તાપમાન-વ્યુત્ક્રમણ (temperature inversion) : ઊંચાઈ વધે તેની સાથે તાપમાન ઘટે એવી સામાન્ય સ્થિતિને બદલે તેનાથી ઊલટું, વધતી ઊંચાઈની સાથે તાપમાન વધતું જાય તે સ્થિતિ. સામાન્ય રીતે વાતાવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાન ઘટે છે, પણ કેટલાક સંજોગો એવા છે જેમાં ઊલટું બને છે, એટલે કે, ઊંચાઈની સાથે તાપમાન પણ વધે છે. આ સ્થિતિને તાપમાન-વ્યુત્ક્રમણની સ્થિતિ કહે છે. આ સમયે ઊંચા આકાશમાં તપ્ત વાયુ તળે શીતળ વાયુ હોય છે. શીતળ વાયુરાશિ પસાર થવાથી, સમુદ્રતલ ઉપરના વાયુ ઉપર કાંઠાના શીતળ વાયુ વાવાથી અને એવા અન્ય સંજોગોમાં તાપમાન-વ્યુત્ક્રમણ ઉદભવે છે. રાત્રિ સમયે ભૂમિના ઠંડા પડવા સાથે તેના સંપર્કનો વાયુ ઠંડો પડવાથી તાપમાન-વ્યુત્ક્રમણ થાય છે, જે સૂર્યોદય પછી સપાટી તપવા સાથે અર્દશ્ય થાય છે. વાયુનકશામાં વિશાળ ઉચ્ચદાબ તંત્રો દર્શાવવામાં આવે છે. તેમની ગતિવિધિ લાંબા સમયના તાપમાન-વ્યુત્ક્રમણ સાથે સંકળાયેલી છે. ઉચ્ચદાબ તંત્રના કેન્દ્ર ભાગે નીચે ઊતરતા વાયુપ્રવાહો તાપ પ્રસારે છે. પરિણામે મધ્ય ઊંચાઈ પરના વાયુ સપાટીના વાયુ કરતાં વધારે તપે છે. શીતલ વાયુના ઊંચે પડતા પ્રવાહો તરલતા ગુમાવે છે. આથી, જ્યારે તે ઉપલા સ્તરે વધારે તાપવાળા અને ઓછી ઘનતાવાળા વાયુમંડળમાં પહોંચે છે ત્યારે વધારે ઊંચે ચડતાં અટકી જાય છે અને તાપમાન-વ્યુત્ક્રમણની સ્થિતિ ઊભી થાય છે. તાપમાન-વ્યુત્ક્રમણની સ્થિતિમાં વાતાવરણના નીચલા સ્તરોમાં રહેલું પ્રદૂષણ આસપાસ પ્રસરતું અટકે છે. તલને સમાંતર પ્રબળ પવન જ તેમને વિખેરી શકે છે. ઉચ્ચદાબ તંત્રમાં ઘણી વાર તાપમાન-વ્યુત્ક્રમણ અને ધીમી ચાલવાળા પવનનો સંગમ થાય છે. પરિણામે, જ્યારે આ પરિસ્થિતિ ઔદ્યોગિક ક્ષેત્રો ઉપર લાંબો સમય ટકે ત્યારે ત્યાં ભારે ધુમ્મસની ફરિયાદો ઊભી થાય છે.
બંસીધર શુક્લ