તુવાલુ : પશ્ચિમ-મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલું પરવાળાના નાના નાના ટાપુઓનું જૂથ. તે આશરે 8° 0´ દ. અ. અને 178° 0´ પૂ. રે. પર તેમજ ઑસ્ટ્રેલિયાથી ઈશાનમાં લગભગ 4000 કિમી.ના અંતરે છે જે આજે ‘તુવાલુ’ નામે એક સ્વતંત્ર દેશ તરીકેનો રાજકીય દરજ્જો ધરાવે છે. ફુનાફુટી તેનું પાટનગર છે.

પહેલાં તે એલિસ ટાપુઓ નામથી ઓળખાતું હતું. આ ટાપુઓની શોધ 1764માં બ્રિટિશ નૌકાસૈન્યના કપ્તાન જ્હોન બાયરને કરી હતી. 1892માં આ ટાપુઓને બ્રિટન સાથે જોડવામાં આવ્યા અને 1915માં તે ‘ગિલ્બર્ટ અને એલિસ ટાપુઓ’ની બનેલી બ્રિટનની ક્રાઉન કૉલોનીના ભાગરૂપ બન્યા. 1974માં પોલિનેશિયન ટાપુઓના મૂળવતનીઓએ આ કૉલોનીમાંથી ગિલ્બર્ટ ટાપુને અલગ કરવાની માંગણી કરી, કારણ કે ગિલ્બર્ટ ટાપુમાં માઇક્રોનેશિયન પ્રજા વસવાટ કરતી હતી. 1976માં એલિસ ટાપુઓથી ગિલ્બર્ટ ટાપુને અલગ કરવામાં આવ્યો. 1975માં એલિસ ટાપુઓના જૂથને સ્વાતંત્ર્ય બક્ષવામાં આવ્યું અને તેનું નામ બદલીને ‘તુવાલુ’ રાખવામાં આવ્યું.

આજે તે દુનિયાના સૌથી નાના દેશો પૈકીનો એક દેશ બન્યો છે.

પૅસિફિક મહાસાગરનાં જળ ઉપર લગભગ 640 કિમી.ની લંબાઈમાં પથરાયેલા અને કુલ 26 ચોકિમી. ભૂમિવિસ્તારને આવરી લેતા નવ જેટલા પરવાળાના નાના નાના ટાપુઓ પૈકી ફુનાફુટી ટાપુ મુખ્ય છે. તેના પર આવેલા બંદર મારફત ત્યાંનો જળવ્યવહાર ચાલે છે. તે ગરમ અને ભેજવાળી વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. આમ છતાં દરિયાઈ અસરોને લીધે તેની આબોહવા થોડીક નરમ બનેલી છે. ટાપુઓ પરની રેતાળ અને ક્ષારવાળી જમીનો નારિયેળીનાં વૃક્ષોના ઉછેર માટે વધુ માફક આવે છે, જેથી તેમના પર નારિયેળીનાં વૃક્ષોનાં ઝુંડ છવાયેલાં જોવા મળે છે. આ ઉપરાંત અહીં પૅન્ડાનસ નામનાં વૃક્ષો ઊગે છે. આ વૃક્ષનાં પાંદડાં લાંબાં અને કાંટાળાં હોય છે, તેમ જ તેને અનેનાસ જેવાં ફળ આવે છે.

માત્ર 11,900 (2021)ની વસ્તી ધરાવતા તુવાલુમાં સાક્ષરતાનું પ્રમાણ 96% જેટલું છે. અહીંના લોકો મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પાળે છે, તેમ જ તુવાલુયન અને અંગ્રેજી ભાષામાં વ્યવહાર કરે છે.

આ દેશ કોપરાં અને પૅન્ડાનસની નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ મેળવે છે.

બીજલ પરમાર