તાના-રીરી (ઈ. સ. 16મી સદી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકાઓ, બે બહેનો: તાના અને રીરી. શહેનશાહ અકબર(1542–1605)ના સમયમાં ગુજરાતના એક પ્રાચીન નગર વડનગરમાં તેઓ રહેતી હતી એમ કહેવાય છે. એક લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠાની આ બે પુત્રીઓ હતી. તે ઋતુઓ પ્રમાણે રાગ ગાતી ત્યારે માનવજીવન પર તે રાગોની અસરની શ્રોતાગણને પણ અનુભૂતિ થતી.

એક અન્ય બહુ જાણીતી લોકવાયકાએ તાના-રીરીનું નામ સંગીતના ઇતિહાસમાં અમર કર્યું છે. કહેવાય છે કે શહેનશાહ અકબરની શાહજાદીએ એક વાર બાદશાહના દરબારના મશહૂર ગાયક મિયાં તાનસેન પાસેથી દીપક રાગ સાંભળવાની હઠ કરી. આ રાગ ગાવાથી ગાયકના શરીરમાં દાહ થાય છે અને તેનું શમન કુશળતાપૂર્વક મલ્હાર રાગ ગાવાથી જ થઈ શકે એમ કહીને તાનસેને દીપક રાગ ગાવાની આનાકાની કરી, પરંતુ શાહજાદીના હઠાગ્રહને લીધે છેવટે તાનસેને દરબારમાં તે રાગ રજૂ કર્યો ખરો, પરંતુ તેમના શરીરમાં દાહ પ્રગટ્યો. મલ્હાર રાગ ગાઈ શકે એવા કુશળ ગાયકની શોધમાં તાનસેને આગ્રાથી પ્રયાણ કર્યું. ફરતાં ફરતાં તેઓ વડનગર પહોંચ્યા. તે સમયમાં શાસ્ત્રીય સંગીત અને અન્ય કળાઓના ક્ષેત્રે વડનગરની પ્રતિષ્ઠા ઘણી ઊંચી હતી. કહેવાય છે કે પોતાની તરસ દૂર કરવા તાનસેન નગરના શર્મિષ્ઠા તળાવ પર ગયો. અહીં તાના-રીરી રોજ પાણી ભરવા આવતી. તે દિવસે આ પનિહારીઓ પાણી ભરતી હતી ત્યારે ઘડામાંથી સંગીતમય સૂર નીકળતા સંભળાયા. તાનસેન તે તરફ આકર્ષાયા. તેમને જોઈને આ બે બહેનો સમજી ગઈ કે તેઓ દીપક રાગના દાહથી પીડાઈ રહ્યા છે. ઘરે પહોંચતાં જ તેમણે પોતાના પિતાને આ વાત કહી. પિતાએ તરત જ તળાવની દિશામાં દોટ મૂકી. તાનસેનની કથની સાંભળીને પિતા દ્રવિત થયા અને પોતાની દીકરીઓ મલ્હાર રાગ ગાઈને તાનસેનને પીડામાંથી મુક્ત કરશે એવું વચન તેમણે તાનસેનને આપ્યું.

તાના-રીરી

નગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવના મંદિરમાં તાના-રીરીએ મલ્હાર રાગ રજૂ કર્યો. રાગ જેમ જેમ ગવાતો ગયો તેમ તેમ આકાશમાં વાદળાં ઘેરાતાં ગયાં અને જોતજોતાંમાં મુશળધાર વરસાદ નગર પર તૂટી પડ્યો. તાનસેન દાહમાંથી મુક્ત થયા.

લોકવાયકા મુજબ આ બહેનોએ તાનસેન પાસેથી વચન મેળવ્યું હતું કે તેમના વિશેની કોઈ વાત બાદશાહને કહેવામાં નહિ આવે.

વડનગરમાં તાના-રીરીની સમાધિ

તાનસેન બાદશાહના દરબારમાં હેમખેમ પાછો ફર્યા ત્યારે તેમનું રહસ્ય કહેવા માટે બાદશાહે ફરજ પાડી. બંને બહેનોને દરબારમાં રજૂ કરવા બાદશાહે હુકમ કર્યો. સૈનિકો વડનગરની દિશામાં દોડ્યા. સૈનિકોને જોઈને નગરજનો ગભરાયા. બંને પક્ષો વચ્ચે લડાઈ થઈ, પરંતુ તે દરમિયાન તાના-રીરી ગુપ્ત રાહે નગર છોડીને બહાર જતી રહી અને સૈનિકોને વશ થવાને બદલે તેમણે જળસમાધિ લીધી. આ હકીકતની જાણ થતાં તાનસેન દુ:ખી થયા અને પશ્ચાત્તાપ રૂપે તેમણે તાના-રીરીને પોતાના સંગીતમાં અમર કરી.

વડનગરમાં બે દેરીઓ છે. તે તાના-રીરીનું સ્મારક ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે