તિરિવારુર : તમિળનાડુ રાજ્યના તાંજાવુર જિલ્લામાં આવેલું શૈવ સંપ્રદાયનું તીર્થક્ષેત્ર. તે તાંજાવુરની પૂર્વે આશરે 35 કિમી.ના અંતરે 8°.30´ ઉ. અ. અને 79°.55´ પૂ. રે. પર છે. તેની ઉત્તરમાં પુદુચેરી (પૉન્ડિચેરી), પશ્ચિમમાં તાંજાવુર તથા દક્ષિણમાં નાગપટ્ટનમ્ નગરો આવેલાં છે. ત્યાંનું શિવપાર્વતીનું મંદિર ખૂબ જાણીતું છે. ત્યાં શિવ ત્યાગરાજ તથા પાર્વતી નીલોત્પલાંબિકા નામથી ઓળખાય છે. મંદિરમાંની ત્યાગરાજની મૂર્તિ નૃત્યમુદ્રામાં ઘડેલી છે. ચોળવંશના મુચકુંદ નામના રાજા સ્વર્ગમાંથી આ મૂર્તિ લાવ્યા હતા એવી આખ્યાયિકા છે. મંદિરના ગોપુરની પહોળાઈ દક્ષિણ ભારતનાં અન્ય મંદિરોની પહોળાઈ કરતાં વધારે છે. મંદિરના વિસ્તારમાં શંખતીર્થ નામનો કુંડ છે જેને શ્રદ્ધાળુઓ અત્યંત પવિત્ર ગણે છે. મંદિરના સામેના ભાગમાં તેત્રીસ એકરનો વિસ્તાર ધરાવતું કમલાલય નામનું તીર્થસ્થાન છે. તેની મધ્યમાં જે મંડપ છે તેને માયામંડપ કહેવામાં આવે છે.
આ નગર તિરુચિરાપલ્લી–તાંજાવુર–નાગપટ્ટિનમ બ્રૉડગેજ રેલમાર્ગ પર છે. વસ્તી 58,301 (2011).
બાળકૃષ્ણ માધવરાવ મૂળે