તિરુ, વી. ક. (જ. 1883, ચેન્નાઈ; અ. 1953) : વીસમી શતાબ્દીના અગ્રગણ્ય તમિળ લેખક. એમનું મૂળ નામ કલ્યાણસુંદરમ્ છે પણ ‘તિરુ વી. ક.’ તખલ્લુસથી લખતા હોવાથી એ નામથી જ તમિળનાડુમાં એ જાણીતા છે. શિક્ષણ ચેન્નાઈમાં. વેસ્લી કૉલેજમાં ભણતા હતા ત્યારે કૉલેજમાં તમિળના પ્રાધ્યાપક શ્રી. ના. કાર્દિનેર પિળ્ળૈનો એમના પર પ્રબળ પ્રભાવ પડેલો. એમણે તમિળના વિદ્વાનો મયિલૈ તણિકાપલમ્ પિળ્ળૈ તથા મરૈમલે અડિહબ્ પાસે તમિળ લક્ષ્યલક્ષણ ગ્રંથો તથા શૈવસિદ્ધાન્તોનું અધ્યયન કર્યું. થોડો સમય સ્પેન્સર કંપનીમાં નોકરી કરી. પણ એમનામાં દેશભક્તિની ભાવના એટલી પ્રબળ હતી કે લોકમાન્ય ટિળકને, ગિરફતારી પછી, દેશનિકાલની સજા થઈ ત્યારે એમણે અંગ્રેજ કંપનીમાંથી રાજીનામું આપી દીધું. તે પછી ચેન્નાઈની હરિજન સંસ્થામાં સેવાનું કામ ઉપાડ્યું અને ત્યાં થોડાં વર્ષો કામ કર્યા પછી વેસ્લી કૉલેજમાં એમને અધ્યાપન કરવા નિમંત્રણ મળતાં, એ કૉલેજમાં જોડાયા. અધ્યાપન સાથે સાથે શૈવ સિદ્ધાંત મહાસમાજના આશ્રયે એ શૈવસિદ્ધાંત પર નિયમિત વ્યાખ્યાનો આપતા.
1917માં એમણે ‘દેશભક્તિ’ પત્રિકાનું સંપાદન શરૂ કર્યું. એમાં એમણે સરકારવિરોધી અને ક્રાન્તિકારી લેખો અત્યંત ઉગ્ર ભાષામાં લખવા માંડ્યા અને લોકોમાં રાજકીય ક્રાન્તિની ભાવના જગાડી. પરિણામે સરકારનો રોષ વહોરી લીધો. સરકારે એ સામયિક પર પ્રતિબંધ મૂક્યો. એટલે એમણે ‘નવશક્તિ’ નામની પત્રિકા શરૂ કરી. એમણે ચેન્નાઈમાં પ્રથમ મજૂરસંઘની સ્થાપના કરી. શ્રમજીવી વર્ગને સંગઠિત કરી, તેમના હક માટે લડત આપવા માટે તેમને તૈયાર કર્યા. અનેક મજૂર-અધિવેશનોના તેઓ પ્રમુખ હતા. આ ઉપરાંત સમાજસુધારા અને નારીમુક્તિ આંદોલનોમાં પણ એ સક્રિય રહ્યા. આ ઉપરાંત ‘જીવકારુણ્ય સંઘ’ની સ્થાપના કરીને જીવદયાનું કાર્ય જોરશોરથી ઉપાડ્યું અને મૂંગાં પ્રાણીઓની સુરક્ષા માટે પણ એમણે આંદોલન શરૂ કર્યું.
એમણે વિવિધ પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું છે. ‘મનુષ્યજીવન તથા મહાત્મા ગાંધી’ વિશેના પુસ્તકમાં એમણે ગાંધીજીના સિદ્ધાંતોનું અત્યંત સરળ ભાષામાં વિવરણ કર્યું છે. તમિળ ભાષામાં ગાંધીજી વિશે લખાયેલું એ પ્રથમ પુસ્તક છે. ‘જીવનસંગિની’ પુસ્તકમાં એમણે નારીનો મહિમા ગાઈ સમાજમાં નારીની મહાનતા દર્શાવી છે અને નારીને કરેલા અન્યાયનું પુરુષ શી રીતે પ્રાયશ્ચિત્ત કરી શકે તે દર્શાવ્યું છે. ‘પરમતત્વ’ પુસ્તકમાં એમણે પરમાત્માના સ્વરૂપ વિશે દાર્શનિક ચર્ચા કરી છે. ‘આંતરિક પ્રકાશ’માં એમણે ચિત્તવૃત્તિનું ઊર્ધ્વીકરણ શી રીતે કરી શકાય તે દર્શાવ્યું છે. એમણે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામો વિશે પણ એક પુસ્તક લખ્યું છે. તેમાં ભારતના 1857થી 1942ના ‘ભારત છોડો’ સુધીના સંગ્રામોનું વિસ્તૃત વિવરણ કર્યું છે. તમિળ સાહિત્યમાં બૌદ્ધ ધર્મ વિશે એમણે સંશોધનસભર ગ્રંથ લખ્યો છે. તમિળ સાહિત્યમાં આળવારોના પ્રદાન વિશે પણ એમણે એક પુસ્તક લખ્યું છે. માર્કસવાદ તથા ગાંધીવાદ વિશેના પુસ્તકમાં બંનેની તુલનાત્મક ચર્ચા કરી છે. આ ઉપરાંત મહાત્મા ગાંધીવિષયક કાવ્યો રચનાર એ પ્રથમ તમિળ કવિ હતા.
ચન્દ્રકાન્ત મહેતા