તેગુસિગાલ્પા (Tegucigalpa) : મધ્ય અમેરિકાના હોન્ડુરાસ દેશનું પાટનગર તથા મોટામાં મોટું નગર. દેશના દક્ષિણ-મધ્ય વિસ્તારમાં પર્વતીય પ્રદેશમાં તે વસેલું છે. તે આશરે 14° 05´ ઉ. અક્ષાંશ તથા 87° 14´ પ. રેખાંશ પર અને સમુદ્રસપાટીથી લગભગ 1007 મીટરની ઊંચાઈએ આવેલું છે. ‘તેગુસિગાલ્પા’નો અર્થ ‘ચાંદીની ટેકરી’ એવો થાય છે. હકીકતમાં આ શહેરના ઉદભવ અને વિકાસમાં તેની નજીક આવેલી ચાંદી અને સોનાની ખાણોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હોન્ડુરાસના આ ડુંગરાળ પ્રદેશમાં શરૂઆતના ચાંદી અને સોનાની ખનન-છાવણી(mining camp)માંથી પિકાસો પહાડના ઢોળાવ પર ચોલ્યુટેકા નદીના ઉત્તર કાંઠે એક ખાણકેન્દ્ર તરીકે મૂળ સ્પેનના લોકોએ ઈ. સ. 1578માં આ શહેરની સ્થાપના કરી હતી. 1880માં તે દેશનું પાટનગર બન્યું. ધીમે ધીમે તેનો વિકાસ થતો ગયો અને ઈ. સ. 1938માં ચોલ્યુટેકા નદીના સામેના કાંઠે વસેલા કોમાયાગ્વેલા શહેર સાથે તે ભળી ગયું.
તેગુસિગાલ્પાનું જાન્યુઆરી માસનું દૈનિક સરેરાશ ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 25° સે. અને 14° સે. તેમજ જુલાઈનું દૈનિક સરેરાશ ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 28° સે. અને 18° સે. જેટલું હોય છે. તેનો વાર્ષિક સરેરાશ વરસાદ 832 મિમી. જેટલો હોય છે.
આ નગરને હજુ સુધી રેલમાર્ગની સુવિધા મળી નથી. રેલમાર્ગની સેવાથી વંચિત એવાં દુનિયાનાં ખૂબ થોડાં પાટનગરો પૈકીનું તે એક છે. રેલપરિવહન સેવાઓની ત્રુટિના બદલામાં તેની હવાઈ તથા સડકપરિવહન સેવાઓ ઘણી સંતોષજનક છે. તે ટોકોન્ટિન નામનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક ધરાવે છે, જેનાથી તે દેશ અને દુનિયા સાથે સંકળાયેલું છે. વળી તેની નજીકથી પસાર થતા પાન અમેરિકન ધોરી માર્ગ દ્વારા તે ગ્વાટેમાલા, અલ સૅલ્વાડોર, નિકારાગુઆ અને મધ્ય અમેરિકાના અન્ય દેશો સાથે સંકળાયેલું છે. તે પૅસિફિક કાંઠા પરના દેશના અગત્યના બંદર સાન લોરેન્ઝો તેમજ દેશનાં અગત્યનાં નગરો સાથે સડકમાર્ગે જોડાયેલું છે.
આ નગરમાં માત્ર સ્થાનિક વપરાશની ચીજવસ્તુઓના ઉત્પાદનને લગતી નાના પાયા પરની ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. આ પૈકી કાપડ, ખાંડ અને સિગારેટ જેવા ઉદ્યોગો મહત્ત્વના છે. આ નગરની અગત્યની ઇમારતોમાં ધારાસભાગૃહ, સરકારી સચિવાલય અને અન્ય વહીવટી કચેરીઓનો સમાવેશ થાય છે. આ નગર દેશની રાજકીય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. હોન્ડુરાસની સ્વાયત્ત યુનિવર્સિટી (1847) અહીં છે. આ શહેરમાં 18મી સદીનાં ચર્ચ અને કેથીડ્રલ જોવાલાયક સ્થળો છે. વસ્તી : 11 લાખ (2010).
બીજલ પરમાર