ત્રિવેદી, અર્ચન (જ. 19 મે 1966, વડોદરા, ગુજરાત) : નાટ્યવિદ, અભિનેતા, દિગ્દર્શક. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ત્યાર બાદ તેમણે દર્પણ અકાદમીમાંથી ભવાઈમાં ડિપ્લોમાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્યારથી તેઓ ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રે એક કલાકાર તરીકે છેલ્લાં 30 વર્ષથી સક્રિય છે.
‘ગુજરાત સમાચાર’ – આઇ.એન.ટી. દ્વારા આયોજિત આંતરકૉલેજ એકાંકી-સ્પર્ધાઓમાં 1986–87–88 સળંગ 3 વર્ષ સુધી તેમણે શ્રેષ્ઠ અભિનય આપ્યો. એ જ રીતે એ ત્રણેય વર્ષોની યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ખાતા દ્વારા આયોજિત આંતરકૉલેજ એકાંકી-સ્પર્ધાઓમાં તેમણે શ્રેષ્ઠ દિગ્દર્શન કર્યું. દુબઈમાં ગુજરાતી સમાજ દ્વારા ‘જૂઠણ’, ‘જસમા ઓડણ’, ‘જેસલ તોરલ’ તથા ‘જીવરામ ભટ્ટ’ નાટકોનું સફળ મંચન તથા જૂની રંગભૂમિનાં ગીતોના ગાન દ્વારા જૂની રંગભૂમિનો નવી પેઢીને પરિચય આપ્યો.
ગુજરાત શૈક્ષણિક ટૅક્નૉલૉજી ભવન માટે તૈયાર કરાતા કાર્યક્રમમાં તેમણે અભિનય, લેખન, દિગ્દર્શન, રૂપાંતર તથા ડબિંગની કામગીરી કરી છે. માહિતીવિભાગ, જીઆઇએફટી, ઇસરો, આકાશવાણી, ડી.ડી.કે તથા જેડીસીપીની પૅનલના માન્ય કલાકાર તરીકે તેઓ કાર્યરત છે. વળી તેમણે સેવા, ઉન્નતિ, ફૉર્ડ ફાઉન્ડેશન, માનવસંસાધન વિકાસ વિભાગ જેવી અનેક સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ માટે નાટકોમાં હિંદી તથા ગુજરાતી ભાષામાં અભિનય આપ્યો છે.
તેમનું સૌથી મોટું યોગદાન છે બાળનાટકોમાં તથા વિવિધ સેવાભાવી સંસ્થાઓના જનજાગૃતિ કાર્યક્રમોના પ્રદર્શનમાં. 1993–99 દરમિયાન દર્પણ અકાદમી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ વતી ‘હોંચી હોંચી ગધેડાભાઈ’, ‘ચકોચકી’, ‘દલો તરવાડી’, ‘મગર અને શિયાળ’ જેવાં બાળનાટકો ઉપરાંત 13 જેટલી બિનસરકારી સંસ્થાઓ સાથે એઇડ્સ, પર્યાવરણ, સ્વચ્છતા, બાળમજૂરી, સ્ત્રીશિક્ષણ, સ્ત્રીસશક્તીકરણ જેવા વિષયો પર તેમણે શેરીનાટકો તથા ભવાઈવેશ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમોની સફળ રજૂઆત કરી છે. આરોગ્ય વિભાગના મલેરિયા, રક્તપિત્તની જાગૃતિ માટે 700 જેટલાં શેરીનાટકોના સફળ પ્રયોગો ઉપરાંત વ્યાવસાયિક ર્દશ્યશ્રાવ્ય માધ્યમોમાં એક સફળ અભિનેતા તથા દિગ્દર્શક તરીકે વિશિષ્ટ પ્રદાન કર્યું છે.
‘સાવ અમસ્તી વાત’, ‘કેદી માણસ’, ‘વહુ રે વહુ’, ‘અગનપંખી’, ‘કાકી નં. 1’, ‘હરિ ઓ પરી’, ‘નાદાન કી દોસ્તી’ અને ‘અકબર બિરબલ’ જેવા હિંદી–ગુજરાતી ધારાવાહિકમાં તેમણે દિગ્દર્શન અને ‘શ્યામલી’, ‘સરસ્વતીચંદ્ર’, ‘એક ડાળનાં પંખી’, ‘નરસૈંયો’, ‘સાંકડી શેરી’ અને ‘માણસ એક ઉખાણું’ જેવાં ધારાવાહિકોમાં અભિનય આપ્યો છે. તેઓ ‘કાકા ચાલે વાંકા’ અને ‘હુતો હુતી’ જેવી જાણીતી સિરિયલોથી ખૂબ જાણીતા થયા હતા.
આમ તેમણે 33 કૉમર્શિયલ, 5 વિકાસવિષયક ધારાવાહિક અને 8 જેટલી ફિચર-ફિલ્મોમાં અભિનય, 13 ત્રિઅંકી નાટકો, 22 એકાંકી નાટકો, 27 વ્યાવસાયિક નાટકો, ગોવર્ધન પંચાલ દ્વારા દિગ્દર્શિત 2 સંસ્કૃત નાટકો અને જ્હૉન માર્ટિન તથા રીથા યફાઈ દિગ્દર્શિત 4 અંગ્રેજી તથા 4 હિંદી નાટકોમાં સશક્ત અભિનય આપ્યો છે. વળી ‘ભીનાં પગલાંનું ઘર’, ‘પ્રેમકથા’, ‘ગિલોટિનનો ગોટો’, ‘તોખાર’ અને ‘કલ્કી’ તેમજ ગુજરાતી રંગભૂમિનાં ‘લોમહર્ષિણી’, ‘આનંદતરંગ’ તથા ‘મિથ્યાભિમાન’ જેવાં સીમાચિહ્નરૂપ નાટકોમાં તેમનો અભિનય ચિરસ્મરણીય નીવડ્યો છે. 2006માં એનઆઇડીની ફિલ્મ ‘ઇસ મોડ પર કુછ નહિ હોતા’માં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 2002થી 2005 દરમિયાન સંસ્કૃતિકુંજ પ્રસ્થાનમાં વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર, ઉદેપુર તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત આદિવાસી લોકનૃત્ય 2004, 2005માં, વાયબ્રન્ટ ગુજરાત કાઇટ ફેસ્ટિવલ ગુજરાતમાં, ગૌરવ-ગાથા 2003 અને 2005માં વાયબ્રન્ટ નવરાત્રિમાં નવદુર્ગા આધારિત લોકકથા દ્વારા તેમણે કાર્યક્રમોનું સફળ સંચાલન કર્યું હતું. હાલ તેઓ ગુજરાતી રંગભૂમિના વિકાસમાં અને ગુજરાતી નાટકોના સ્તરને વિશ્વકક્ષાએ પહોંચાડવામાં સક્રિય છે.
તેમને નાટ્યક્ષેત્રે આવા મહત્વના પ્રદાન બદલ 1986–87–88ના વર્ષનો શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો પુરસ્કાર એનાયત થયો છે. વળી 2007–08ના વર્ષના ગુજરાત રાજ્યસંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’થી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા