તિબેટી ચિત્રકળા : તિબેટની પરંપરાગત ચિત્રકળા.
તિબેટના રાજવીના સાતમી સદીમાં નેપાળી રાજકુંવરી સાથે અને ત્યારબાદ ચીની શહેનશાહ તાઇત્સુન્ગની કુંવરી સાથેનાં લગ્ન ત્રિવેણી પરંપરાનાં સૂચક છે. આ પરંપરા તે તિબેટ, ચીન અને નેપાળની સંસ્કૃતિઓનો સંગમ. તિબેટે નવમી સદીમાં ચીનનો તુનહુઆન્ગ પ્રદેશ જીતી લીધો હતો અને અનીકો નામના તિબેટી શિલ્પીને કુબ્લાઈખાનનો આશ્રય મળ્યો હતો. નેપાળી રાણીના આગમન સાથે તિબેટમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો. આઠમી સદીમાં કાફિરીસ્તાનથી પધારેલા બૌદ્ધ સાધુ પદ્મસંભવનો ફાળો પણ આ ધર્મપ્રસારમાં નિર્ણાયક રહ્યો. બૌદ્ધ ધર્મ પ્રસર્યો તે અગાઉ તિબેટમાં જાદુઈ તંત્ર-મંત્ર અને યૌન રહસ્યોથી ભરપૂર ‘બોન્પો’ (Bonpo) નામની સ્થાનિક ધર્મપરંપરા પ્રવર્તતી હતી. તિબેટી તંત્રવાદમાં એ બધું સમરસ થવાથી જે આગવી ચિત્ર-શિલ્પ પરંપરા રચાઈ તેમાં યૌન પ્રતીકો અને રૌદ્ર રૂપો ઊપસી આવ્યાં. આવાં કાંસ્યશિલ્પોમાં અને ચૈત્યોની છતથી લટકાવાતાં વીંટાચિત્રો-ટાંકા-માં સંવરદેવતા, યબ તથા યમનાં શક્તિરૂપોની વિકરાળ અને રહસ્યમય રજૂઆત થઈ. તેમાં ભારતીય મુદ્રા તિબેટી લાક્ષણિકતા સાથે મુખરી ઊઠી. એમાં અગ્નિજ્વાળાના આકારે દેહરૂપો આલેખાયાં છે, તેની તેજશિખાઓના તપ્ત (તપેલા) લાલ-કેસરી-પીળા રંગોમાં દિવ્ય પ્રચંડ ઊર્જાને પામવાનો કે નાથવાનો અભિગમ જણાય છે. દેવ અને શક્તિના અનેકાંગી દેહ ઝંઝાવાતી ગતિએ ચોમેર ફેલાતા નિરૂપાયા છે. આ ઉપરાંત તંત્ર-મંડળોનાં ચિત્રો થયાં, તેમાં ધ્યાનનો આદર્શ સર્વોપરી હોઈ ચિત્ર ચિંતનના આધારરૂપ બન્યું. એમાંથી દેહનાં ઊર્જા-કેન્દ્રોને પ્રદીપ્ત કે ઉત્તેજિત કરવાની રહસ્ય-શૃંખલાઓનો આવિષ્કાર થયો. ટાંકાના કૅન્વાસ પર જે પ્રકારે ચિત્રણ થયું તે બૌદ્ધમઠોની દીવાલો પર પણ થયું અને જીર્ણોદ્ધાર રૂપે વારંવાર થતું રહ્યું. એ શૈલીનું ચિત્રણ આજે પણ થાય છે.
તિબેટની ચિત્ર-શિલ્પ પરંપરામાં રૂઢિનું પ્રમાણ ખાસ્સું છે, આકૃતિવિધાનના નીતિનિયમો પણ કડક છે અને સુશોભન તરફનો ઝોક પણ છે.
