તિરુપતિ વેંકટકવલુ : સંયુક્તપણે કાવ્યસર્જન કરવા માટે બે તેલુગુ કવિઓએ અપનાવેલું ઉપનામ. ચેળ્ળ પિળ્ળ વેંકટશાસ્ત્રી (1871–1919) તથા દિવાકલી તિરુપતિ વેંકટશાસ્ત્રી(1870–1950)એ સંયુક્ત રીતે ‘તિરુપતિ વેંકટકવલુ’ નામથી કાવ્યરચનાઓ કરેલી. સંયુક્ત નામથી કવિતા રચવાનો તેલુગુ સાહિત્યમાં આ અનન્ય પ્રસંગ હતો. એમની કવિતાથી તેલુગુ કાવ્યસાહિત્યમાં નવી ચેતના આવી. એ બંનેએ તે સમયના સુપ્રસિદ્ધ વિદ્વાન, ચર્લ બ્રહ્મય્ય શાસ્ત્રી પાસે સંસ્કૃત તથા તેલુગુનું અધ્યયન કર્યું હતું. બંનેએ કાવ્યશાસ્ત્ર તથા વ્યાકરણમાં નૈપુણ્ય મેળવ્યું હતું. સંસ્કૃત સાહિત્યમાં પણ બંને પારંગત હતા. ગુરુ પાસે ભણતાં ભણતાં જ બંનેએ સંયુક્ત નામે કાવ્યો રચવા માંડેલાં. એ સમયે નવી પેઢીને અંગ્રેજીનો મોહ હતો તો જૂની પેઢીને સંસ્કૃત પ્રત્યે આસક્તિ હતી. એવા સમયમાં આ કવિ-યુગલે એમનાં કાવ્યો દ્વારા રાજદરબારો તથા જનસમૂહોમાં જઈ રાજાને તથા લોકોને કાવ્યગાનથી મુગ્ધ કર્યા. એ સમયમાં અષ્ટાવધાન અને શતાવધાન નામની બે કાવ્યપ્રક્રિયાઓનો બહોળો પ્રચાર હતો. આ કવિદ્વયે એ કાવ્યપ્રણાલીને વિકસાવી. એમના ‘નાના રાજ સંદર્શનમુ’ કાવ્યસંગ્રહમાં આ અવધાન-કાવ્યો વિશે સર્દષ્ટાન્ત વિસ્તૃત વિવેચન છે. એ કાવ્યપ્રકાર સમસ્યાપૂર્તિ તથા શીઘ્રકવિતાનું વિકસિત રૂપ છે. એમાં શ્લોકનું ચોથું ચરણ આપવામાં આવતું અને બાકીનાં ત્રણ ચરણ તત્કાળ રચવાં પડતાં. કેટલીક વાર તો આપેલું ચરણ ચોથું આવે એવા અનેક શ્લોકોની રચના તત્કાળ કરવી પડતી. રાજદરબારમાં તેમજ જાહેરસભામાં તેની સ્પર્ધા થતી અને એ બધી સ્પર્ધાઓમાં આ કવિદ્વય વિજયી થતા. એ કવિઓ અનેક કવિસંમેલનોમાં જઈને સમસ્યાપૂર્તિ કરવા હાજર રહેલા કવિઓને પડકારતા અને બીજા કવિઓએ આપેલા પડકારને ઝીલી સ્પર્ધામાં વિજયી થતા. આ અવધાન-કાવ્યો ઉપરાંત વિવિધ વિષયનાં નાટકોની પણ એમણે રચના કરી છે. નાટકોમાં ‘સુકન્યા અનર્ધનારદમુ’, ‘દંભવામનમુ’, ‘પંડિતરાજુ’ ‘ઉદ્યોગ વિજયમુલુ’, ‘પ્રભાવતી પ્રદ્યુમ્ન’ ઇત્યાદિ મુખ્ય છે. ‘ઉદ્યોગ વિજયમુલુ’ નાટક વર્ષો સુધી રંગમંચ પર ભજવાયું હતું. એ નાટક મહાભારતના કથાવસ્તુ પર આધારિત છે. યુદ્ધ શરૂ થતાં પૂર્વે શ્રીકૃષ્ણ પાંડવોના દૂત તરીકે દુર્યોધન પાસે હસ્તિનાપુર જાય છે અને યુદ્ધને ટાળવા સમજાવે છે. દુર્યોધન મચક આપવા તૈયાર નથી ત્યારે કૃષ્ણનો રોષ, અત્યંત પ્રભાવક વાણીમાં નાટકમાં વ્યક્ત થયો છે. કૃષ્ણ કર્ણને જીતવા એને એના જન્મનું રહસ્ય જણાવે છે, ત્યાં કર્ણ-કૃષ્ણ સંવાદ પણ નાટકકારોના પ્રભુત્વની ઝાંખી કરાવે છે. તે પછી કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવ-વિજય સુધીના પ્રસંગો ર્દશ્યોમાં કુશળતાથી વણી લીધા છે. એમનાં નાટકો સંસ્કૃત નાટ્યશૈલીમાં લખાયેલાં છે. એટલે એમાં વચ્ચે વચ્ચે પદ્ય આવે છે તથા ઇષ્ટદેવસ્તુતિથી એનો આરંભ થાય છે અને અંતમાં ભરતવાક્ય આવે છે. એ નાટકોથી તેલુગુ નાટ્યસાહિત્યની ભૂમિકા બંધાઈ.
એમણે કરેલા સંસ્કૃત નાટકોના અનુવાદોમાં ‘મૃચ્છકટિક’, ‘મુદ્રારાક્ષસ’, ‘અભિજ્ઞાનશાકુંતલ’ તથા ‘ઉત્તરરામચરિત’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘બાલરામાયણ’નો પણ એમણે અનુવાદ કર્યો છે તેમણે ‘દેવીભાગવત’, ‘બુદ્ધિચરિતમુ’ ઇત્યાદિ દીર્ઘકાવ્યોની રચના કરી છે.
ઓગણીસમી સદીમાં આ કવિદ્વયે અર્વાચીન તેલુગુ સાહિત્યની ભૂમિકા બાંધીને કાવ્ય તથા નાટકના સાહિત્યને સમૃદ્ધ કર્યું છે.
ચન્દ્રકાન્ત મહેતા