તાંગાઇલ : બાંગ્લાદેશના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. તાંગાઇલ જિલ્લાનું ક્ષેત્રફળ લગભગ 3414 ચોકિમી. છે. યુનો દ્વારા દર્શાવેલ માહિતી અનુસાર આશરે વસ્તી 4,37,023 (2022) ધરાવે છે. જેવી રીતે દક્ષિણનાં મધુપુર જંગલોથી તાંગાઇલ પ્રદેશ, ઢાકા પ્રદેશથી અલગ પડે છે, તેવી જ રીતે બ્રહ્મપુત્ર નદીથી તે મિમેનસિંગ પ્રદેશથી અલગ પડે છે.

તાંગાઇલ નગર બાંગ્લાદેશના પાટનગર ઢાકાથી વાયવ્યમાં તેમજ બ્રહ્મપુત્ર (જમના) નદીની નજીકમાં આશરે 24° 15´ ઉ. અક્ષાંશવૃત્ત અને 89° 55´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. તે સડકમાર્ગે મિનેનસિંગ (નસીરાબાદ) તથા પાટનગર ઢાકા સાથે સંકળાયેલું છે. તે જિલ્લામથક ઉપરાંત પ્રદેશમથક પણ છે. તે કૃષિપ્રદેશમાં આવલું હોવાને લીધે ડાંગર, શણ, તેલીબિયાં જેવી ખેતપેદાશોના બજારકેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. વળી અહીં સામાન્ય વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનને લગતા ગૃહઉદ્યોગો પણ ચાલે છે.

બીજલ પરમાર