાનો સંભવ છે.
પશુપાલનવ્યવસ્થા, પશુની પ્રસૂતિનો ઇતિહાસ, રોગલક્ષણો તથા લોહીનાં પરીક્ષણ દ્વારા કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને ફૉસ્ફરસ તત્વોનું પ્રમાણ જાણવાથી રોગનિદાન કરી શકાય. આ રોગમાં ઉપરનાં તત્વોની ઘટ જણાય છે. રુધિરરસ(blood-plasma)માં કોર્ટીસોલનું પ્રમાણ વધારે જણાય છે.
રોગ ઉપચારમાં પશુની તાત્કાલિક સારવાર જરૂરી છે. ગાય-ભેંસને કૅલ્શિયમ બોરોગ્લુકોનેટ(25 %)ની બનાવટ 400 મિલી.થી 500 મિલી. ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. દવાની માત્રાનો આધાર રોગ અવસ્થા ઉપર હોય છે. કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ તથા ગ્લુકોઝ મિશ્રિત દવાની બનાવટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. દવાની અસર તાત્કાલિક થાય છે. રોગનિયંત્રણમાં પશુપાલનવ્યવસ્થા ઉપર પૂરતું ધ્યાન આપવું જરૂરી હોય છે. ગાભણા પશુને ખોરાકમાં પૂરતા પ્રમાણમાં ખનિજો આપી સમતોલ પોષણ મળી રહે તેવી પૂરતી સંભાળ લેવી જરૂરની છે અને વિયાણ બાદ જરૂરી ખોરાક પૂરતા પ્રમાણમાં આપવો આવશ્યક ગણાય છે.
2.2 અમ્લરક્તતા : આ રોગ કીટોસીસ, એસિટોનીમિયા, કીટોન્યુરિયા અથવા હાઇપોગ્લાયસીમિયાના નામે પણ ઓળખાય છે. ઘેટામાં આ રોગ ‘પ્રેગનન્સી ટૉક્સિમિયા’ તરીકે ઓળખાય છે. ગાય-ભેંસમાં આ રોગ સામાન્ય રીતે પ્રસૂતિ બાદ જોવામાં આવે છે, જ્યારે ઘેટીમાં તે પ્રસૂતિકાળ દરમિયાન થાય છે. બકરીમાં આ રોગ પ્રસૂતિકાળ દરમિયાન અને પ્રસૂતિ પછી પણ થાય છે. આ રોગ મુખ્યત્વે પશુપાલનવ્યવસ્થા અને પશુપોષણ ઉપર અવલંબે છે. પશુશરીરમાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જરૂરી માત્રામાં રાખવામાં શક્તિદાયક ચયાપચય (energy metabolism) અગત્યનો ભાગ ભજવે છે. વાગોળતાં પશુમાં ગ્લકોઝનું ચયાપચય એટલું બધું અટપટું હોય છે કે તજ્જ્ઞોએ આ રોગ થવામાં જૈવરાસાયણિક અને અંત:સ્રાવોની પ્રક્રિયા વિશે ઊંડાણથી સંશોધન કરેલ છે છતાં કેટલાંક પાસાંઓ સ્પષ્ટ થયાં નથી.
વાગોળ કરતાં પશુઓમાં ખોરાકમાં રહેલ કાર્બોદિતોનું વિભાજન ગ્લુકોઝમાં બહુ જ અલ્પ પ્રમાણમાં થાય છે; કારણ કે આ પદાર્થનું વિભાજન આમાશયમાં જીવાણુ દ્વારા એસિટેટ (70 %) પ્રોપિઓનેટ (20 %) અને બ્યૂટિરેટ (10 %) જેવા મેદામ્લોમાં થાય છે, જે પાચનતંત્રમાંથી શોષણ પામીને યકૃતમાં જાય છે. ત્યાં ચયાપચયની ક્રિયા દ્વારા શરીરને જરૂરી વિવિધ દ્રવ્યો પેદા થાય છે. યકૃતમાં પ્રોપિઓનેટ અને ઍમાઇનોઍસિડો જેવા અકાર્બોદિતોમાંથી પ્રક્રિયા દ્વારા પ્રાણીને ગ્લુકોઝ ઉપલબ્ધ થાય છે. ગ્લુકોઝનિર્માણની આવી પ્રક્રિયાને ગ્લુકોનીઓજિનોસિસ કહે છે. વાગોળ કરતાં પશુમાં અનાજ તથા સારી જાતની કડબ અને સૂકા ઘાસમાંથી પ્રોપિઓનેટ વધુ પ્રમાણમાં પેદા થાય છે અને પશુની ગ્લુકોઝની જરૂરિયાત સંતોષાય છે.
