ત્રિઅંગી વનસ્પતિઓ (pteridophytes) : મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતી, વાહકપેશીધારી, અપુષ્પી અને બીજરહિત વનસ્પતિઓનો સમૂહ. તે બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે. આ વનસ્પતિસમૂહે ભૂમિ પર સફળતાપૂર્વક વસવાટ કર્યો છે. ગ્રીક શબ્દ ‘pteron’ (પીછું) અને ‘phyton’ (વનસ્પતિ) પરથી આ વનસ્પતિસમૂહને માટે ‘pteridophytes’ શબ્દ પ્રયોજાયો છે.
આ વનસ્પતિસમૂહ આશરે 40 કરોડ વર્ષ પહેલાં પુરાકલ્પ (paleozoic) કાળના પ્રવાલાદિ (silurian) યુગમાં ઉત્પન્ન થયો હતો. તે મત્સ્યયુગ (Devonian) અને અંગારયુગ(carboniferous)માં સૌથી વધુ વિકસિત વનસ્પતિ વિભાગ હતો. તે અર્વાચીન યુગમાં લગભગ 325 પ્રજાતિઓ અને 19,200 જાતિઓ ધરાવે છે. આ વનસ્પતિમાં બીજાણુજનક (sporophyte) મુખ્ય અને પ્રભાવી હોય છે. તે સંવહનપેશી ધરાવે છે. જલવાહક પેશીમાં જલવાહિનિકીઓ (trachieds) અને અન્નવાહક પેશીમાં ફક્ત ચાળણી કોષો (sieve cells) જોવા મળે છે.
આ ત્રિઅંગીઓના સમૂહના સેલાજીનેલા, ઇક્વીસેટમ જેવા કેટલાક સભ્યોમાં જલવાહિની હોય છે. આઇસોઇટીસ સિવાયની ત્રિઅંગીઓમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી. મધ્યરંભીય આયોજન આદિમધ્યરંભ (protostele), નળાકાર મધ્યરંભ (siphonostele), વિચ્છેદિત મધ્યરંભ (dictyostele) કે બહુચક્રીય મધ્યરંભ (polycyclic) પ્રકારનું હોય છે. તે સમબીજાણુક (homosporous) (દા. ત., લાયકોપોડિયમ, ડ્રાયોપ્ટેરિસ) કે વિષમબીજાણુક (heterosporous) (દા. ત., સેલાજીનેલા, આઇસોઇટીસ, માર્સીલીઆ, સાલ્વીનીઆ) હોય છે. બીજાણુઓ કોથળી જેવી રચનામાં ઉદભવે છે; જેને બીજાણુધાની (sporangium) કહે છે. તે સામાન્યત: પર્ણ જેવાં ઉપાંગની કક્ષમાં કે પર્ણના તલપ્રદેશે પૃષ્ઠસપાટી પર આવેલી હોય છે. આવા પર્ણને બીજાણુપર્ણ કહે છે. બીજાણુધાનીઓ અને બીજાણુપર્ણો સમગ્ર વનસ્પતિના અક્ષ પર વીખરાયેલાં હોઈ શકે અથવા તેમનું આયોજન શંકુ-સ્વરૂપે થયેલું હોય (દા. ત., સેલાજીનેલા, ઇક્વીસેટમ). કેટલીક ત્રિઅંગીઓમાં બીજાણુધાનીઓ વિશિષ્ટ અંગમાં ઉદભવે છે; જેને બીજાણુફલિકા (sporocorp) કહે છે. (દા. ત., માર્સીલીઆ, સાલ્વીનીઆ, અઝોલા). ઇક્વીસેટમ એરવેન્સમાં વાનસ્પતિક અક્ષ અને પ્રજનન-અક્ષનું વિભેદન થયેલું જોવા મળે છે. બીજાણુધાનીઓનો વિકાસ સુબીજાણુધાનીય (eusporangiate) કે તનુબીજાણુધાનીય (leptosporangiate) પ્રકારનો હોય છે. બીજાણુઓ એકકીય (haploid) હોય છે અને તેમના અંકુરણથી જન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય છે.
સમબીજાણુક જાતિ સામાન્યત: એકગૃહી (monoecious) જન્યુજનક ધરાવે છે; જ્યારે વિષમ બીજાણુક જાતિ નર અને માદા જન્યુજનક જુદા જુદા ઉત્પન્ન કરતી હોવાથી દ્વિગૃહી (dioecious) હોય છે. એકગૃહી જન્યુજનક પૂર્વપુંપક્વતા (protoandry) કે પૂર્વસ્ત્રીપક્વતા (protogyny) દર્શાવે છે. (દા. ત., ઇક્વીસેટમ). સમબીજાણુક ત્રિઅંગીઓમાં પણ દ્વિગૃહી જન્યુજનક જોવા મળે છે. (દા. ત., પ્ટેરીસ, પ્ટેરીડીઅમ, સ્કીઝીઆ). જન્યુજનક હરિત, સરળ કે શાખિત, હવાઈ કે ઉપહવાઈ અથવા રંગહીન ગ્રંથિલ અને મૃતોપજીવી (દા.ત., લાયકોપોડીઅમ) હોય છે. વિષમબીજાણુક જાતિઓમાં જન્યુજનક અલ્પવિકસિત હોય છે. (દા.ત., સેલાજીનેલા, આઇસોઇટીસ માર્સીલીઆ). લિંગી પ્રજનનાંગો ખૂંપેલાં અથવા બાહ્ય સપાટીએ લંબાયેલાં હોય છે. પુંજન્યુધાની(antheridium)નો વિકાસ સુબીજાણુધાનીય કે તનુબીજાણુધાનીય પ્રકારનો હોય છે. તે અદંડી હોય છે અથવા ટૂંકો દંડ ધરાવે છે. તે ત્રણ કે તેથી વધારે કોષોની બનેલી એકસ્તરીય દીવાલ ધરાવે છે; જે ચલપુંજન્યુઓ(spermatozoids)ને આવરે છે. સ્ત્રીધાની (archegonium) ગ્રીવાકોષોની ચાર આયામ હરોળ ધરાવે છે. જેમની ઊંચાઈ 2–6 કોષોની હોય છે. ગ્રીવાકુલ્યાકોષો(neck canal cells)ની સંખ્યા 1(સેલાજીનેલા, ઇક્સવીસેટમ)થી 14 (લાયકોપોડીઅમ)ની હોય છે. સમબીજાણુક જાતિઓના જન્યુજનકો બહિર્બીજાણુક (exosporic) વિકાસ દર્શાવે છે, જ્યારે વિષમબીજાણુક જાતિઓના જન્યુજનક અંત:બીજાણુક (endosporic) હોય છે. સ્ત્રીધાનીના અંડધાનીકાય(venter)માં જ યુગ્મનજ ભ્રૂણવિકાસ સાધે છે. ભ્રૂણવિકાસ બહિર્મુખી (exoscopic), અંતર્મુખી (endoscopic) કે પાર્શ્વીય (lateral) હોય છે. બધી જ ત્રિઅંગી વનસ્પતિઓ વિષમજાત (heterologous) એકાંતરજનન (alternation of generation) દર્શાવે છે.
ત્રિઅંગીનું વર્ગીકરણ જી.એમ. સ્મિથ (1955), બોલ્ડ (1957), બેન્સન (1957) અને ઝિમરમેને (1962) ત્રિઅંગીના વિવિધ વિભાગો, ઉપવિભાગો અને વર્ગ આપ્યા. આ વર્ગકો(taxon)ની પાછળ આંતરરાષ્ટ્રીય વનસ્પતિ નામાભિધાન આચારસંહિતા(International code for botanical nomenclature)ની ભલામણો મુજબ અનુક્રમે ‘ફાઇટા’ (phyta), ‘ફાઇટિના’ (Phytina) અને ‘ઓપ્સિડા’ (opsida) શબ્દ લગાડવામાં આવે છે.
જી.એમ. સ્મિથે (1955) ત્રિઅંગીને ચાર વિભાગ–સાયલોફાઇટા, લેપીડોફાઇટા, કેલેમોફાઇટા અને ટેરોફાઇટા–માં વર્ગીકૃત કરી. ક્રોન્ક્વિસ્ટ, તખ્તાજાન અને ઝિમરમેને (1966) ત્રિઅંગીને નીચેના પાંચ વિભાગમાં વહેંચી છે :
1 રહાનીઓફાઇટા
2 સાયલોફાઇટા
3 લાયકોપોડીઓફાઇટા
4 ઇક્વિસેટોફાઇટા
5 પૉલિપોડીઓફાઇટા
આધુનિક વર્ગીકરણમાં ‘ટેરીડોફાઇટા’ શબ્દનો પ્રયોગ અપ્રસ્તુત બન્યો છે. વાહકપેશીધારી અપુષ્પ વનસ્પતિઓનું સૌથી વધારે સ્વીકૃત વર્ગીકરણ (થોડાંક રૂપાંતરો સાથે) નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે :
વિભાગ : સાયલોફાઇટા : આ વિભાગની વનસ્પતિઓ આદ્ય, સૌથી જૂની, મૂળવિહીન અને વાહકપેશીધારી હોય છે. બીજાણુજનક ભૂમિગત પ્રકાંડ (ગાંઠામૂળી) અને હવાઈ પ્રરોહતંત્રમાં વિભેદન પામે છે. હવાઈ પ્રરોહ યુગ્મશાખી હોય છે. ગાંઠામૂળી પર મૂલાંગો જેવી રચના આવેલી હોય છે. પર્ણો જો હોય તો શિરાવિહીન હોય છે. પર્ણ-અવકાશો (leaf gaps) હોતા નથી. મધ્યરંભીય આયોજન આદિમધ્યરંભીય પ્રકારનું હોય છે. વાહકપેશી પ્રાથમિક પ્રકારની હોય છે. તેમાં આવેલી જલવાહિનિકીઓમાં વલયાકાર (annular) અને કુંતલાકાર (spiral) સ્થૂલન હોય છે. બીજાણુધાનીઓ એકાકી, અગ્રસ્થ કે પાર્શ્વીય હોય છે.
ચલપુંજન્યુ બહુ પક્ષ્મલ અને ભ્રૂણ નિલંબ(suspensor)રહિત હોય છે. તે બે વર્ગમાં વર્ગીકૃત થાય છે :
વર્ગ–1 : સાયલોફાઇટોપ્સીડા : આ વર્ગની વનસ્પતિઓ અશ્મીભૂત સ્વરૂપે પ્રવાલાનિ અને મત્સ્ય યુગમાં મળી આવતી હતી. તે સૌથી આદ્ય વાહક પેશીધારી અપુષ્પ વનસ્પતિઓ છે, જેમનો હવાઈ પ્રરોહ અરીય અને યુગ્મશાખી હોય છે. આ વર્ગનું એક જ ગોત્ર સાયલોફાઇટેલ્સ છે; દા. ત., રહાનીઆ, હોર્નીઓફાયટોન. પ્રા. સહાની(1953)એ પશ્ચિમ હિમાલયની સ્પીટી ખીણમાંથી સાયલોફાયટોન જેવું પ્રકાંડ શોધ્યું છે [જુઓ આકૃતિ : (5) રહાનીઆ].
વર્ગ–2 : સાયલોટોપ્સીડા : તે સાયલોટમ અને મેસીપ્ટેરીસ નામની માત્ર બે જ જીવંત પ્રજાતિઓ ધરાવે છે. તે સાયલોફાઇટેલ્સ ગોત્ર સાથે સામ્ય ધરાવે છે. ભારતમાં સાયલોટમ ટ્રાઇક્વેટ્રમ અને સા. ફ્લેક્સીડમ થાય છે. મેસીપ્ટેરીસ-ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ દ. પૅસિફિક મહાસાગરના ટાપુઓ ઉપર ઊગે છે. પ્રા. સહાની(1925)એ મેસીપ્ટેરીસ વીલાર્ડીની શોધ કરી હતી.
વિભાગ : લાયકોફ્રાઇટા અથવા લેપીડોફાઇટા : આ વિભાગની વનસ્પતિઓનો બીજાણુજનક મૂળ, યુગ્મશાખી પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તેનું ભૂમિગત પ્રકાંડ પ્રકંદ (rootstock) પ્રકારનું હોય છે. પર્ણો કદમાં નાનાં અને એક મધ્ય શિરાવાળાં લઘુપર્ણી (microphyll) હોય છે. તે એકાંતરિક, સમ્મુખ કે ભ્રમિરૂપ પર્ણવિન્યાસ ધરાવે છે. તે આદ્ય, નળાકાર કે બહુરંભીય (polystelic) પ્રકારનું મધ્યરંભીય આયોજન ધરાવે છે. તેની અંત:સ્થરચનામાં પર્ણ-અવકાશો હોતા નથી. બીજાણુપર્ણોની પૃષ્ઠસપાટીએ કે કક્ષમાં એકાકી બીજાણુધાનીઓ ઉત્પન્ન થાય છે. ઘણી વનસ્પતિ-જાતિઓમાં બીજાણુપર્ણો સમૂહમાં ગોઠવાઈ શંકુની રચના બનાવે છે. તે સમબીજાણુક કે વિષમબીજાણુક હોય છે.
આ વિભાગ જિહવિકા(ligule)ની હાજરી કે ગેરહાજરીના આધારે બે વર્ગમાં વર્ગીકૃત થાય છે :
વર્ગ : ઇલીગ્યુલોપ્સીડા : આ વર્ગની વનસ્પતિઓ સમબીજાણુક અને જિહવિકાવિહીન હોય છે.
ગોત્ર : લાયકોપોડીએલ્સ : આ ગોત્રની વનસ્પતિઓ અંગાર યુગથી શરૂ થઈ અર્વાચીન યુગમાં પણ મળી આવે છે. અશ્મીભૂત વૃક્ષ-સ્વરૂપોમાં લાયકોપોડાઇટીસ, પેરોડેન્ડ્રોન, લાયકોઝાયલોન વગેરેનો સમાવેશ થાય છે. તે ભારતમાં મધ્યજીવી (mesozoic) કલ્પમાં મળી આવેલી વનસ્પતિઓ છે. જીવંત પ્રજાતિઓમાં લાયકોપોડીઅમ અને ફાઇલોગ્લોસમનો સમાવેશ થાય છે. તેમનાં લઘુપર્ણો એકાંતરિક અને જિહવિકાવિહીન હોય છે. તેમનો જન્યુજનક બહિર્બીજાણુક, સંપૂર્ણ ભૂગર્ભીય કે અંશત: ભૂગર્ભીય અને અંશત હવાઈ હોય છે. કેટલીક વાર સક્વકાનિ ફૂગ (mycorhizal fungus) ધરાવે છે, જેના દ્વારા તે પોષણ મેળવે છે. ચલપુંજન્યુઓ દ્વિકશાધારી હોય છે.
ગોત્ર : પ્રોટોલેપીડોડેન્ડ્રેલ્સ : પ્રવાલાનિ-યુગથી અંગારયુગ સુધી વિસ્તરેલી અશ્મીભૂત શાકીય વનસ્પતિઓ જેવી કે પ્રોટોલેપીડોડેન્ડ્રોન અને બરાગ્વાનાથીઆનો સમાવેશ થાય છે.
વર્ગ : લીગ્યુલોપ્સીડા : આ વર્ગની વનસ્પતિઓ વિષમબીજાણુક અને જિહવિકાયુક્ત હોય છે.
ગોત્ર : સેલાજીનેલેલ્સ : આ ગોત્રની વનસ્પતિઓ શાકીય, ભૂપ્રસારી, લઘુપર્ણીય અને જિહવિકાયુક્ત હોય છે. રાઇઝોફોર નામની રચનાના અગ્રભાગેથી મૂળ ઉત્પન્ન થાય છે. તે અંગારયુગથી શરૂ થઈ અર્વાચીન યુગમાં પણ મળી આવે છે. સેલાજીનેલા એકમાત્ર જીવંત પ્રજાતિ છે, જે 700 જાતિઓ ધરાવે છે. ભારતમાં લગભગ 71 જેટલી જાતિઓ નોંધાયેલી છે. સેલાજીનેલાઇટિસ અને માયેડેસ્મીયા અંગાર-યુગનાં અશ્મીભૂત સ્વરૂપો છે.
ગોત્ર : આઇસોઇટેલ્સ : રક્તાશ્મ (Triassic) યુગથી આજ પર્યંત અશ્મીભૂત અને જીવંત સ્વરૂપે મળી આવતી લઘુપર્ણીય શાકીય વનસ્પતિઓ છે. તેમનું ભૂમિગત પ્રકાંડ વજ્રકંદ કે સંઘનિત (condensed) ગાંઠામૂળી પ્રકારનું હોય છે. ભૂમિગત અક્ષના નીચેના ભાગ ને તંતુજટા (rhizomorph) કહે છે. તેના પરથી પાર્શ્વમૂળો ઉદભવે છે. ચલપુંજન્યુઓ બહુપક્ષ્મલ હોય છે. જીવંત પ્રજાતિઓ આઇસોઇટીસ (લગભગ 75 જાતિઓ) અને સ્ટાયલીટીસ (2 જાતિઓ) છે. રોહ અને ફૉકે (1959) એન્ડીઝ ગિરિમાળાના પેરુવિયન પ્રદેશમાંથી સ્ટાયલીટીસનું સંશોધન કર્યું છે. તેનું પ્રકાંડ લાંબું હોય છે અને મૂળ અશાખિત હોય છે. આઇસોઇટાઇટીસ અશ્મીભૂત પ્રજાતિ છે.
ગોત્ર : લેપીડોડેન્ડ્રેલ્સ : આ ગોત્રની મહાકાય અશ્મીભૂત વનસ્પતિઓ અંગારયુગથી ઉપરિ (upper) મત્સ્યયુગ પર્યંત પ્રસરેલી હતી અને ભેજયુક્ત ભૂમિ પર ગાઢ જંગલ બનાવતી હતી. વિશ્વભરમાંથી લગભગ 100 જાતિઓ મળી આવી છે. લેપીડોડેન્ડ્રોન, લેપીડોફાયલમ, લેપીડોફ્લોઇસ, લેપીડોસ્ટ્રોબસ, લેપીડોકાર્પોન, સ્ટીગ્મારીઆ, બોથ્રોડેન્ડ્રોન, સીજીલારીઆ, મેઝોકાર્પોન વગેરે જાણીતાં અશ્મીભૂત સ્વરૂપો છે. ભારતમાં અધરિક (lower) ગોંડવાનામાંથી માત્ર સાયક્લોડેન્ડ્રોન મળી આવે છે.
ગોત્ર : પ્લુરોમિયેલ્સ : આ ગોત્રની વનસ્પતિઓ મધ્યરક્તાશ્મ યુગથી ખટી યુગ (Cretaceous) દરમિયાન મળી આવી; દા. ત., પ્લુરોમિઆ, નેથોર્સ્ટીઆના.
વિભાગ : આર્થોફાઇટા (કેલેમોફાઇટા અથવા સ્ફીનોફાઇટા) : આ વિભાગની વનસ્પતિઓનું મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન થયેલું હોય છે. તેમનાં પ્રકાંડ સાંધામય હોય છે; જેના પર આયામગર્ત અને શૃંગ જોવા મળે છે. પર્ણો સાદાં, નાનાં અને ભ્રમિરૂપ હોય છે. પ્રકાંડ પર્ણ અવકાશવિહીન આદિ કે નળાકાર મધ્યારંભ ધરાવે છે. સમ કે વિષમ બીજાણુઓ ઉત્પન્ન કરતી બીજાણુધાનીઓ છત્રાકાર બીજાણુધાનીધર (sporangiphore) પર આવેલી હોય છે. તેઓ પ્રકાંડના અગ્રભાગે સમૂહમાં ગોઠવાઈ શંકુની રચના બનાવે છે. ચલપુંજન્યુઓ બહુપક્ષ્મલ અને ભ્રૂણ નિલંબરહિત હોય છે. આ વિભાગને બે વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
વર્ગ : સ્ફીનોફાયલોપ્સીડા : આ વર્ગની બધી વનસ્પતિઓ અશ્મીભૂત છે અને તેમને એક જ ગોત્રમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
ગોત્ર : સ્ફીનોફાયલેલ્સ. આ ગોત્રની વનસ્પતિઓ ઉપરિ મત્સ્ય-યુગથી આરંભાઈ અધ: રક્તાશ્મ સુધી જોવા મળતી હતી. તેમનું શાકીય સ્વરૂપ ઇક્વિસેટમ સાથે સામ્ય દર્શાવે છે; દા. ત., સ્ફીનોફાયલમ, બાઉમેનાઇટીસ (સ્ફીનોફાયલોસ્ટેકીસ), ચેઇરોસ્ટ્રોબસ. ભારતમાં રાનીગંજ અને બારકર(ગોંડવાના પ્રદેશ)માંથી સ્ફીનોફાયલમ સ્પેસીઓસમ મળી આવેલ છે.
વર્ગ : કેલેમોપ્સીડા : આ વર્ગમાં જીવંત અને અશ્મીભૂત સ્વરૂપો જોવા મળે છે. અને તે ત્રણ ગોત્રમાં વર્ગીકૃત થાય છે.
ગોત્ર : કેલેમાઇટેલ્સ : રાક્ષસી અશ્વપુચ્છ તરીકે જાણીતી આ ગોત્રની વનસ્પતિઓ પુરાકલ્પના અંગારયુગમાં મહાકાય લેપીડોડેન્ડ્રેલ્સ સાથે જંગલોમાં પ્રભાવી હતી અને ક્રમશ: ગિરિ યુગ(Permian)માં લુપ્ત થઈ; દા. ત., કેલેમાઇટીસ, આથ્રોપીટીસ, કેલેમોડેન્ડ્રોન, આર્થોઝાયલોન, એસ્ટ્રોમાયલોન, એસ્ટ્રોફાયલાઇટીસ, એન્યુલારીયા, કેલેમોસ્ટેકીસ, પેલીઓસ્ટેકીસ, સીંગ્યુલારીયા, આર્ચીયોકેલેયાઇટીસ, પ્રોટોકેલેમાઇટીસ, પ્રોટોકેલેમોસ્ટેકીસ.
ગોત્ર : હાયેનીએલ્સ : આ ગોત્રની મધ્ય અને અધ: મત્સ્યાદિ-યુગમાં મળી આવેલ પ્રભાવી ક્ષુપીય અશ્મીભૂત વનસ્પતિઓમાં પ્રોટોહાયેનીઆ, હાયેનીઆ અને કેલેમોફાયટોનનો સમાવેશ થાય છે.
ગોત્ર : ઇક્વીસેટેલ્સ : અંગારયુગથી પ્રારંભાઈ આજ પર્યંત અશ્મી તેમજ જીવંત સ્વરૂપે પ્રારંભમાં વૃક્ષ અને આધુનિક યુગમાં શાકીય રૂપે જોવા મળે છે. તેનાં અશ્મી સ્વરૂપો સ્કીઝોન્યૂરા, ફાયલોથીકા, સ્ટીલોથીકા, નીઓકેલેમાઇટ્સ અને ઇક્વીસેટાઇટીસ મુખ્ય છે. પ્રા. સહાનીએ ફાયલોથીકા ઇન્ડીકા ભારતના રાનીગંજ ક્ષેત્રમાંથી અને ફા. સહાનીએ બારકરમાંથી નોંધી છે. સ્કીઝોન્યૂરા ગોંડવાનેન્સીસ સ્કી. વાર્ડી, સ્ટીલોથીકા અને નીઓકેલેમાઇટ્સનાં અશ્મી ભારતમાંથી મળી આવ્યાં છે.
ઇક્વીસેટમ જીવંત શાકીય સ્વરૂપે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ સિવાયનાં ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં પથરાયેલી છે અને 250 જાતિ ધરાવે છે. ભારતમાં ઈ. ડીફ્યુસમ, ઈ. રેમોસીસીમમ, ઈ. મેક્સીમમ જ્યારે ઈ. ડુબીયમ, ઈ. ઇલોંગેટમ અને ઈ. આરવેનસીસ હિમાલયમાંથી પ્રાપ્ત થાય છે; જ્યારે ઈ. ડેબાઇલ ગંગાના મેદાનમાં મળી આવે છે.
