તિમિરન તો સમરમ્ : આધુનિક તેલુગુ કવિ દાશરથીનો કાવ્યસંગ્રહ. તે ભાષાના 1974ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે તેને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. એમાંનાં 47 કાવ્યોમાં વિષય અને શૈલીનું પ્રચુર વૈવિધ્ય છે. પ્રવર્તમાન દૈનિક પરિસ્થિતિ સામે આક્રોશ છે. સ્વતંત્ર ભારત વિશે સેવેલાં સ્વપ્નો સાકાર થવાને બદલે સર્વતોમુખી ભ્રષ્ટાચાર, હિંસા, મૂલ્યોનો હ્રાસ વગેરેથી જન્મતી કવિની આંતરવ્યથા માર્મિક રીતે વ્યક્ત થઈ છે. એમાં આંધ્રપ્રદેશ પ્રત્યેના પ્રેમનાં અને એની પ્રાચીન ને મધ્યકાલીન યુગની ગૌરવગાથાનાં કાવ્યો તેમજ ગાંધીજી, જવાહરલાલ, અરવિંદ, સુભાષ વગેરેનાં પ્રશસ્તિગીતો પણ છે. દાશરથી પ્રગતિવાદી મંડળના સક્રિય સભ્ય હતા એટલે એમની કવિતામાં વર્ગવિગ્રહનો સૂર પણ સંભળાય છે.
સંગ્રહશીર્ષકનો અર્થ છે ‘અંધકાર સામેનું યુદ્ધ’. આ અંધકાર તે વહેમ, અંધશ્રદ્ધા, બુદ્ધિહીનતા, અન્યાય, પ્રગતિ-વિરોધ, પાપાચાર, જડવાદી મનોવલણ જેવા માનવતાનો હ્રાસ કરનારા સાંપ્રત જીવનવ્યવહારના દુર્ગુણો; તિમિર સામેના સંગ્રામમાં સેનાની છે કવિ અને તેમનું આયુધ છે તેમની લેખિની. કવિનો આ સંગ્રામ અવિરત છે. કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘અગ્નિધારા’ને પણ વિવેચકોએ ‘સંગ્રામની કવિતા’ તરીકે ઓળખાવ્યો છે.
ચન્દ્રકાન્ત મહેતા