આ રોગ થવાનું મુખ્ય કારણ પશુશરીરમાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ એકાએક ઘટવું અને અન્ય દ્રવ્યો જેવાં ઍસિટોન, આઇસોપ્રોપેનોલ, ઍસિટો એસિટેટ, બીટા હાઇડ્રૉક્સિબ્યૂટિરેટ વગેરેનું પ્રમાણ વધવું તે છે. આ દ્રવ્યો શરીરને હાનિકારક હોય છે. વધુ દૂધ આપતી ગાય-ભેંસ પ્રસૂતિ બાદ થોડા સમય માટે હંમેશાં ઓછામાં ઓછી શક્તિ ધરાવતી હોય છે. પ્રસૂતિકાળ દરમિયાન વ્યવસ્થામાં બેકાળજી, જરૂરી પોષણનો અભાવ અને પ્રસૂતિ બાદ વધુ દૂધ-ઉત્પાદનને લીધે વધુ પ્રમાણમાં પોષક તત્વોનું ધોવાણ થતાં શરીરમાં પોષકતત્વોની ઘટ મોટા પ્રમાણમાં ઉદભવે છે. અપૂરતા ખોરાકને લીધે જૈવ-રાસાયણિક પ્રક્રિયા ધીમી થતાં ચયાપચયમાં ખામી પેદા થાય છે, જે શરીર માટે હાનિકારક નીવડે છે. આમ જ્યારે પ્રસૂતિકાળ દરમિયાન પશુને પૂરતા પ્રમાણમાં અનાજ અને સારી જાતની કડબ કે સૂકું ઘાસ ખોરાકમાં આપવામાં આવતાં નથી ત્યારે કાર્યશક્તિ માટે જરૂરી ગ્લુકોઝની ત્રુટિ ઉદભવે છે અને વિયાણ બાદ વધુ જરૂરિયાતને પહોંચી વળવા પશુશરીર જૈવરાસાયણિક ચયાપચયની અન્ય પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝનું પ્રમાણ વધારવા પ્રયત્ન કરે છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ મળતું નથી, પરિણામે બિનજરૂરી દ્રવ્યોનું પ્રમાણ વધે છે. જે શરીર માટે હાનિકારક નીવડે છે.
આ રોગ ગાય-ભેંસમાં વિયાણ પછી એક-બે દિવસમાં અથવા લાંબા સમયે થવા સંભવ છે. રોગલક્ષણો અનેક પ્રકારે જોવા મળે છે. શરૂઆતમાં ખોરાક પ્રત્યે અરુચિ, દૂધઉત્પાદનમાં 25 % ઘટ તથા નબળાઈ જણાય છે. પશુ જકડાઈ જાય છે, ચામડીની સ્થિતિસ્થાપકતા ઓછી થાય છે, છાણ કઠણ બને છે તથા પશુ સાધારણ સુસ્ત જણાય છે. શરીરતાપમાન, નાડી અને શ્વાસોચ્છવાસની ક્રિયા સામાન્ય હોય છે શ્વાસોચ્છવાસમાં કીટોનની ખાસ પ્રકારની ગંધ આવે છે. બીજા તબક્કામાં તેની અસર ચેતાતંત્રની કાર્યવાહી પર થાય છે. શરૂઆતમાં પશુ પ્રથમ ઉત્તેજિત થઈને ગોળગોળ ફર્યા કરે છે, ચાલ વિચિત્ર થાય છે, માથું પછાડે છે, ચામડીને ચાટે છે અને મોંમાંથી લાળ પડે છે. સાધારણ આંચકી અને તાણ આવે છે અને કોઈ વાર બહારના અવાજથી ઉત્તેજિત થાય છે અને છેવટે એક જગ્યાએ પડી રહે છે. આ રોગથી ગાય-ભેંસમાં મૃત્યુપ્રમાણ ખાસ વધતું નથી, પરંતુ ઘેટીમાં મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે.
પશુપાલનવ્યવસ્થા, પોષણનો ઇતિહાસ, પશુની સગર્ભાવસ્થા, પ્રસૂતિનો સમય, રોગલક્ષણો તથા લોહીના પરીક્ષણની માહિતીથી આ રોગનું નિદાન થઈ શકે છે. પશુના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જે સામાન્ય રીતે 100 મિલી. લોહીદીઠ 50 મિગ્રા. હોય છે તે ઘટીને પ્રતિ 100 મિલી. 20થી 40 મિગ્રા. જેટલું થાય છે, લોહીમાં કીટોનનું પ્રમાણ 10 મિગ્રા. પ્રતિ 100 મિલી.થી વધીને 100 મિલી. દીઠ 100 મિગ્રા. જેટલું થાય છે. મૂત્ર અને દૂધમાં પણ કીટોનનું પ્રમાણ વધે છે. લોહીમાં અન્ય હાનિકારક તત્ત્વોનું પ્રમાણ પણ વધે છે.
રોગ-ઉપચારમાં તાત્કાલિક સારવાર અને રોગનિયંત્રણનાં પગલાં લેવામાં આવે છે. સારવારમાં તાત્કાલિક ગ્લુકોઝનાં ઇન્જેક્શન આપવામાં આવે છે તથા લક્ષણો ઉપર આધારિત અન્ય સારવાર જરૂરી હોય છે. ઘેટીમાં રોગના માત્ર પ્રથમ તબક્કામાં સારવારની અસર થાય છે. ત્યારબાદ તે અસરકારક નીવડતી નથી. સીઝેરિયન –ઑપરેશન દ્વારા બચ્ચાને બહાર કાઢવું પડે છે. રોગનિયંત્રણમાં પશુને પ્રસૂતિકાળ દરમિયાન પોષક આહાર પૂરતા પ્રમાણમાં અપાય છે તથા દરરોજ 100 ગ્રામ જેટલું સોડિયમ પ્રોપિઓનેટ ખાણમાં અપાય તે જરૂરી ગણાય છે. વિયાણ પછી ખોરાકમાં કાર્બોદિત પદાર્થોનું પ્રમાણ વધારે છે. વસુકી ગયેલ પશુને ખોરાકમાં વધારે પ્રમાણમાં ખાણ-દાણ અપાતાં નથી. પશુપાલનવ્યવસ્થામાં પૂરતી કાળજી રાખવી જરૂરી બને છે. આ અંગેનાં તજ્જ્ઞોનાં સલાહ-સૂચન લેવાં હિતાવહ ગણાય છે.
પશુમાં ચયાપચયજન્ય રોગો પશુપાલનવ્યવસ્થા, પોષક આહાર તથા દૂધ-ઉત્પાદન સાથે સંકળાયેલાં છે. રોગ-અવસ્થાની પરિસ્થિતિ વ્યક્તિગત પશુ કરતાં પશુસમૂહ અંગે વિચારવી જરૂરી ગણાય છે; કારણ કે કેટલાંક પશુધણમાં આવી પરિસ્થિતિ વારંવાર ઉદભવતી જોવા મળે છે. આ રોગો વિવિધ તબક્કે જોવા મળે છે. આ રોગલક્ષણો મંદ, તીવ્ર અથવા જીર્ણ પ્રકારનાં હોઈ શકે છે. રોગને પ્રાથમિક તબક્કામાં જાણવામાં આવે તો રોગનિયંત્રણનાં અસરકારક પગલાં લઈ શકાય. આ માટે યુરોપ-અમેરિકામાં પશુધણમાં ‘કૉમ્પટન મેટાબોલિક પ્રોફાઇલ ટેસ્ટ’ કરવામાં આવે છે. આ પરીક્ષણમાં ધણના દરેક પશુના લોહીના નમૂના લઈને તેને તપાસવામાં આવે છે. તદુપરાંત ગ્લુકોઝ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ, યૂરિયા, નાઇટ્રોજન પ્રોટીન, મેદામ્લો વગેરેના પ્રમાણનું પૃથક્કરણ કરવામાં આવે છે; જેથી પશુમાં પોષણની સમતુલા-અસમતુલા જાણી શકાય અને આવા રોગ થવાની શક્યતા અંગે વિચારી શકાય. જોકે આ કસોટીની પણ મર્યાદા હોય છે જે ધ્યાનમાં રાખીને પરીક્ષણનું પરિણામ અને પૃથક્કરણ કરવામાં આવે છે. આમ છતાં, આ માહિતી દ્વારા વ્યક્તિગત પશુ અને પશુસમૂહમાં રોગનિયંત્રણનાં પગલાં લેવા અંગેનું માર્ગદર્શન મળી રહે છે.
મનહર દવે