વિભાગ 4 : ફીલીકોફાઇટા (ટેરોફાઇટા) : ત્રિઅંગીનો સૌથી મોટો વિભાગ છે કે જે લગભગ 305 જીવંત પ્રજાતિઓ અને 10,000 જાતિઓ ધરાવે છે. સ્મિથ (1955) અને સ્પોર્ને (1970) આ વિભાગને ‘ટેરોપ્સીડા’ વર્ગની કક્ષાએ મૂક્યો છે. ઈમ્સે (1936) ટેરોપ્સીડામાં હંસરાજ(ferns)ની જાતિઓ અને બીજધારી વનસ્પતિઓનો સમાવેશ કર્યો છે; જ્યારે રીમર્સ (1954) અને સ્પોર્ને (1970) આ વર્ગમાં માત્ર હંસરાજની જાતિઓનો જ સમાવેશ કર્યો છે. આ વનસ્પતિઓનો પુરાકલ્પ કાળના મત્સ્યયુગમાંથી ઉદભવ થયો. તે ઉપરિ અને અધરિક અંગારયુગમાં ચરમસીમાએ વિકાસ પામી અને ગિરિયુગમાં લુપ્ત થઈ; પરંતુ રક્તાશ્મ અને મહાસરટ(jurassic)-યુગમાં અસ્તિત્વમાં આવેલાં સ્વરૂપો આજપર્યંત જીવંત છે બીજાણુજનક મૂળ, પ્રકાંડ એ પર્ણ ધરાવે છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય ક્ષુપ કે વૃક્ષ-સ્વરૂપે જોવા મળે છે. તેનું પ્રકાંડ ભૂમિગત કે હવાઈ હોય છે અને તે આદિમધ્યરંભ, નળાકાર નલીરંભ (solenostele) વિચ્છેદિત કે બહુચક્રીય મધ્યરંભ ધરાવે છે. ટેરીડીયમ એક્વિલીનમ અને માર્સીલીઆ સિવાયની આ વિભાગની વનસ્પતિઓની જલવાહક પેશીમાં જલવાહિનીનો અભાવ હોય છે. પર્ણ-અવકાશ અને પર્ણપ્રદાયો (leaftraces) જોવા મળે છે. બીજાણુધાની કોષસમૂહમાંથી ઉત્પન્ન થાય ત્યારે સુબીજાણુધાનીય અને એકાકી અધિસ્તરીય કોષમાંથી વિકાસ પામે ત્યારે તનુબીજાણુધાનીય પ્રકારનો વિકાસ દર્શાવે છે. બીજાણુપર્ણિકાની વક્ષસપાટી ઉપર બીજાણુધાની સમૂહમાં બીજાણુધાનીપુંજ (sorus) બનાવે છે. ક્યારેક બીજાણુધાનીઓ શૂકિ (spike) કે બીજાણુફલિકા (sporocarp) બનાવે છે. ઘણે ભાગે બીજાણુધાની સ્પષ્ટ સ્ફોટીવલય (annulus) અને સ્ફોટીમુખ (stomium) ધરાવે છે. મોટાભાગની જાતિઓ સમબીજાણુક હોય છે; પરંતુ કેટલીક જાતિઓ વિષમબીજાણુક પણ હોય છે; દા. ત., સાલ્વીનીઆ, અઝોલા, માર્સીલીઆ હોય છે. બીજાણુના અંકુરણથી હૃદયાકાર, પૃષ્ઠવક્ષીય જન્યુજનક ઉત્પન્ન થાય છે. તે અપૂર્ણ પરોપજીવી કે સ્વાવલંબી હોય છે. સામાન્યત: પુંજન્યુધાનીઓ અને સ્ત્રીધાની જન્યુજનકની પેશીઓમાં પૂર્ણ કે અપૂર્ણપણે ખૂંપેલી હોય છે. ભ્રૂણ નિલંબયુક્ત કે નિલંબરહિત હોય છે. આ વિભાગના ચાર વર્ગ છે :
(1) પ્રાયમોપ્ટેરોપ્સીડા : પ્રાથમિક પ્રકાંડમાં વાહિપૂલો H, E અથવા C આકારનાં હોય છે. બીજાણુધાની બીજાણુધાનીધર ઉપર આવેલી હોય છે. બીજાણુધાનીધર વાહકપેશી ધરાવે છે. બીજાણુધાનીની ફરતે આવેલું રક્ષણાત્મક આવરણ (પ્રાવર) બહુસ્તરીય હોય છે. આ વર્ગ પુરાકલ્પ કાળનાં મધ્ય મત્સ્યયુગથી ગિરિયુગ સુધી અશ્મીભૂત સ્વરૂપે મળી આવે છે. તે સંભવત: આધુનિક હંસરાજના પૂર્વજો હતા. આ વર્ગને ત્રણ ગોત્રમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
ગોત્ર : પ્રોટોપ્ટેરીડેલ્સ : આ ગોત્રની જાણીતી અશ્મીભૂત પ્રજાતિઓ પ્રોટોપ્ટેરિડિયમ, એરેક્નોઝાયલોન, ઇરીડોપ્ટેરિસ, એન્યુરોફાઇટોન અને ક્લેડોઝાયલોન છે. આ ગોત્રનાં અશ્મી પુરાકલ્પના મત્સ્ય યુગથી માંડી ગિરિ યુગ સુધી મળી આવ્યા છે.
ગોત્ર : સીનોપ્ટેરીડેલ્સ : આ ગોત્રમાં ઝાયગોપ્ટેરિસ, બોટ્રીચીઓઝાયલોન, ઇટેપ્ટેરિસ, બોટ્રીઓપ્ટેરિસ, એનાકોરોપ્ટેરિસ અને ગાયરોપ્ટેરિસ જેવી અશ્મીભૂત પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
ગોત્ર : આર્કીઓપ્ટેરીડેલ્સ : આર્કીઓપ્ટેરિસ આ ગોત્રની અશ્મીભૂત જાણીતી પ્રજાતિ છે.