તિબેટની ટાંકા ચિત્રકલા એ ભારતની અજંતાની ભીંત ચિત્રશૈલીનો જ વિસ્તાર છે. અજંતાની ચિત્રશૈલી ઈસવી સન ચારસોની આસપાસ ભારતની ચારેકોર પ્રસરી. તેમાં શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, થાઇલૅન્ડ, કોરિયા, કમ્બોડિયા, જાપાન, ચીન, અફઘાનિસ્તાન, કિર્ગીઝસ્તાન, કઝખસ્તાન સાથે તિબેટનો પણ સમાવેશ થાય છે. તિબેટમાં અજંતા ચિત્રશૈલીનું ચીની ચિત્રશૈલી સાથે અદભુત સંયોજન થયું. ભારત અન તિબેટના બૌદ્ધ સાધુઓની પરસ્પર દેશોમાં આવજાને કારણે અજંતાની ચિત્રશૈલી તિબેટ સહિત આ બધા એશિયાઈ દેશોમાં પહોંચી હતી. ઈસુની સાતમી સદીમાં ભારતનો તંત્રવાદ નેપાળ મારફતે તિબેટમાં પહોંચ્યો અને ખૂબ ફાલ્યોફૂલ્યો. બંગાળની હિંદુ તાંત્રિક દેવી તારાને (પાર્વતીનો એક તાંત્રિક અવતાર) નેપાળ અને તિબેટના બૌદ્ધ તંત્રવાદે અપનાવી. તારાની ભક્તિ કરતો આગવો બૌદ્ધ સંપ્રદાય ‘તારાભક્તિશુદ્ધાર્ણવ’ સ્થપાયો, જેના પરિણામે દેવી તારાનાં અનેક આલેખનો તિબેટી ચિત્રો અને શિલ્પોમાં થયાં. હિંદુ દેવી પાર્વતીના વિકરાળ રૂપ કાલીને તિબેટના બૌદ્ધ તંત્રવાદે લ્હામો નામ હેઠળ અપનાવી. આ દેવીઓનાં ચિત્રો અને કાંસાનાં શિલ્પોમાં અસંખ્ય આલેખનો થયાં.
તિબેટી ચિત્રોમાં અજંતા શૈલીની ત્રિભંગ મુદ્રાને પરિપૂર્ણ વિકાસ જોવા મળે છે. એક પગે શરીરનું વજન મૂકીને લચક સાથે ત્રિભંગ અદામાં ઊભેલા બુદ્ધ અને બુદ્ધના અવતારો અક્ષોભ્ય, અવલોકિતેશ્વર, ક્ષિતીગર્ભ, અમિતાભ તથા તારા જેવી દેવીઓનાં આલેખનોમાં અજંતાની છાપ સ્પષ્ટ છે. તેમનાં મસ્તિષ્ક પણ અજંતાની શૈલીમાં ત્રાંસી ડોકની સહાય વડે ઢળેલાં-ઝૂકેલાં જોવા મળે છે. મુખ ઉપર નિર્લેપ સંતોષનાં આછેરાં સ્મિત પણ અજંતાનાં બોધિસત્ત્વ વજ્રપાણિ અને બોધિસત્ત્વ પદ્મપાણિ ચિત્રોની યાદ આપે છે. મોટા કદનાં આ ચિત્રોમાં શરીરની ત્વચામાં આછા પીળા અને ગુલાબી રંગોની અનેક વર્ણછટાઓ જોવા મળે છે. અહીં ચહેરા તિબેટી પ્રજાના મોંગોલિયન કે મોંગોલીડ પ્રકારનાં સ્થાનિક ઘાટઘૂટ રજૂ કરે છે. આકાશમાં વાદળાંમાં ઈરાની અને ચીની ચિત્રશૈલીઓમાં જોવા મળતાં કુંતલ (spiral) આકારો જોવા મળે છે. ભડક આસમાની, ઘેરા નીલા, લીલા, ચટાકેદાર પીળા, લાલ, કેસરી રંગોની સહ-ઉપસ્થિતિમાં સફેદ રંગનો ખૂબ અસરકારક ઉપયોગ તિબેટી ચિત્રકારો કરી શક્યા છે. આ રીતે જે ચિત્રો થયાં તેમાં બોધિસત્ત્વ પદ્મસંભવના ડાકિની (ડાકણ) સાથેના યુગલ નૃત્ય તેમ જ ધનુષ્યધારી એકલી(ડાકિની)ના વિષયો વારંવાર આલેખાયા. તિબેટમાં દેવી ડાકિની (ડાકણ) એ દેવી કાલીની સાથીદાર દાસી છે. તિબેટમાં ડાકિની હંમેશાં લાલચટક રંગે ચિતરાઈ છે. તાંત્રિક પરંપરામાં લાલ રંગ રૌદ્રરસ એટલે કે ક્રોધ ઉપરાંત કામવાસનાનો સૂચક છે. પ્રદીપ્ત જ્વાળાઓથી વીંટળાયેલી ડાકિની ધનુષ્યની કમાન ઉપર તીર ચઢાવીને બૌદ્ધ સાધકમાં જાગૃતિ-ચેતનાનો સંચાર કરતી જણાય છે. તેનો એક પગ નૃત્યની મુદ્રામાં ઉપર ઊઠેલો હોય છે અને બીજો પગ રાક્ષસરૂપી અંધકારને ભોંય પર ચગદી નાખતો નજરે પડતો હોય છે. ગળામાં તેણે રત્નજડિત હારમાળાઓ ઉપરાંત અશુભ આત્માઓનાં માથાંનો કે ખોપરીઓનો હાર પણ પહેર્યો હોય છે. તેના કપાળમાં ત્રીજું ઊભું લોચન હોય છે, જે ખુલ્લું હોય છે. માથે માનવખોપરીઓનો હાર મુકુટ રૂપે ધારણ કરેલો હોય છે.
તિબેટમાં બોધિસત્ત્વ વજ્રપાણિનું આલેખન પણ વારંવાર થયેલું જોવા મળે છે. અત્યંત ક્રોધિત મુખભાવ સાથે, બુદ્ધિદેવી સાથે સંભોગરત અવસ્થામાં અને તાંડવ-નૃત્યની મુદ્રામાં આ દેવને નૃત્ય કરતા આલેખવામાં આવે છે. તેમનું શરીર ખાસ્સું હૃષ્ટપુષ્ટ બતાવાયું હોય છે તથા તેમની ત્વચા શ્યામવર્ણી બતાવવામાં આવે છે. એ જ રીતે મૃત્યુ અને મૃત્યુના દેવ યમનો નાશ કરનાર દેવ યમાન્તકને પણ રૌદ્ર રૂપે, ક્રોધિત મુખભાવ સાથે બુદ્ધિદેવી સાથે સંભોગરત અવસ્થામાં તાંડવનૃત્ય કરતા આલેખવામાં આવે છે. યમાન્તકનું આ પ્રકારનું ‘રક્તયમારિ’ રૂપ તિબેટમાં ઘણું વ્યાપક છે. ચિત્રો અને શિલ્પોમાં તાંડવનૃત્ય દરમિયાન આ રક્તયમારિ પણ પોતાના પગ નીચે રાક્ષસરૂપી અંધકારને કચડી નાખતા નજરે પડતા હોય છે.
‘મહાસિદ્ધ’ નામના પ્રાચીન તિબેટી તાંત્રિક પંથે આ વિકરાળ કલાકૃતિઓને સદીઓથી ઉત્તેજન આપ્યું છે. શક્ય છે કે ભારતથી બુદ્ધના અનુયાયીઓ તિબેટમાં આવ્યા તે અગાઉની તિબેટની મૂળ મૌલિક અને પ્રાચીન કલાપરંપરાનો ઝોક પણ વિકરાળ, રૌદ્ધ અને ભયાનક ભાવો તરફનો હોય અને નવી બૌદ્ધ પરંપરામાં તેના આ અંશો સમાવી લેવામાં આવ્યા હોય. ઘણાં ‘ટાંકા’ ચિત્રોમાં નવમી સદીના તિબેટી સંત અને પદ્મગુરુ પણ આવી જ ભેંકાર મુદ્રામાં અને તદ્દન વિકરાળ ભાવ સાથે આલેખાયેલા જોવા મળે છે. મહાસિદ્ધ પંથે પૂજા માટેની આકૃતિઓમાં યંત્રો અને ચક્રોને પણ સ્થાન આપ્યું છે અને દેવપૂજા માટે સ્મશાનને અદકેરું સ્થાન ગણ્યું છે.
