તાલુકાપંચાયત : પંચાયતીરાજના માળખામાં સ્વીકૃત લોકશાહીની પાયાની વિકેન્દ્રિત સંસ્થા. ભારતમાં પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીનાં રાજ્યતંત્રોનાં અનેક પરિવર્તનો વચ્ચે પંચાયતી રાજની વ્યવસ્થાએ પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે.
ગાંધીજીએ પોતાના ગ્રામસમાજ–રામરાજ્યના વિચારોને સ્પષ્ટ કરતાં આ માન્યતાને અનુમોદન આપ્યું છે. ભારતના બંધારણના ઘડતરના સમયે ગાંધીજીના આગ્રહને કારણે બંધારણ-સમિતિએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેનો સમાવેશ કર્યો હતો. બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળના અભ્યાસજૂથે 1957માં લોકશાહી વિકેન્દ્રીકરણની ભલામણ કરી અને ત્રણ સ્તરની પંચાયત રાજની સ્થાપના કરવા જણાવ્યું. ગ્રામપંચાયત, તાલુકાપંચાયત, અને જિલ્લાપંચાયત. તે પૈકી તાલુકાપંચાયત એ પંચાયતીરાજના વચ્ચેના સ્તરે આવેલ ત્રિ-સ્તરીય માળખાનું એક મહત્વનું અંગ છે. તાલુકાપંચાયતને સમગ્ર દેશમાં જુદાં જુદાં નામોથી ઓળખવામાં આવે છે. બળવંતરાય મહેતા સમિતિએ તેના માટે ‘પંચાયતસમિતિ’ શબ્દ વાપર્યો છે. આંધ્રપ્રદેશ, બિહાર, હરિયાણા, હિમાચલપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસા, પંજાબ, રાજસ્થાનમાં તે ‘પંચાયતસમિતિ’ તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશમાં ‘જનપદપંચાયત’, ગુજરાતમાં ‘તાલુકાપંચાયત’ તરીકે, કર્ણાટકમાં ‘તાલુકા ડેવલપમેન્ટ બોર્ડ’, તમિળનાડુમાં ‘પંચાયત યુનિયન કાઉન્સિલ’, પશ્ચિમ બંગાળમાં ‘આંચલિક પરિષદ’, ઉત્તરપ્રદેશમાં ‘ક્ષેત્રસમિતિ’ જેવાં નામોથી તે ઓળખાય છે.
બિહાર-ઓરિસામાં તાલુકાપંચાયતની મુદત 3 વર્ષની, આસામ-કર્ણાટકમાં 4 વર્ષની તથા બાકીનાં રાજ્યોમાં 5 વર્ષની છે.
સામાન્યત: તાલુકાપંચાયતમાં 4 પ્રકારના સભ્યો જોઈ શકાય છે. ગ્રામપંચાયતના સરપંચો અને પ્રતિનિધિ સભ્યો, સ્થાનિક ધારાસભ્યો અને સંસદસભ્ય, અનામત અને કો-ઑપ્ટ થયેલા સભ્યો તથા શહેર-સુધરાઈ અને સરકારી સંસ્થાઓમાંથી આવતા સભ્યો તાલુકાપંચાયતના સભ્યો બને છે. સ્ત્રીઓ, અનુસૂચિત જાતિ, જનજાતિ, વગેરેને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે એવા સભ્યોને કો-ઑપ્ટ કરવામાં આવે છે.
રાજસ્થાનને બાદ કરતાં તમામ રાજ્યોમાં તાલુકાપંચાયતના પ્રમુખની ચૂંટણી તેના સભ્યો દ્વારા કરવામાં આવે છે. રાજસ્થાનમાં તાલુકાપંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. તાલુકાપંચાયતના પ્રમુખ સમગ્ર પંચાયતી રાજના માળખામાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. તે તાલુકાપંચાયતની બેઠકો બોલાવે છે. તેના અધ્યક્ષ બને છે. તે સમગ્ર તાલુકાપંચાયત ઉપર વહીવટી અંકુશ અને કાબૂ ધરાવે છે. તાલુકાપંચાયતના વહીવટી અધિકારીઓ પણ તેમના હાથ નીચે કામગીરી બજાવે છે, જેમને તાલુકા-વિકાસ-અધિકારી અને બ્લૉક-ડેવલપમેન્ટ-ઑફિસર તરીકે ઓળખવામાં આવે છે. તેના કામકાજમાં સહાયરૂપ થવા માટે ઘણી સમિતિઓની રચના કરવામાં આવે છે; જેમ કે, ઉત્પાદનસમિતિ, સામાજિક કલ્યાણ સમિતિ, શિક્ષણ-સમિતિ, આરોગ્ય-સમિતિ, વાહનવ્યવહાર-સમિતિ વગેરે.
