તિરુમલ રામચંદ્ર (જ. 1913, અનંતપુર, આંધ્રપ્રદેશ; અ. 1997) : તેલુગુ લેખક અને અનુવાદક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘હમ્પી નુંચી હડપ્પા દાકા’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ‘વિદ્વાન’, ‘હિંદી પ્રભાકર’ અને ‘આયુર્વેદ ભૂષણ’ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. તેઓ તેલુગુ ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, કન્નડ, તમિળ અને અંગ્રેજી ભાષાઓની જાણકારી ધરાવતા હતા. સ્વાતંત્ર્ય-સંગ્રામની લડતમાં તેમણે ભાગ લીધો હતો અને 12 માસનો કારાવાસ ભોગવ્યો હતો.
તેમણે ઘણાં પુસ્તકાલયોની કામગીરી સંભાળી હતી. ઘણાં મહત્વનાં સમાચારપત્રોના સહાયક સંપાદક અને ફીચર-લેખક તરીકે કાર્ય કર્યું. તેમણે તેલુગુમાં 27 ગ્રંથો, સંસ્કૃતમાં 2 ગ્રંથો અને હિંદીમાં 1 ગ્રંથ મળીને 30 ગ્રંથો આપ્યા છે. તેમણે 16 ગ્રંથોનું સંપાદન કર્યું અને સંસ્કૃત તથા પ્રાકૃત, તમિળ, હિંદી અને અંગ્રેજીમાંથી 24 ગ્રંથો અનૂદિત કર્યા છે. તેઓ અનેક પુરસ્કારોથી સન્માનિત થયા હતા. જેમાં આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી પુરસ્કાર, હનુમંતરાવ સત્યજયંતી પુરસ્કાર, કલાભારતી પુરસ્કાર, દાસરથી રૈગાચાર્ય પુરસ્કાર, તેલુગુ અકાદમી પુરસ્કાર અને ગાંધી સન્માનમ્ મુખ્ય છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘હમ્પી નુંચી દાકા’ તેમની આત્મકથા છે. તેમની સર્જનાત્મકતા દ્વારા તેઓ સમકાલીન ભારતના સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક ઇતિહાસનો નિચોડ આપે છે. તેમાં તેમનાં પોતાનાં સંઘર્ષો અને આર્થિક મુશ્કેલીઓની પણ ઝલક જોવા મળે છે. તેમાંની સર્જનાત્મકતાની યથાર્થતા અને સમકાલીન પરિવેશના જીવંત ચિત્રાંકનને કારણે આ કૃતિ તેલુગુમાં લખાયેલ આત્મકથાઓમાં અનોખું પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા