ત્રાપજકર, પરમાનંદ (જ. 24 ફેબ્રુઆરી 1902, ત્રાપજ, જિ. ભાવનગર; અ. 1992) : ગુજરાતી નાટ્યકાર. પિતાશ્રી મણિશંકર ભટ્ટ સાગરખેડુ વ્યાપારી હતા. એમનાં માતુશ્રી બેનકુંવરબાનું પિયર સાહિત્ય અને સંગીતના રંગે રંગાયેલું હતું. તેઓ ત્રાપજની શાળામાં સાત ગુજરાતી અને ભાવનગર સનાતન હાઈસ્કૂલમાં ચોથી અંગ્રેજી સુધી ભણેલા. પંદર વર્ષની વયે એમણે કાવ્યો લખ્યાં, ઓગણીસ વર્ષની વયે ભાવનગર દરબારમાં કવિતા લલકારી, ઈ. સ. 1921માં રાજ્યનું સન્માન પામ્યા. એમણે આત્મસૂઝથી પિંગળશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને નાયિકાભેદનો પરિચય મેળવ્યો.
એમને સાહિત્યશોખીન જૂનાગઢના ભાયાત શેરએહમદખાનજીનું પ્રોત્સાહન મળ્યું. ‘પાલિતાણા ભક્તિપ્રદર્શક નાટક મંડળી’ના માલિક મણિલાલ જેશંકર સાથે રાજકોટમાં મેળાપ થયો. મણિલાલ ‘પાગલ’ને ‘હઠીલો જયમલ’ નાટક, ‘સતી શોભના’ નામે મઠારીને ત્રાપજકરે આપ્યું. આ નાટક રાજકોટમાં 1924માં ભજવાયું અને ત્રાપજકરને યશ મળ્યો. એમનું પ્રથમ સ્વરચિત નાટક ‘અનારકલી’ 1925માં સફળતાથી ભજવાયું, છેલ્લું નાટક 1987માં ‘વીરાંગના નાગમદ’ લખ્યું હતું. એમનાં ચાલીસ નાટકો વ્યવસાયી રંગભૂમિ ઉપરથી અને પાંચ નાટકો આકાશવાણી પરથી પ્રસારિત થયાં છે. દેશની આઝાદીની લડતને વેગ આપતું ‘રણગર્જના’ નાટક 1929માં ‘આર્યનૈતિક નાટક સમાજે’ મુંબઈમાં બાલીવાલા થિયેટરમાં ભજવ્યું. મહાત્મા ગાંધીજીએ આ નાટક જોવા કસ્તૂરબા અને મહાદેવભાઈને મોકલ્યાં અને તેમણે કવિને પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા. ‘સમ્રાટ હર્ષ’, ‘સમરહાક’, ‘જયચિત્તોડ’ જેવાં વીરરસનાં નાટકોના ઢાલ-લાકડીના દાવ જેવા સંવાદો અને છપ્પાઓએ એ જમાનામાં જનમનરંજન સાથે ઇતિહાસનો પ્રતાપી યુગ જીવંત કર્યો. એમનાં પત્ની પુષ્પાબહેન સાથેના મધુર દાંપત્યજીવનની અસરને ઝીલતું ‘વહુરાણી’ નાટક લોકપ્રિય બનેલું. 1943માં શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજે વડોદરામાં એમનું ‘વીર પસલી’ નાટક ભજવી ટિકિટબારી અને સંગીતનો વિક્રમ સર્જ્યો. સૌરાષ્ટ્રની લોકકથા પર આધારિત ‘પડી પટોળે ભાત’ અને ‘પરભવની પ્રીત’ નાટકે ફરતી નાટક મંડળીઓને નવું જીવન બક્ષ્યું. એમનાં અનેક નાટકો પંદરસોથી બે હજાર વાર ભજવાયાં છે.
1988માં ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમીએ એમને ‘ગૌરવ પુરસ્કાર’ આપેલો. એમનાં નાટકોનું સ્વરૂપ ‘પ્લેસ્ક્રિપ્ટ’નું છે; જે રંગમંચ પર ભજવાય ત્યારે જીવંત બને છે. એમનાં નાટકો ઉપર સંશોધનનિબંધ લખાયો છે.
દિનકર ભોજક