લગભગ બધાં રાજ્યોએ તાલુકાપંચાયતને સામુદાયિક વિકાસનાં કાર્યો કરવા માટેની જવાબદારી સોંપેલ છે. તેનાં વિવિધ કાર્યોમાં ખેતીવાડી, પશુપાલન–પશુસંવર્ધન મત્સ્ય-ઉદ્યોગ, આરોગ્ય, સફાઈ અને સ્વચ્છતા, વાહનવ્યવહાર, સામાજિક શિક્ષણ, સહકાર, ગૃહ અને લઘુઉદ્યોગો, સંદેશાવ્યવહાર, સાંસ્કૃતિક અને સમાજકલ્યાણનાં કાર્યો, સિંચાઈ, ગ્રામઉદ્યોગો અને કુટિરઉદ્યોગો, વિવિધ કલ્યાણકારી કાર્યક્ષેત્રો વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. સ્વચ્છતા અને આરોગ્યના ક્ષેત્રે તપાસીએ તો શીતળા અને તેના જેવા બીજા ચેપી રોગોને અટકાવવા, આરોગ્યની સેવાઓ પૂરી પાડવી, કુટુંબનિયોજનના ક્ષેત્રે કામગીરી, સ્વચ્છ પાણીની સગવડ પૂરી પાડવી, પ્રસૂતિગૃહો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવાં, તેનાં નિભાવ અને દેખરેખ વગેરેનો સમાવેશ કરી શકાય. શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવી, નિભાવ કરવો, પ્રાથમિક શાળાનાં મકાનો બાંધવાં, ગ્રામપંચાયત, નગરપંચાયતની શૈક્ષણિક પ્રવૃત્તિઓને મદદ કરવી. ફરજિયાત અને પ્રાથમિક શિક્ષણના કાયદાનો તાલુકામાં અમલ કરાવવો; પુસ્તકાલયો, વાચનાલયો વગેરેનું સંચાલન કરવું અને પ્રોત્સાહન આપવું; સંદેશાવ્યવહારના ક્ષેત્રે ગામડાંને જોડતા રસ્તા બાંધવા, નિભાવવા વગેરેનો સમાવેશ થાય છે. સામાજિક કલ્યાણ અને શિક્ષણના ક્ષેત્રે લોકોને સ્વાવલંબી ઉદ્યમી, શ્રમશીલ અને સેવા-સહકારના માનસવાળા બનાવવા, ગામડાના લોકોમાં નવો ર્દષ્ટિકોણ કેળવવા પ્રયાસ કરવો. માહિતી-કેન્દ્રો, સમાજશિક્ષણ-કેન્દ્રો, આનંદપ્રમોદનાં કેન્દ્રો, યુવકમંડળો, મહિલામંડળો, ખેડૂત-મંડળો વગેરેની સ્થાપના કરવી અને લોકોને આવી પ્રવૃત્તિઓમાં જોડવા, વ્યાયામ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. બાળકોની અને યુવાનોની વિવિધ પ્રવૃત્તિઓ, સાહસિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવું. ગામડામાં આવેલી તમામ સંસ્થાઓનું સંકલન સાધવું. લોકોને વધુ પ્રમાણમાં રોજગારી મળી રહે અને ઉત્પાદનવૃદ્ધિ થાય તે માટે આયોજન કરવું, પરસ્પર સહકારના પાયા ઉપર આધારિત તાલીમ આપવી જેથી કરીને ગામડાના લોકો સ્વાવલંબી, પરિશ્રમી અને આત્મનિર્ભર બની શકે. રાજ્યસરકારે સોંપેલા હોય તેવા વિકાસના કાર્યક્રમોનો અમલ કરવો. ખેતીવાડી અને સિંચાઈના ક્ષેત્રે તાલુકામાં ખેતીવાડીની સુધારણા માટે આયોજન કરવું. નવી સુધારેલી ખેતીની પદ્ધતિઓનો પ્રચાર કરવો, સિંચાઈની સગવડ બરોબર થાય તે માટે ધ્યાન આપવું. ખેતીવાડીની જમીનનું ધોવાણ અટકાવવું, સુધારેલાં ખેતીનાં નવાં સાધનોનો પ્રચાર કરવો; જેથી તે સાધનો સહેલાઈથી મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવી, સિંચાઈ તેમજ ખેતવિકાસ માટે નાણાકીય મદદ કરવી, નાની સિંચાઈની યોજનાઓ અમલી બનાવવી. પશુપાલનના ક્ષેત્રે જોઈએ તો ઢોરો–પશુઓની ઓલાદ સુધારવા પગલાં ભરવાં. દુધાળાં ઢોર, ઘેટાં, મરઘાં, બતકાં વગેરેની સુધારેલી જાત મળી રહે તેવાં પગલાં ભરવાં, અને પશુદવાખાનાં ખોલવાં વગેરે. આ રીતે જોતાં તાલુકાપંચાયતનાં કાર્યોની યાદી ખૂબ વ્યાપક છે.
તાલુકાપંચાયતની આવકનાં સાધનોમાં કરવેરા તથા ફીનો સમાવેશ થાય છે. ઉપરાંત જિલ્લાપંચાયત તરફથી લોકલ સેસ અને જમીનમહેસૂલની આવકમાંથી જે હિસ્સો આપવામાં આવે તે રકમ, રાજ્યસરકાર તરફથી મળતી વિકાસલોન, જિલ્લાપંચાયત તરફથી મળતી ગ્રાન્ટ, ફંડફાળો, લોકફાળો, સખાવતોમાંથી મળતી રકમ, વિકાસકાર્યો કરવા માટે સરકારે આપેલ રકમ તેની મુખ્ય આવક છે. તાલુકાપંચાયતને સ્વભંડોળ ઉપરાંત સરકાર તરફથી સ્ટેશનરી, વાહનો, યાંત્રિક સાધનો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, મકાનો રસ્તા વગેરે અંગે વિવિધ સ્વરૂપે અનુદાન મળે છે. જમીનમહેસૂલના 25 % લેખે સરકારી અનુદાન, સિંચાઈએથી તથા સ્ટૅમ્પડ્યૂટી ઉપર 15 % વધારો લેવાનો ઠરાવ કરી મેળવવાપાત્ર વધારાની આવક, પોતાના વિસ્તારમાં આવેલી ગ્રામપંચાયતે અને નગરપંચાયતે નાખેલા વેરા ઉપર 15 %નો લેવામાં આવતો વધારો વગેરેનો પણ તાલુકાપંચાયતની આવકમાં સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતનિધિમાંથી પણ તાલુકાપંચાયતને મદદ મળે છે.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા