ત્રિકટુ કલ્પ : આયુર્વેદિક ઔષધિ. સૂંઠ, કાળાંમરી અને લીંડીપીપર – આ ત્રણે વનસ્પતિ સરખા વજને લઈ બનાવેલ ચૂર્ણને આયુર્વેદમાં ‘ત્રિકટુ’ (ત્રણ તીખાં) નામે ઓળખે છે. આયુર્વેદમાં ‘કલ્પ’ એ ‘કાયાકલ્પ’ કરનાર ઔષધિપ્રયોગ માટે વપરાતો શબ્દ છે. જે લોકોની કફદોષની તાસીર હોય; જેમને શરદી, સળેખમ, શ્વાસ, મંદાગ્નિ, ડાયાબિટીસ જેવા કફદોષપ્રધાન દર્દો હોય; તેમણે ખાસ શિયાળાની ઋતુમાં કરવાનો આ વિશિષ્ટ ઔષધિપ્રયોગ છે. આ પ્રયોગ શરૂ કરતાં પૂર્વે માફક આવે તેવો જુલાબ લઈ પ્રથમ આંતરડાં સ્વચ્છ કરી લેવાય છે. પછી શુભ દિવસથી આ પ્રયોગ શરૂ કરાય છે. એક સ્વચ્છ તપેલીમાં 500 ગ્રામ ગાયનું દૂધ લઈ, તેમાં પ્રથમ દિવસે 9 ગ્રામ ત્રિકટુચૂર્ણ નાખી, દૂધ ખૂબ ઉકાળીને 400 ગ્રામ શેષ રાખી, તે ઠર્યેથી તેમાં 10 ગ્રામ ખાંડ નાખી સવારે એક વાર પીધા પછી આખો દિવસ બીજો કંઈ ખોરાક લેવાતો નથી. સાંજે ખાવાની ઇચ્છા થાય તો નારંગી કે મોસંબીનો રસ પિવાય છે. દર બીજા દિવસથી દૂધ 200 ગ્રામ અને ત્રિકટુની માત્રા 1 ગ્રામ (એટલે બીજા દિવસે 10 ગ્રામ) વધારતા જાય છે. 30 દિન સુધી વધારીને એ પ્રમાણે પ્રયોગ પૂરો કરવામાં આવે છે. દર 450 ગ્રામ દૂધે 50 ગ્રામ દૂધ ઉકાળીને બાળવામાં આવે છે. પ્રયોગ દરમિયાન દર્દીએ બ્રહ્મચર્યનું પાલન કરવું આવશ્યક ગણાય છે. શારીરિક, માનસિક શ્રમ તથા ઉજાગરાનો દર્દીએ ત્યાગ કરવો પડે છે. પ્રયોગમાં ભેંસનું દૂધ લેવાતું નથી. નારંગી, મોસંબી કે પપૈયાનો ઉપયોગ થઈ શકે છે. આ ‘કાયાકલ્પ’ પ્રયોગથી જામી ગયેલા કફપ્રધાન દર્દો આશ્ચર્યકારક રીતે નાબૂદ થાય છે.
બળદેવપ્રસાદ પનારા