ત્રિવેદી, ઉપેન્દ્ર (જ. 14 જુલાઈ 1937, ઇન્દોર; અ. 4 જાન્યુઆરી 2015, વિલે પાર્લે, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના જાણીતા અભિનેતા-નિર્માતા-નિર્દેશક. મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજ્જૈન ખાતે વિનોદ મિલમાં કર્મચારી હતા. ઉજ્જૈનની પ્રાથમિક હિંદી શાળામાં અભ્યાસ કર્યો. પિતા લકવાગ્રસ્ત થયા પછી નાની ઉંમરે જ તેમની છત્રછાયા ગુમાવી. કલાકાર અરવિંદ ત્રિવેદી તેમના ભાઈ થાય.
નાટકના સંસ્કાર બાળપણથી જ પડ્યા હતા. ઉજ્જૈનમાં હતા ત્યારે રામલીલા જોવાનો ખૂબ શોખ હતો. બંને ભાઈઓ રાત્રે રામલીલા જોતા અને દિવસે તેનાં વિવિધ પાત્રોનું અનુકરણ કરતા.
મોટા ભાઈ ભાલચંદ્ર મુંબઈમાં રહેતા હતા. પિતાના અવસાન પછી તેમણે બંને ભાઈઓને મુંબઈ બોલાવી લીધા. મુંબઈમાં અભ્યાસ શરૂ કર્યા બાદ શાળા-કૉલેજમાં નાટકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ઉપેન્દ્રભાઈ કૉલેજકાળમાં જ નાટકોમાં સક્રિય થઈ ગયા. એ દિવસોમાં પણ ગુજરાતી રંગભૂમિ પર પરભાષી નાટકોનાં ગુજરાતી રૂપાંતરો ભજવવાની બોલબાલા હતી ત્યારે ઉપેન્દ્રભાઈએ મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પરથી નાટક લખ્યું અને દિગ્દર્શન કર્યું તથા તેમાં અભિનય પણ કર્યો. આ નાટક ખૂબ વખણાયું. આ ઉપરાંત ‘બાંધવ માડીજાયા’, ‘મેજર ચન્દ્રકાન્ત’, ‘પારિજાત’, ‘વેવિશાળ’, ‘નૌકાડૂબી’ વગેરે નાટકો અને ખાસ તો ગુજરાતી રંગભૂમિ પર જે કેટલાંક નાટકો સીમાચિહ્નરૂપ બની ગયાં છે તેમાંનું એક ‘અભિનયસમ્રાટ’ તો એટલું વખણાયું કે તેમના નામ સાથે આ વિશેષણ જોડાઈ ગયું.
ગુજરાતી ચલચિત્રોના ખ્યાતનામ દિગ્દર્શક મનહર રસકપૂર ઉપેન્દ્રભાઈને ફિલ્મોમાં લાવ્યા. 1960માં ‘કાદુ મકરાણી’ તથા ‘મેંદી રંગ લાગ્યો’માં પ્રથમ ભૂમિકાઓ કરી. 1961માં ‘હીરો સલાટ’, ‘વીર રામવાળો’, 1962માં ‘જોગીદાસ ખુમાણ’, 1963માં ‘વનરાજ ચાવડો’ વગેરે ચલચિત્રોમાં કામ કર્યા બાદ થોડાં વર્ષો ચલચિત્રોથી દૂર થઈ ગયા. દરમિયાન થોડો સમય આકાશવાણી સાથે જોડાયા. ગુજરાતી ચલચિત્રો માટે પણ એ મંદીનાં વર્ષો હતાં. વર્ષે માંડ બે-પાંચ ચલચિત્રો બનતાં. ગુજરાત સરકારની કરમુક્તિની નીતિને કારણે ગુજરાતી ચલચિત્રોના નિર્માણને વેગ મળ્યો ત્યારે પ્રારંભનાં વર્ષોમાં ખ્યાતનામ દિગ્દર્શક રવીન્દ્ર દવે તેમને ચલચિત્રોમાં પાછા ખેંચી લાવ્યા. 1971માં રવીન્દ્ર દવેએ ‘જેસલ તોરલ’નું નિર્માણ કર્યું. ઉપેન્દ્રભાઈએ તેમાં બહારવટિયા જેસલની ભૂમિકા અસરકારક રીતે ભજવી. ત્યારપછી રવીન્દ્ર દવેએ જેટલાં ચલચિત્રો બનાવ્યાં તેમાં ઉપેન્દ્રભાઈએ મુખ્ય ભૂમિકા ભજવી. આમ બધાં મળીને લગભગ સોએક ચલચિત્રોમાં તેમણે ગુજરાતી લોકકથાઓનાં અનેક ચિરંજીવ પાત્રોને પડદા પર જીવંત કર્યાં. રાજ્ય સરકારનાં પારિતોષિકો પણ મેળવ્યાં. ફરી વાર નિર્માણ પામેલ ‘કાદુ મકરાણી’ ઉપરાંત ‘રાજા ભરથરી’, ‘રાણકદેવી’, ‘હોથલ પદમણી’, ‘જોગીદાસ ખુમાણ’ ‘શેતલને કાંઠે’, ‘ભાદર, તારાં વહેતાં પાણી’, ‘માલવપતિ મુંજ’, ‘સંતુ રંગીલી’, ‘વીર માંગડાવાળો,’ ‘ભ્રષ્ટાચાર મુર્દાબાદ’, ‘પૈસો બોલે છે’, ‘સોન કંસારી’, ‘વેરની વસૂલાત’, ‘અમરસિંહ રાઠોડ’, ‘અમર દેવીદાસ’ ‘માણસાઈના દીવા’, ‘મચ્છુ તારાં વહેતાં પાણી’ સહિત તેમનાં ઘણાં ચલચિત્રો લોકપ્રિય થયાં. કેટલાંક હિંદી ચલચિત્રોમાં પણ તેમણે નાનીમોટી ભૂમિકાઓ ભજવી.
ઉપેન્દ્રભાઈ માત્ર તખતાના કે પડદાના કલાકાર નથી, વિશ્વસાહિત્યના વાચક અને સાહિત્યરસિક જીવ હતા. ગુજરાતી લોકસાહિત્યના મર્મજ્ઞ હતા. તેઓ અસરકારક વાણીમાં દુહા, છંદ, અને લોકબોલીની રજૂઆત કરી શકતા હતા.
પછી તેઓ રાજકારણમાં રત થઈ ગયા. 1984માં રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ સાબરકાંઠા જિલ્લાની ભિલોડા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે બે વાર તેઓ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા. એ વર્ષોમાં તેઓ ગુજરાત ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષપદે રહ્યા, અને એ પછી સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો, માહિતી તથા શહેરી ગૃહનિર્માણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાનપદે પણ રહ્યા.
પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક પુરસ્કૃત નવલકથા ‘માનવીની ભવાઈ’ પરથી તેમણે મહત્વાકાંક્ષી ચલચિત્ર ઉતાર્યું. ગુજરાતમાં પાણીની તંગીના પ્રાણપ્રશ્નને પશ્ચાદભૂમાં રાખીને તેમણે ‘માનવીની ભવાઈ’માં ખેડૂતોની વેદનાને વાચા આપી. આ ચલચિત્રમાં વાર્તાના મુખ્ય પાત્ર કાળુની ભૂમિકા તેમણે ભજવી. ચલચિત્રના પટકથા-સંવાદ પણ લખ્યાં અને તેનું દિગ્દર્શન પણ કર્યું.
હરસુખ થાનકી