તેલીબિયાંના પાક

March, 2016

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર છે. તેમાં મગફળી, રાઈ, સોયાબીન, તલ, સૂર્યમુખી, કસુંબી, રામતલ, દિવેલાં અને અળસીનું વાવેતર અનુક્રમે 90,52,30,23,14,7,6,7 અને 11 લાખ હેક્ટરમાં કરવામાં આવે છે. જેમાંથી અંદાજે 180 લાખ ટન જેટલો પાક ઊતરે છે. કુલ તેલીબિયાં પાકોના વાવેતરમાંથી મગફળીનું વાવેતર 40 % વિસ્તારમાં થાય છે. દેશમાં મુખ્ય તેલીબિયાં પકવતાં રાજ્યોમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિળનાડુ વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્યમાં અંદાજે 28 લાખ હેક્ટરમાં તેલીબિયાંના પાકોનું વાવેતર કરવામાં આવે  છે. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં મગફળી, તલ અને દિવેલાંનું, ઉત્તર ગુજરાતમાં દિવેલાં અને રાઈનું, દક્ષિણ ગુજરાતમાં રામતલ અને ભાલવિસ્તારમાં કસુંબીનું વાવેતર થાય છે. સૂર્યમુખી અને સોયાબીનનું વાવેતર રાજ્યના અમુક વિસ્તારમાં થોડે ઘણે અંશે થાય છે.

ગુજરાતમાં તેલીબિયાં પાકોનો વિસ્તાર

અનુ. પાક વાવેતરવિસ્તાર

(લાખ હેક્ટર)

વાવેતરની

ઋતુ

વાવેતરનો

મુખ્ય વિસ્તાર

ખાદ્ય તેલીબિયાંપાકો
1 મગફળી 20.00 ચોમાસું-ઉનાળુ સૌરાષ્ટ્ર અને કચ્છ
2 રાઈ 3.00 શિયાળુ ઉત્તર ગુજરાત
3 તલ 2.00 ચોમાસું-

અર્ધશિયાળુ

સૌરાષ્ટ્ર
4 સૂર્યમુખી 0.01 ચોમાસું,

શિયાળુ અને

ઉનાળુ

કચ્છ
5 કસુંબી 0.25 શિયાળુ ભાલ વિસ્તાર
6 સોયાબીન 0.02 ચોમાસું મધ્ય ગુજરાત
7 રામતલ 0.05 ચોમાસું દક્ષિણ ગુજરાત
અખાદ્ય તેલીબિયાં પાકો
8 દિવેલાં 3.06 ચોમાસું

અને સૌરાષ્ટ્ર

ઉત્તર ગુજરાત
9 અળસી નહિવત્
કુલ 28.39

ગુજરાત રાજ્યમાં જે તેલીબિયાંનું વાવેતર થાય છે તેમાં મગફળી અને દિવેલાંના પાકોનું વાવેતર અને ઉત્પાદન ફક્ત રાષ્ટ્રકક્ષાએ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મહત્વની બાબત છે.

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મગફળીનું જ એકસાથે 20 લાખ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં વાવેતર થાય છે તેવું વાવેતર દુનિયાના કોઈ પણ દેશમાં થતું નથી એટલે જ સૌરાષ્ટ્રને ‘મગફળીનો મહાસાગર’ કહેવામાં આવે છે. ત્યાંનાં ખેતરોમાં નજર પહોંચે ત્યાં સુધી એકલી મગફળીનો પાક જ નજરે પડે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છની સારી નિતારવાળી જમીન અને સૂકા હવામાનમાં જે મગફળીનું ઉત્પાદન થાય છે તે રોગમુક્ત અને દાણાની ઉત્તમ ગુણવત્તા ધરાવતી હોવાથી દેશમાંથી અંદાજે એક લાખ ટન મગફળીના દાણાની નિકાસ થાય છે. તેમાંથી 80 % હિસ્સો આ વિસ્તારનો રહેલ છે.

ભારતમાં લગભગ 6 લાખ ટન દિવેલાંનું ઉત્પાદન થાય છે, તેમાંથી 5 લાખ ટન દિવેલાંનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં હેક્ટરદીઠ દિવેલાંનું ઉત્પાદન 1600 કિગ્રા. છે, જે દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં હેક્ટરદીઠ વધુમાં વધુ ઉત્પાદન છે. આ ઉપરાંત દુનિયામાં સૌપ્રથમ સંકર દિવેલાંની કૉમર્શિયલ જાત બહાર પાડવાની યશસ્વી સંશોધન-કામગીરીનું ગૌરવ ગુજરાત રાજ્યને ફાળે જાય છે.

વિવિધ તેલીબિયાં પાકોનાં બાહ્યાકારકીય (morphological)

અને ફૂલને લગતા (floral) ગુણધર્મો

પાકનું

નામ

પાનનો

પ્રકાર

ફૂલનો

પ્રકાર

પુંકેસરની

સંખ્યા

પરપરાગ

નયન (%)

ફળનો

પ્રકાર

મગફળી સંયુક્ત દ્વિલિંગી

સંપૂર્ણ

9+1 શિંબ
તલ સાદું દ્વિલિંગી

સંપૂર્ણ

4 5 બૈઢા
રાઈ સાદું દ્વિલિંગી

સંપૂર્ણ

6 4-14 કૂટપટી
સૂર્યમુખી સાદું દ્વિલિંગી

સંપૂર્ણ

5 5-45 દડા
કસુંબી સાદું દ્વિલિંગી

સંપૂર્ણ

5 10-15 દડા
રામતલ સાદું દ્વિલિંગી

સંપૂર્ણ

5 0-5 દડો
સોયાબીન સંયુક્ત દ્વિલિંગી

સંપૂર્ણ

9+1 શિંબ
દિવેલાં સાદું એકલિંગી

(monoecious)

અસંખ્ય 5-45 માળ
અળસી સાદું દ્વિલિંગી

સંપૂર્ણ

5 0.2.2 દડા

વિવિધ તેલીબિયાં પાકોનાં કુળ અને વતન

પાકનું

નામ

અંગ્રેજી

નામ

વૈજ્ઞાનિક

નામ

કુળ રંગ-

સૂત્રો

વતન
મગફળી ગ્રાઉન્ડનટ

પીનટ

આરચીઝ

હાઇપોજિયા

એલ.

પેપિલિયોનેસી 40 બ્રાઝિલ
તલ સિસેમમ સિસેમમ

ઇન્ડિકમ

એલ.

પેડાલિયેસી 26 આફ્રિકા અને

મધ્ય એશિયા

રાઈ મસ્ટાર્ડ બ્રાસિકા

જુન્સિયા

કાસ.

ક્રુસિફેરી 36 એશિયા,

યુરોપ અને

આફ્રિકા

સૂર્યમુખી સનફ્લાવર હેલિયેન્થસ

એન્યુઅસ

એલ.

કૉમ્પોઝિટી

એસ્ટરેસી

34
કસુંબી સૅ. ફલાવર કાર્થેમસ

ટિંકટોરિયસ

એલ.

કૉમ્પોઝિટી

એસ્ટરેસી

24 ઇથિયોપિયા

અને

અફઘાનિસ્તાન

રામતલ નાઇગરસીડ ગુઈઝોટિયા

એબિસિ-

નિકા કાસ.

એસ્ટરેસી 30 આફ્રિકા
સોયાબીન સોયબીન ગ્લાયસિન

મૅક્સએલ

પેપિલિયોનેસી 40 ચીન
દિવેલાં કૅસ્ટર રિસિનસ

કોમ્યુનિસ

એલ.

યુફોર્બિયેસી 20 આફ્રિકા
અળસી લિનસીડ લાઇનમ

યુસિટેટિ

સિમમ એલ.

લિનેસી 30

32

નૈર્ઋત્ય

એશિયા

ગુજરાત રાજ્યમાં થતા તેલીબિયાંના પાકોની મુખ્ય જાતો અને તેના ગુણધર્મો

પાકનું નામ

અને જાત

ઊંચાઈ

(સે.મી.)

પાકવાના

દિવસો

દાણાનું

કદ

દાણાનો

રંગ

તેલના દાણાનો

ઉતારો (% માં)

વિશિષ્ટતા
મગફળી (વેલડી)
જીએયુજી-10 120 મધ્યમ ગુલાબી 50.0 73.2
જીજી-11 115 મોટું ગુલાબી 48.6 72.6 વહેલા વાવેતરને અનુકૂળ.
જીજી-12 113 મધ્યમ ગુલાબી 49.6 71.2 ઓછા વરસાદવાળા વિસ્તાર માટે અનુકૂળ.
જીજી-13 120 મધ્યમ ગુલાબી 49.6 69.2 બહોળા વિસ્તાર માટે અનુકૂળ.
મગફળી (અર્ધવેલડી)
જીજી-20 109 મોટું ઘેરો

ગુલાબી

50.7 73.4 વહેલી પાકતી, વધારે તેલનું પ્રમાણ અને

વધારે દાણાનો ઉતારો.

મગફળી (ઊભડી)
જીજી-2 100

(ખરીફ)

120

(ઉનાળુ)

મધ્યમ ગુલાબી 49.0 72.8 પીળાશ પડવા સામે પ્રતિકારક, ખરીફ

અને ઉનાળુ વાવેતર માટે.

જીજી-5 101 મધ્યમ ગુલાબી 48.8 73.9 વધુ ઉત્પાદન ખરીફ વાવેતર માટે.
જીજી-4 119 મધ્યમ ગુલાબી 50.8 74.4 વધુ ઉત્પાદન, વધારે તેલનું પ્રમાણ, વધારે

દાણાનો ઉતારો, ઉનાળુ વાવેતર માટે.

ટીજી-26 120 મધ્યમ ગુલાબી 49.4 65.0 અંશત: સુષુપ્તતા ધરાવે છે. ઉનાળુ

વાવેતર માટે.

તલ
ગુજરાત-1 80-110 85-90 મધ્યમ સફેદ 49.2 ચોમાસું વાવેતર માટે.
ગુજરાત-2 90-110 95 મધ્યમ સફેદ 51.5 ’’
પૂર્વા – 1 9-130 120 મોટા લાલ 51.5 અર્ધશિયાળુ વાવેતર માટે.
રાઈ
વરુણા 160 112 મોટું ભૂરો કાળો 38.0
ગુજરાત-1 145 106 મધ્યમ ’’ 38.0 વહેલી પાકતી, વધુ ઉત્પાદન.
ગુજરાત-2 150 108 મોટું ’’ 38.0 ’’
સૂર્યમુખી .સી.68
414 155 95 મોટું કાળો 35.3 એકલા પાક માટે.
ગુજ.સૂર્ય-1 155 93 મોટું કાળો 35.4 ’’
મૉર્ડન 100 95 મધ્યમ કાળો 34.0 આંતર પાક માટે.
કસુંબી
ભીમા 84 147 મધ્યમ સફેદ 31.5
તારા 80 143 મધ્યમ સફેદ 31.2
એ. 1 84 147 મોટું સફેદ 27.7
રામતલ (આરસી)
આર. 319 સોયાબીન 110 115 મધ્યમ કાળો 40.2
ગુજ.સોયા.1 30 90 મધ્યમ પીળો 22.0 સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે.
ગુજ.સોયા.2 55 105 મોટું પીળો 24.0 દક્ષિણ ગુજરાત માટે.
દિવેલાં (જીએચસી)
એચ-1 60-65 200-215 મધ્યમ 47.5 થડનો રંગ લીલો, પિયત અને બિન

પિયત વાવેતર માટે.

જીસીએચ-2 65-90 200-215 મધ્યમ 47.5 ’’
જીસીએચ-4 60-65 200-215 મધ્યમ 47.8 થડનો રંગ ભૂરો. લાલ સુકારા સામે

પ્રતિકારક. પિયત અને બિનપિયત માટે.

જીસીએચ-5 65-90 210-240 મધ્યમ 48.0 થડનો રંગ ભૂરો લાલ સુકારા સામે

પ્રતિકાર. પિયત માટે.

જીસી-2 55-60 140-180 મધ્યમ 47.8 થડનો રંગ ભૂરો લાલ, વહેલી પાકતી જાત.

તેલીબિયાંના પાકોનું મહત્વ અને ઉપયોગ : તેલીબિયાં પાકોમાં મગફળી, તલ, રાઈ, સૂર્યમુખી, કસુંબી, રામતલ અને સોયાબીનને ખાદ્ય તેલીબિયાં અને દિવેલાં તથા અળસીને અખાદ્ય તેલીબિયાં કહેવામાં આવે છે. મગફળીના દાણામાં 50 % તેલનું પ્રમાણ હોય છે અને તેનો ઉપયોગ ખાદ્યતેલ અને વનસ્પતિ ઘી માટે થાય છે. આ ઉપરાંત મગફળીના દાણાનો ઉપયોગ મીઠાઈઓ અને ફરસાણ બનાવવા માટે પણ થાય છે. મગફળીના ખોળનો ઉપયોગ પશુઆહાર માટે અને મરઘાં તેમજ પક્ષીઓના આહાર માટે કરવામાં આવે છે. ખોળમાં સામાન્ય રીતે 40 % જેટલું પ્રોટીનનું પ્રમાણ હોય છે. મગફળીનાં પાન અને ડાળીઓમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી તે પશુઓ માટે પોષણની ર્દષ્ટિએ ઉત્તમ પ્રકારનો ચારો છે.

તલના દાણાનો ઉપયોગ ખાદ્યતેલ અને દવા માટે તથા મીઠાઈઓ બનાવવા માટે થાય છે. તલના ખોળનો ઉપયોગ પશુઓના ખાણ માટે કરવામાં આવે છે.

રાઈના તેલમાં યુરેસિક ઍસિડ હોવાથી સ્વાદમાં તીખું હોય છે. તેલનો ઉપયોગ ખાદ્યતેલ, દવા અને ઉદ્યોગોમાં કરવામાં આવે છે. રાઈના ખોળનો ઉપયોગ સેન્દ્રિય ખાતર તરીકે કરવામાં આવે છે.

સૂર્યમુખીના તેલનો ઉપયોગ ખાદ્યતેલ તરીકે થાય છે. તે તેલમાં કોલેસ્ટરૉલનું પ્રમાણ ઓછું હોવાથી હૃદયરોગના દર્દી માટે ભયમુક્ત ખાદ્યતેલ છે.

કસુંબી અને રામતલના તેલનો ઉપયોગ ખાદ્યતેલ અને ખોળનો ઉપયોગ સેન્દ્રિય ખાતર તરીકે કરવામાં આવે છે.

સોયાબીનના દાણામાં પ્રોટીનનું પ્રમાણ 35 %થી 40 % અને તેલનું પ્રમાણ 18 %થી 22 % જેટલું હોય છે. તેથી સોયાબીનના પાકને ઘણી વાર કઠોળ વર્ગના પાકમાં પણ સમાવવામાં આવે છે. સોયાબીનના તેલનો ઉપયોગ ખાદ્યતેલ તરીકે કરવામાં આવે છે. તેલ કાઢી લીધા પછી દાણામાં પ્રોટીનનું પ્રમાણ લગભગ 50 % જેટલું રહેતું હોવાથી તેનો ઉપયોગ શક્તિવર્ધક તૈયાર ખોરાક બનાવવામાં તેમજ પશુ-આહારમાં થાય છે.

દિવેલાં અને અળસીના તેલનો ઉપયોગ મુખ્યત્વે ઊંજણમાં તથા વિવિધ ઔદ્યોગિક બનાવટો અને દવાઓ બનાવવામાં થાય છે. ખોળનો ઉપયોગ સેન્દ્રિય ખાતર તરીકે થાય છે. અળસીના રાડાનો ઉપયોગ રેસા બનાવવામાં થાય છે.

મગફળી : મગફળીને અંગ્રેજીમાં ‘ગ્રાઉન્ડનટ’ કહેવામાં આવે છે, કારણ કે તેના ડોડવા જમીનમાં થાય છે. મગફળીના છોડના વૃદ્ધિ અને વિકાસના પ્રકાર મુજબ તેની ત્રણ વિભાગમાં વહેંચણી કરવામાં આવે છે : ઊભડી (erect), અર્ધવેલડી (semi-spreading) અને વેલડી (spreading). ઊભડી મગફળી સ્પૅનિશ ગુચ્છ જૂથની છે, જે વહેલી પાકે છે અને તેના દાણામાં ઊગવાની સુષુપ્ત શક્તિ હોતી નથી. અર્ધવેલડી મગફળી વર્જિનિયા રનર જૂથની છે જે પાકવામાં મધ્ય મોડી હોય છે અને તેના દાણામાં ઊગવાની સુષુપ્ત શક્તિ હોય છે. વેલડી મગફળી વર્જિનિયા રનર જૂથની છે જે પાકવામાં મોડી હોય છે અને તેના દાણામાં ઊગવાની સુષુપ્ત શક્તિ હોય છે. ઉપરની ત્રણે પ્રકારની મગફળી હાલમાં વાવેતરમાં છે.

મગફળીના દાણાનાં રાસાયણિક બંધારણ અને પોષક તત્વો

(સરેરાશ આંકડા)

તલ : તલના છોડ બે પ્રકારના હોય છે. ડાળીઓવાળા અને ડાળીઓ વગરના. થડ અને ડાળીઓ ઉપર સામસામે અથવા એક પછી એક પ્રમાણે ગોઠવાયેલા હોય છે. તલના દાણાનો રંગ સફેદ, કાળો કે આછો લાલ હોય છે. દાણામાં 50 % જેટલું તેલનું પ્રમાણ હોય છે.

રાઈ : રાઈનો છોડ ચારથી દશ ડાળીઓવાળો હોય છે. ડાળીઓની ટોચ પર અને તેના વચ્ચેના ભાગમાં નાનાં અને પીળા રંગનાં ફૂલ આવે છે. રાઈની શિંગમાં 14થી 18 દાણા હોય છે. દાણા કાળા અને પીળા રંગના જોવા મળે છે. દાણામાં 39થી 39 % જેટલું તેલનું પ્રમાણ હોય છે.

સૂર્યમુખી : સૂર્યમુખીના છોડ બે પ્રકારના હોય છે. ડાળીઓવાળા અને ડાળીઓ વગરના. ડાળીઓવાળા પર ફૂલ નાનાં આવે છે અને ડાળીઓ વગરના પર ફૂલ મોટાં આવે છે. સૂર્યમુખીના દાણા કાળા રંગના હોય છે. તેમાં તેલનું પ્રમાણ 40 % જેટલું હોય છે.

કસુંબી : કસુંબીના છોડ બે પ્રકારના હોય છે. કાંટાવાળા અને કાંટા વગરના. એક છોડ ઉપર સામાન્ય રીતે 20થી 25 ડોડવા આવે છે અને એક ડોડવામાં 20 જેટલા  દાણા હોય છે. કસુંબીના દાણામાં 30 ટકા જેટલું તેલનું પ્રમાણ હોય છે.

રામતલ : રામતલના છોડ ડાળીવાળા હોય છે. ડાળીઓના છેડા પર કસુંબી જેવા નાના ડોડવાં થાય છે જેમાં દાણા તૈયાર થાય છે. દાણા કાળા રંગના, ચળકાટવાળા અને  ચોખાના દાણા જેવા હોય છે. દાણામાં તેલનું પ્રમાણ 40 % જેટલું હોય છે.

સોયાબીન : સોયાબીનના છોડ ડાળીઓવાળા અને છોડ જેવા હોય છે. થડ અને ડાળીઓ ઉપર શિંગો આવે છે. દાણા સફેદ આછા પીળા, લાલ, લીલા એમ વિવિધ રંગના અને તુવેરના દાણા જેવા હોય છે. સોયાબીનના દાણામાં પ્રોટીનનું પ્રમાણ 35થી 40 % અને તેલનું પ્રમાણ 18થી 22 % જેટલું હોય છે.

દિવેલાં : દિવેલાંના છોડ વર્ષીય તેમજ બહુવર્ષીય પ્રકારના હોય છે. તેમાં નર અને માદા પ્રકારનાં ફૂલો એક જ છોડ ઉપર અલગ અલગ જગ્યાએ આવે છે. દિવેલાંના છોડમાં જાત પ્રમાણે થડનો રંગ, છારીનું પ્રમાણ, આંતરગાંઠની લંબાઈ, ડોડવા ઉપર કાંટાની હાજરી વગેરે ગુણધર્મોમાં વિવિધતા જોવા મળે છે. દિવેલાંના દાણા કદમાં નાનાથી માંડીને મોટા સુધીના જોવા મળે છે.

દાણામાં તેલનું પ્રમાણ 45થી 50 % સુધીનું જોવા મળે છે.

અળસી : અળસીના છોડ ડાળીઓવાળા હોય છે. એક છોડ પર 5થી 9 ફૂલ ખીલે છે અને દરેક ફૂલમાંથી 5થી 9 બીજ ઉત્પન્ન થાય છે.

પ્રકાશભાઈ સામજીભાઈ ભરોડિયા