તિબેટમાં બૌદ્ધ ધર્મનો વજ્રયાન સંપ્રદાય પણ ખાસ્સો ફૂલ્યોફાલ્યો. આ સંપ્રદાયમાં પણ તાંત્રિક વિધિઓનું અગત્યનું સ્થાન છે. આ સંપ્રદાયના પ્રાચીન ગ્રંથ ‘ગુહ્યસમાજતંત્ર’માં તેની ગુપ્તવિધિઓ જાણવા મળે છે. બારમી સદીમાં ભારતમાં થઈ ગયેલા બૌદ્ધ સાધુ અભયાકર ગુપ્તે ધ્યાન ધરવા માટે જે આકૃતિઓ નિપજાવી તે આકૃતિઓનું સવિસ્તાર વર્ણન આ ગ્રંથમાં મળે છે. આવી 787 આકૃતિઓનાં ચિત્રો બિજિંગમાંથી 1926માં મળી આવેલાં. આવાં આકૃતિ-ચિત્રો ‘મંડળ’ કહેવાય છે, કારણ કે પ્રત્યેક આકૃતિ-ચિત્રમાં બુદ્ધના એકથી વધુ અવતાર ઉપરાંત બીજા દેવતાઓનું સંયોજન હોય છે. સાધકે તે ચિત્ર સામે બેસી તેની સામે તાકી રહીને એ આકૃતિ-ચિત્ર – ‘મંડળ’ ચિત્તમાં ઊંડે ઉતારવાનું હોય છે. સામાન્ય રીતે આવા મંડળમાં બુદ્ધના પાંચ અવતારો દ્વારા કેટલીક જન્મજાત માનવ-લાગણીઓનું રંગો વડે પ્રતીકાત્મક બયાન કરવામાં આવ છે.
કેન્દ્રમાં નીલ રંગ વડે વૈરોચન અવતાર આકર્ષણના ભાવને ઉત્તેજે છે. દક્ષિણમાં પીળા રંગ વડે રત્નસંભવ અવતાર અહંકારના ભાવને ઉત્તેજે છે. પૂર્વમાં સફેદ રંગ વડે અક્ષોભ્ય અવતાર ક્રોધના રૌદ્ર ભાવને ઉત્તેજે છે. ઉત્તરમાં લીલા રંગ વડે અમોઘસિદ્ધિ અવતાર ઈર્ષ્યાના ભાવને ઉત્તેજે છે. પશ્ચિમમાં લાલ રંગ વડે અમિતાભ અવતાર કામ–લોલુપતાના ભાવને ઉત્તેજે છે. સાધકે સાધના દરમિયાન આ ભાવોથી ઉપર ઊઠવાનું લક્ષ્ય રાખીને સ્થિતપ્રજ્ઞ બનવાની નેમ રાખવાની છે. બુદ્ધના આ પાંચ મુખ્ય અવતારની બાજુમાં એમના સેવકો પણ ચિત્રિત હોય છે : અમિતાભનો સેવક અવલોકિતેશ્વર, વૈરોચનનો સેવક સામન્તભદ્ર અને અક્ષોભ્યની સેવિકા મંજુશ્રી. ઘણી વાર દેવી તારા પણ સેવિકા રૂપે નજરે પડે છે. તારા પોતે જ તારણહાર છે, તારાનો એક અર્થ છે – જે તારે છે તે તારા.
અમિતાભ મડિયા