તસ્કન શૈલી : પ્રાચીન રોમ તથા ગ્રીસના સ્થાપત્યમાં સ્તંભરચના અંગે પ્રચલિત પાંચ શૈલીમાંની એક. અન્ય શૈલીઓમાં ડૉરિક, આયોનિક, કરિન્થિયન તથા મિશ્રનો સમાવેશ થાય છે. લાકડાના બાંધકામમાંથી ઉદભવેલી આ સૌથી સરળ શૈલીમાં સ્તંભના નીચેના વ્યાસથી સ્તંભની ઊંચાઈ સાત ગણી રખાય છે; તેમાંથી નીચેનો તથા ઉપરનો અડધો અડધો ભાગ બેઠક તથા શીર્ષ માટે હોય છે. સ્તંભ પર મોભની તથા અન્ય બાંધણી ઉપર દર્શાવેલ વ્યાસથી 1.75 ગણી મોટી હોય છે. સ્તંભની નીચેની બેઠક ચોરસ ઘન પર વર્તુળાકાર પાટ મૂકીને બનાવાય છે. આ શૈલીમાં કોતરણી નહિવત્ હોવાથી તે વધુ દળદાર તથા સુર્દઢ દેખાય છે. રોમન સ્થપતિ વિટ્રુવિયસ દ્વારા ઈ. સ. પૂ. પહેલી સદીમાં આ શૈલીનો સૌપ્રથમ ઉલ્લેખ કરાયો હતો.
હેમંત વાળા