સ્ટયુરોપ્ટેરિસ ક્લેડોઝાયલોન અને આર્કીઓપ્ટેરિસમાં વૃક્ષ જેવું સ્વરૂપ, દ્વિતીય વૃદ્ધિ, વિષમબીજાણુતા અને બીજ બનવાની શક્યતાનાં લક્ષણોની હાજરીને લીધે તેમને આદિઅનાવૃત્તબીજધારી (progymnosperms) કહે છે.
(2) સુબીજાણુધાનીય (Eusporangiopsida) : એક કરતાં વધારે આરંભિક કોષો દ્વારા બીજાણુધાનીની ઉત્પત્તિ થાય છે. બીજાણુધાનીનું પ્રાવર બહુસ્તરીય હોય છે. બીજાણુધાનીઓ પર્ણિકાની વક્ષસપાટીએ બીજાણુધાનીપુંજના સ્વરૂપે અથવા શૂકિના સ્વરૂપે વિકાસ પામે છે. બીજાણુઓ અમર્યાદિત સંખ્યામાં ઉદભવે છે. પુંજન્યુધાનીઓ જન્યુજનકની પેશીઓમાં ખૂંપેલી હોય છે. પ્રત્યેક પુંજન્યુધાની અસંખ્ય ચલપુંજન્યુઓ ઉત્પન્ન કરે છે.
ગોત્ર : ઑફીયોગ્લોસેલ્સ : પર્ણદલ અને પર્ણદંડના સંધિસ્થાને પૃષ્ઠસપાટીએ શૂકિ ઉદભવે છે; જેના પર બીજાણુધાનીઓ ઉત્પન્ન થાય છે. જીવંત પ્રજાતિઓમાં ઓફીયોગ્લોસમ, બોટ્રીચીયમ અને હેલ્મીંથોસ્ટેકીસનો સમાવેશ થાય છે. રેઇમર્સે ઑફીયોગ્લોસમની 45 જાતિઓ વર્ણવી છે. તે વિષુવવૃત્ત અને સમશીતોષ્ણ કટિબંધમાં પ્રસરેલી છે. ભારતમાં તેની 12 જાતિઓ નોંધાયેલી છે. બોટ્રીચીયમને ગ્રેપ-ફર્ન કહે છે. તેની વિશ્વમાં 35 જેટલી જાતિઓ થાય છે. ભારતમાં બો. વર્જીનીએકમ, બો. લ્યૂનેરિયા અને બો.ડાઉસીફોલિયમ જાણીતી જાતિઓ છે. હેલ્મીન્થોસ્ટેકીસ ઇન્ડોનેશિયા અને ન્યૂઝીલૅંન્ડમાં મળી આવે છે. હે. ઝીલેનિકા પશ્ચિમ બંગાળમાં થાય છે.
ગોત્ર : મરાશીએલ્સ : પર્ણદલની વક્ષસપાટીએ બીજાણુધાનીઓ સમૂહમાં બીજાણુધાનીપુંજના સ્વરૂપે વિકાસ પામે છે. અશ્મીભૂત સ્વરૂપો મધ્ય અંગારયુગથી ગિરિયુગ સુધી મળી આવે છે. પિકોપ્ટેરિસ, મરાશીઓપ્સિસ, ટીકોકાર્પસ, ડેનીઓપ્સિસ જાણીતી અશ્મીભૂત પ્રજાતિઓ છે. જીવંત ગોત્રમાં 6–7 પ્રજાતિઓ અને 200 જેટલી જાતિઓનો સમાવેશ થાય છે. મરાશીઆ, એન્જીઓપ્ટેરિસ, ક્રીસ્ટેન્સેનીઆ, ડેનીઆ વગેરે જીવંત પ્રજાતિઓ છે. ભારતમાં એન્જીઓપ્ટેરિસ ઇવેક્ટા, મરાશીઆ ફ્રેક્સીનીઆ અને ક્રીસ્ટેન્સેનીઆ ઇસ્ક્યુલીફોલીઆ થાય છે.
(3) આદિતનુબીજાણુધાનીય (Protoleptosporangiopsida) : આ વર્ગના સભ્યો સુબીજાણુધાનીય અને તનુબીજાણુધાનીયને જોડતી કડીરૂપ હોય છે. તેની જીવંત અને અશ્મીભૂત જાતિઓને એક જ ગોત્ર ઓસ્મુન્ડેલ્સ અને એક જ કુળ ઓસ્મુન્ડેસીમાં સમાવવામાં આવી છે. અશ્મીભૂત પ્રજાતિઓ ઝેલેસ્કીઆ ક્લેડોફલેબીસ, થેમ્નોપ્ટેરિસ અને ઓસ્મુન્ડાઇટિસ છે. જીવંત પ્રજાતિઓ ઓસ્મુન્ડા, ટોડીઆ અને લેપ્ટોપ્ટેરિસ છે. ઓસ્મુન્ડાની વિશ્વમાં 14 જેટલી, ટોડીઆની 1 અને લેપ્ટોપ્ટેરિસની 6 જેટલી જાતિઓ થાય છે.
(4) તનુબીજાણુધાનીય (Leptosporangiopsida) : બીજાણુધાનીનો વિકાસ એક જ આરંભિક કોષ દ્વારા થાય છે. તેનું પ્રાવર એકસ્તરીય હોય છે અને તે નિશ્ચિત સંખ્યામાં બીજાણુઓ ઉત્પન્ન કરે છે. તે સમ કે વિષમ બીજાણુકતા દર્શાવે છે. પુંજન્યુધાનીઓ બહિર્ગામી હોય છે. તેમાં ચલપુંજન્યુઓ ઓછી સંખ્યામાં ઉદભવે છે. ભ્રૂણ નિલંબરહિત હોય છે.
આ વર્ગ ત્રણ ગોત્ર ફીલીકેલ્સ, માર્સીલીએલ્સ અને સાલ્વીનીએલ્સમાં વર્ગીકૃત થાય છે.
ગોત્ર : ફીલીકેલ્સ : સ્પોર્ને (1970) આ ગોત્રમાં 300 પ્રજાતિ અને 9000 જાતિઓ વર્ણવી છે. અશ્મી સ્વરૂપે પુરાકલ્પના ગિરિયુગથી શરૂ થઈ મધ્યજીવી કલ્પના ખટી યુગ સુધી મળી આવે છે. બીજાણુપર્ણની વક્ષસપાટીએ કે કિનારી પર બીજાણુધાનીપુંજ ઉત્પન્ન થાય છે. આ બીજાણુધાનીપુંજમાં બીજાણુધાનીઓના વિકાસની પદ્ધતિને અનુલક્ષીને બૉવરે (1935) ત્રણ પ્રકારો આપ્યા છે :
સરળ બીજાણુધાનીપુંજ : આ પ્રકારના બીજાણુધાનીપુંજમાં બીજાણુધાનીઓ એકસાથે વિકાસ પામી પરિપક્વ બને છે.
તલાભિસારી (basipetal or gradate) બીજાણુધાનીપુંજ : પરિપક્વ બીજાણુધાનીઓ દૂરના છેડે અને અવિકસિત બીજાણુધાનીઓ નિકટવર્તી કે તલસ્થ ભાગે આવેલી હોય છે. આવા વિકાસને ‘તલાભિસારી’ કહે છે.
મિશ્ર બીજાણુધાનીપુંજ : બીજાણુધાનીઓનો વિકાસ અનિયમિત પ્રકારનો હોવાથી વિકસતી બીજાણુધાનીઓ અને પરિપક્વ બીજાણુધાનીઓ અનિયમિતપણે મિશ્ર થયેલી હોય છે.
બીજાણુધાનીપુંજનો સરળ વિકાસ આદ્ય સ્થિતિ છે; જ્યારે મિશ્ર વિકાસ સૌથી ઉદવિકસિત સ્થિતિ ગણાય છે.
આ ગોત્રની વનસ્પતિઓ સમબીજાણુક હોય છે. તેમનો જન્યુજનક લીલો હરિતકણયુક્ત સુકાય ધરાવે છે, જેની વક્ષસપાટીએ લિંગી અંગો ઉદભવે છે. આ ગોત્રમાં સમાવાયેલાં કુળ નીચે પ્રમાણે છે :
સ્કીઝીએસી : પર્ણકિનારી પર બીજાણુધાનીઓ એકસાથે વિકાસ પામે છે. બીજાણુધાનીઓ અગ્રસ્થ સ્ફોટીવલય ધરાવે છે. તેનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે; દા. ત., લાયગોડિયમ (40 જાતિઓ), સ્કીઝીઆ (30 જાતિઓ) અને એનીમીઆ (90 જાતિઓ) જીવંત પ્રજાતિઓ છે. સેનફલેનબર્જિયા, ક્લુકિયા, નોરીમ્બર્જિયા ઉપરિ અંગારયુગ અને રક્તાશ્મ તેમજ મહાસરટયુગની પ્રજાતિ છે. સ્કીઝીઓપ્સિસ જીવંત પ્રજાતિ સ્કીઝીઆને મળતી આવે છે.
ગ્લાયકેનીએસી : પર્ણની વક્ષસપાટીએ પુંજછદ(indusium) રહિત બીજાણુધાનીપુંજ જોવા મળે છે. બીજાણુધાની અનુપ્રસ્થ કે ત્રાંસાં સ્ફોટીવલય ધરાવે છે. બીજાણુઓ પુષ્કળ પ્રમાણમાં ઉદભવે છે. આભાસી દ્વિશાખી પક્ષવત્ સંયુક્ત પર્ણો ધરાવતી પ્રજાતિ ગ્લાયકેનિયા (130 જાતિઓ), ડાયક્રેનોપ્ટેરિસ (10 જાતિઓ), સ્ટીકેરસ (100 જાતિઓ), પ્લેટીઝોમા (1 જાતિ), સ્ટ્રોમેટોપ્ટેરિસ વગેરે જાણીતી જીવંત પ્રજાતિઓ છે. આ કુળની કુલ જીવંત પ્રજાતિઓ વિશે વિવિધ મંતવ્યો છે. અશ્મીભૂત સ્વરૂપો ગ્લાયકેનાઇટિસ અને ઓલીગોકાર્પીઆ છે. તે મધ્યજીવીકલ્પમાં મળી આવી હતી. ફીલીકેલ્સ ગોત્રનું આ એક આદ્ય કુળ છે.
મેટોનીએસી : આ કુળની જીવંત પ્રજાતિઓ મેટોનીઆ અને ફેનરોસોરસ છે. તે પ્રત્યેક પ્રજાતિ 2 જાતિઓ ધરાવે છે. મેટોનીડીઅમ અને ફ્લેબોપ્ટેરિસ અશ્મીભૂત સ્વરૂપો છે.
ડીપ્ટરીડેસી : ડીપ્ટેરિસ આ કુળની જીવંત પ્રજાતિ છે, જ્યારે હાઉસ્માનીઆ અશ્મીભૂત પ્રજાતિ છે.
હાઈમેનોફાયલેસી : પ્યાલાકાર કે દ્વિઓષ્ઠીય પુંજછદ દ્વારા રક્ષાયેલ તલાભિસારી બીજાણુધાનીપુંજ પર્ણકિનારીએ હોય છે. પર્ણો પારદર્શક એકસ્તરીય હોવાથી તેમને ‘ફિલ્મી ફર્ન’ કહે છે. જાણીતી જીવંત પ્રજાતિઓ હાઇમેનોફાયલમ, ટ્રાઇકોમેનીસ, ડાઇડીમોગ્લોસમ, ક્રેપિડોમેનીસ અને કાર્ડીઓમેનીસ છે. ઉપરિ અંગારયુગમાં હાઇમેનાફાયલાઇટિસ નામનું અશ્મીભૂત સ્વરૂપ મળી આવ્યું છે.
સાયેથીએસી : આ કુળ મોટેભાગે વૃક્ષફર્ન્સ ધરાવે છે. તેમની વૃદ્ધિ ઉષ્ણકટિબંધનાં વર્ષાજંગલોમાં સૌથી વધુ પ્રમાણમાં થાય છે. પ્રકાંડ નળાકાર – જેના અગ્ર ભાગે પક્ષવત્ સંયુક્ત પર્ણોનો મુકુટ જોવા મળે છે. તરુણાવસ્થામાં પર્ણવલન અગ્રવલિત (circinate) હોય છે. બીજાણુધાનીપુંજનો તલાભિસારી વિકાસક્રમ હોય છે. બીજાણુધાની ત્રાંસું સ્ફોટીવલય ધરાવે છે. સાયેથીઆ (300 જાતિઓ), આલ્સોફીલા (300 જાતિઓ) અને હેમેટેલીઆ (100 જાતિઓ) જીવંત પ્રજાતિઓ છે. આલ્સોફીલામાં પુંજછદરહિત બીજાણુધાનીપુંજ હોય છે. સાયેથીઆ મેડ્યુલેરીસ સૌથી ઊંચો (15 મીટર) ‘ટ્રીફર્ન’ છે. પ્રોટોસાયેથીઆ મહાસરટયુગમાં મળી આવેલું અશ્મીભૂત સ્વરૂપ છે.
ડીક્સોનીએસી : તે વૃક્ષસ્વરૂપી ભૌમિક હંસરાજની જાતિઓ ધરાવે છે. પક્ષવત્ સંયુક્ત પર્ણો પ્રકાંડના અગ્રભાગે પર્ણમુકુટ બનાવે છે. પ્રકાંડમાં વિચ્છેદિત મધ્યરંભ હોય છે. બીજાણુધાની પર્ણકિનારીએથી ઉદભવે છે. પુંજછદ પ્યાલાકાર કે દ્વિઓષ્ઠીય હોય છે. બીજાણુધાની ત્રાંસું આયામ (oblique-vertical) સ્ફોટીવલય ધરાવે છે. તેમનો વિકાસક્રમ તલાભિસારી હોય છે અને સ્ફોટન અનુપ્રસ્થ થાય છે. ડીક્સોનીઆ (25 જાતિઓ), સીબોશિયમ (13 જાતિઓ), સીસ્ટોડિયમ (1 જાતિ), થાર્સોપ્ટેરિસ (1 જાતિ) વગેરે જીવંત પ્રજાતિઓ છે. કોનીઓપ્ટેરિસ અશ્મીભૂત પ્રજાતિ છે.
પોલીપોડીયેસી : તે ઉષ્ણકટિબંધમાં થતી શાકીય જાતિઓ ધરાવે છે. બીજાણુધાનીપુંજનો વિકાસ મિશ્ર પ્રકારનો હોય છે. પુંજછદનો વિકાસ કેટલાકમાં થાય છે. અન્યમાં તેનો અભાવ હોય છે. બીજાણુધાની લાંબો દંડ ધરાવે છે. તેનું પ્રાવર દ્વિબહિર્ગોળ (bi-convex) હોય છે. તેનું સ્ફોટીવલય ઊંભું અને અપૂર્ણ હોય છે. બીજાણુઓની સંખ્યા નિશ્ચિત (32 અથવા 64) હોય છે. જન્યુજનક પરિપક્વતાએ હૃદયાકાર હોય છે. આ કુળમાં લગભગ 200 પ્રજાતિઓ અને 2000 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાસરટ યુગથી આજપર્યંત મળી આવતાં સ્વરૂપોને વિવિધતાઓને કારણે, અનેક ઉપકુળમાં વર્ગીકૃત કરાય છે. અગત્યની જાણીતી પ્રજાતિઓ આ પ્રમાણે છે : માઇક્રોલેપીઆ (45 જાતિઓ), હાઇપોલેપીસ (45 જાતિ), લીંડસાયા (200 જાતિ), સ્ટેનોલોમા (10 જાતિ), ડેવેલીઆ (40 જાતિ), નેફ્રોલેપીસ (30 જાતિ), ટેરીડિયમ (280 જાતિ), એડીએન્ટમ (200 જાતિ), ચીલેન્થસ (130 જાતિ), વીટારીઆ (80 જાતિ), બ્લેકનમ (200 જાતિ), એસ્પ્લેનિયમ (700 જાતિ), ડ્રાયોપ્ટેરિસ (લૉરેન્સના મત મુજબ 650) નેફ્રોડિયમ (150 જાતિ), એસ્પીડિયમ (200 જાતિ), લેસ્ટ્રીઆ (500 જાતિ), પૉલિપોડિયમ (50 જાતિ), એકાઇનોપ્ટેરિસ (400 જાતિ), એક્ટીનોપ્ટેરિસ, પ્લીઓપેલ્ટીસ અને ડ્રાયનેરીઆ.
પાર્કેરીએસી : તે પાણીમાં મુક્ત રીતે તરતી એક જ પ્રજાતિ સિરાટોપ્ટેરિસ ધરાવે છે. તેનો ફળાઉ પર્ણદંડ શિંગડા જેવો લાગતો હોવાથી તેને સ્ટેગહૉર્ન ફર્ન કહે છે.
ગોત્ર : માર્સીલીએલ્સ : અત્યંત ભેજવાળી જગાએ તેમજ પાણીમાં આ ગોત્રની વનસ્પતિ મળી આવે છે. તે શાકીય હોય છે અને તે વિષમબીજાણુતા દર્શાવે છે. બીજાણુધાનીપુંજ બીજાણુફલિકા નામના વિશિષ્ટ અંગમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક બીજાણુધાનીપુંજ લઘુબીજાણુધાની અને મહાબીજાણુધાની ધરાવે છે. આ ગોત્રની ત્રણ જ જીવંત પ્રજાતિઓ – માર્સીલીઆ (53 જીવંત + 10 અશ્મીભૂત જાતિ), પીલુલારીઆ (6 જાતિ) અને રેગ્નીલીડિયમ (1 જાતિ) છે.
ગોત્ર : સાલ્વીનીએલ્સ : તે પાણીમાં મુક્ત રીતે તરતી જલજ વિષમબીજાણુક વનસ્પતિઓનું બનેલું ગોત્ર છે. બીજાણુધાનીઓ બીજાણુફલિકામાં ઉદભવે છે. પ્રત્યેક બીજાણુફલિકા માત્ર એક જ મહાબીજાણુધાની અથવા માત્ર લઘુબીજાણુધાનીઓ ધરાવે છે. આ ગોત્રમાં સાલ્વીનીઆ (12 જાતિ) અને અઝોલા (6 જાતિ) બે જ જીવંત પ્રજાતિઓ છે.
જૈમિન વિ. જોશી