ત્રિવૃતાદિ ચૂર્ણ (કલ્પ) : આયુર્વેદિક ઔષધ. વિવિધ ઋતુઓમાં વિરેચન માટે નસોતર નામનું ઔષધ જુદી જુદી ઔષધિ સાથે મેળવીને અપાય છે; જેમ કે, ગ્રીષ્મઋતુમાં નસોતરમાં સમાન ભાગે ખડીસાકરનું ચૂર્ણ મેળવીને પાણી સાથે આપવાથી બરાબર વિરેચન થાય છે.
વર્ષાઋતુમાં નસોતર, ઇંદ્રજવ, લીંડીપીપર અને સૂંઠ સરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ કરી મધ તથા દ્રાક્ષના રસ સાથે આપવાથી વિરેચન થાય છે.
શરદઋતુમાં વિરેચન માટે નસોતર, ધમાસો, નાગરમોથ, સાકર, સુગંધી વાળો, રતાંજળી અને જેઠીમધ સરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ કરી કાળી દ્રાક્ષ ઠંડા પાણીમાં પલાળીને તૈયાર કરેલા પાણી સાથે અપાય છે.
હેમંત ઋતુમાં વિરેચન માટે નસોતર, ચિત્રક, કાળીપાઠ, જીરું, સરલ, વજ અને દારૂડીનાં મૂળને સમાન ભાગે લઈ ચૂર્ણ કરી ગરમ પાણી સાથે અપાય છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા