તોડી : ઉત્તર હિંદુસ્તાની સંગીતપદ્ધતિનો એક પ્રચલિત રાગ. સંગીતની આ પદ્ધતિમાં રાગોનું વર્ગીકરણ થાટ-પદ્ધતિ પ્રમાણે કરવામાં આવે છે. પ્રમુખ દસ થાટોમાંથી એક થાટ તોડી છે, જેનો મુખ્ય રાગ તોડી છે. તે દિવસના પહેલા પ્રહરમાં ગવાય છે. આ રાગમાં રે, ગ, ધ કોમળ સ્વરો છે (રે ગ ધ) તથા મ તીવ્ર છે (મ) વાદી સ્વર ધ તથા સંવાદી ગ ગણાય છે.
તોડી રાગનો આરોહ-અવરોહ તથા પકડ નીચે પ્રમાણે છે :
આરોહ : સા નિ રે ગ મ પ ધ નિ સાં
અવરોહ : સાં નિ ધ પ મ ગ રે સા
પકડ (મુખ્ય અંગ) : ધ નિ સા રે ગ રે ગ રે સા
દિવસના બીજા પ્રહરમાં ગવાતો આ એક સંપૂર્ણ રાગ છે. તોડી એક રાગ સંકુલ પણ છે; જેમાં લાચારી, બહાદુરી, હુસેની, અંજની, ફિરોઝખાંની તથા લક્ષ્મી તોડી જેવા અપ્રચલિત – સામાન્ય રીતે સાંભળવા ન મળતા – રાગોનો સમાવેશ થાય છે. રાગની સ્વરરચનામાં અલ્પ ફેરફાર સાથે મિયાંકી તોડી, ભૂપાલ તોડી, ગુર્જરી તોડી તથા ખટતોડી જેવા રાગો રચાયા છે. ‘પ’ સંપૂર્ણ વર્જ્ય રહે તો ગુર્જરી તોડી રાગ થાય છે.
તાનસેનના પુત્ર બિલાસખાને રચેલો રાગ ‘બિલાસખાંની તોડી’ તરીકે જાણીતો છે, જોકે વર્ગીકરણના નિયમો પ્રમાણે બિલાસખાંની તોડી ભૈરવી થાટનો રાગ છે. કેટલાકના મત અનુસાર રાગ દેસી ને પણ તોડીનો એક પ્રકાર ગણવામાં આવે છે.
હ્રષિકેશ પાઠક