તિરુઅરુપ્પા (ઓગણીસમી શતાબ્દી) : તમિળ કવિ રામલિંગસ્વામીએ રચેલાં ભક્તિપ્રધાન પદોનો સંગ્રહ. રામલિંગસ્વામી તમિળનાડુના લોકપ્રિય શૈવમાર્ગી સંત હતા. શિવ અને સુબ્રહ્મણ્યસ્વામી (કાર્તિક) પ્રત્યે પારાવાર ભક્તિ હોવા છતાં, અન્ય સંપ્રદાયો પ્રત્યે તેમને ખૂબ આદર હતો. તેમણે લોકોમાં બધા ધર્મો અને સંપ્રદાયો તરફ સમભાવ કેળવી અને એ ભાવના પર આધારિત ‘સમરસ શુદ્ધ સન્માર્ગમ્’ નામના પંથની સ્થાપના કરી એ ભાવનાનો સતત પ્રચાર કર્યો અને વિશ્વની એકતા પર ભાર મૂક્યો. એમનાં પદો ‘તિરુઅરુપ્પા’ ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયાં છે. એમાં એમનાં ભક્તિપ્રેરક પદો સંગૃહીત છે. તે ઉપરાંત વિષ્ણુ, મીનાક્ષી, અંબિકા વગેરેની સ્તુતિ પણ છે. વિદ્વાનોના મતે એમણે સોળ હજાર પદો રચેલાં; એમાંથી હજારેક પદો ‘તિરુઅરુપ્પા’માં સંકલિત થયાં છે.
ચન્દ્રકાન્ત મહેતા