તિરુક્કુરળ (ઈ. સ.ની પહેલી સદી) : પ્રાચીન તમિળ સાહિત્યનો શ્રેષ્ઠ ગણાતો ગ્રંથ. એમ મનાય છે કે એની રચના ઈસુની પ્રથમ શતાબ્દીમાં થઈ હશે પણ એની પ્રશસ્તિ બીજી સદીથી થવા લાગી. એના રચયિતા મહાન મનીષી તિરુવળુવર હતા. ‘તિરુક્કુરળ’ શબ્દમાં ‘તિરુ’ શ્રીના જેવો આદરસૂચક શબ્દ છે અને ‘કુરળ’ દોઢ પંક્તિના તમિળ છંદનું નામ છે. આ ગ્રંથમાં 1330 કુરળ છે. આ ગ્રંથમાં કર્તાએ પોતાના જ સંપ્રદાયના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવાને બદલે બધા સંપ્રદાયના સિદ્ધાંતો એટલા સમભાવથી નિરૂપ્યા છે કે બધા સંપ્રદાયના અનુયાયીઓ એને પોતાના સંપ્રદાયની કૃતિ તરીકે લેખે છે. એને ‘તમિળવેદ’ કહે છે. વ્યક્તિગત અને સામાજિક જીવનને માટે ઉપર્યુક્ત અને અનિવાર્ય ઉત્કૃષ્ટ ગુણોનું પ્રતિપાદન એ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
ગ્રંથમાં ત્રણ અધ્યાય છે : અસ્તુપાલ (ધર્મવિષયક અધ્યાય), પોરુટ્પાલ (અર્થવિષયક અધ્યાય) અને કામઝુપાલ (કામવિષયક અધ્યાય). પ્રત્યેક અધ્યાયમાં પ્રકરણો છે. મંગલાચરણનાં પ્રથમ ચાર પ્રકરણમાં દેવોનું સ્તવન છે. પછી ગૃહસ્થજીવન, સંન્યાસી જીવન, વાનપ્રસ્થ જીવન ઇત્યાદિ આલેખાયાં છે. પ્રત્યેક પ્રકરણને વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેને ‘અધિકારમ્’ કહેવામાં આવે છે.
બીજા અધ્યાય પોરુટ્પાલમાં ભૌતિક જીવનની ચર્ચા છે. એમાંનાં સાત પ્રકરણોમાં રાજ્યનીતિ, મંત્રનીતિ, દુર્ગ આદિના સંરક્ષણની વ્યવસ્થા, સંપત્તિની પ્રતિષ્ઠા, સેનાનું મહત્વ, સંધિના ઉપાય, પ્રજાપાલન વગેરેની ચર્ચા છે.
ત્રીજા અધ્યાયમાં પ્રેમવિષયક બે પ્રકરણો છે. ગાંધર્વવિવાહ અને આયોજિત ધાર્મિક વિવાહમાં પ્રણયાવસ્થાની જુદી જુદી ભૂમિકાઓની ચર્ચા કરી છે; જેમ કે, ગુપ્ત પ્રેમ, પૂર્વરાગ, મિલનની તીવ્ર ઝંખના, સંયોગ, વિરહ વગેરે. એની વિશેષતા એ છે કે સ્થૂલ પ્રેમને બદલે સૂક્ષ્મ પ્રેમની જ વિશેષત: ચર્ચા કરી છે.
ચન્દ્રકાન્ત મહેતા