તામ્હણે, નરેન્દ્ર શંકર (જ. 4 ઑગસ્ટ 1931, મુંબઈ; અ. 19 માર્ચ 2002, મુંબઈ) : ભારતના ટેસ્ટ વિકેટકીપર અને બૅટ્સમૅન. મૂળ નામ નારાયણ, પરંતુ ક્રિકેટના વર્તુળમાં નરેન્દ્ર નામ પ્રચલિત બન્યું. એક પણ રણજી ટ્રૉફી મૅચ ખેલ્યા સિવાય ટેસ્ટ મૅચ ખેલવાની ભારતીય ક્રિકેટમાં સર્વપ્રથમ સિદ્ધિ ધરાવતા નરેન્દ્ર તામ્હણેએ એમના ક્રિકેટ-જીવનની શરૂઆત ગોલંદાજ તરીકે કરી હતી; પરંતુ એક વાર એમની દાદર યુનિયનની ‘બી’ ટીમમાં વિકેટકીપર આવ્યો નહોતો તેથી નરેન્દ્ર તામ્હેણેને વિકેટકીપિંગ સોંપવામાં આવ્યું. અકસ્માતે મળેલી આ કામગીરી કુશળતાથી બજાવી. એકવીસ ટેસ્ટમાં વિકેટકીપર તરીકે એમણે 35 કૅચ અને 16 સ્ટમ્પિંગ કરીને કુલ 51 શિકાર ઝડપ્યા હતા. 1954થી 1961 સુધી પાકિસ્તાન, ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ મૅચ ખેલનારા નરેન્દ્ર તામ્હણેએ 1954–55માં એક જ દાવમાં છ ખેલાડીઓને (પાંચ કૅચ અને એક સ્ટમ્પિંગ) આઉટ કરીને એ સમયે ભારતીય વિકેટકીપરનો વિક્રમ સ્થાપ્યો હતો. એ ટેસ્ટ શ્રેણીમાં તામ્હણે બાર કૅચ અને સાત સ્ટમ્પિંગ કરીને કુલ 19 વિકેટ ઝડપવામાં સહાયભૂત બન્યો હતો.
સુભાષ ગુપ્તેના લેગબ્રેક અને ગુગલી દડા રોકવામાં એની વિકેટકીપર તરીકેની કુશળતા એટલી બધી ઝળકી ઊઠી કે વેસ્ટ ઇન્ડિઝના વિખ્યાત ખેલાડી સર લિયરી કોન્સ્ટન્ટિને 1959માં તામ્હણે અને ગુપ્તેની જુગલબંધી જોઈને એમ કહ્યું હતું કે તમે તો ગુપ્તેને પુસ્તકની જેમ વાંચો છો. મુંબઈ યુનિવર્સિટીની ટીમ, મુંબઈની ટીમ અને ભારતીય ટીમના પસંદગીકાર તરીક જુદે જુદે સમયે સેવા આપનાર નરેન્દ્ર તામ્હણેએ તાતા સ્પૉર્ટ્સ ક્લબના સેક્રેટરી તરીકે તાલીમી કૅમ્પનું આયોજન કર્યું હતું. રવિ શાસ્ત્રી, શ્રીકાંત, મનીન્દરસિંઘ, અઝહરુદ્દીન અને મનોજ પ્રભાકર જેવા ખેલાડીઓને એમના પ્રારંભકાળમાં નરેન્દ્ર તામ્હણેએ ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. ઊછળતા, કૂદતા, છલાંગ લગાવતા, ગબડી પડતા અને વારંવાર અપીલ કરતા વિકેટકીપરોને તાળીઓ જરૂર મળે છે, પરંતુ આ સાચું વિકેટકીપિંગ નથી એમ માનનારા નરેન્દ્ર તામ્હણેએ વિકેટની પાછળ શાંત અને સ્વસ્થ રીતે ઊભા રહીને અસરકારક વિકેટકીપિંગ કરી બતાવ્યું.
નરેન્દ્ર દુર્ગાશંકર ભટ્ટ