તસનીમ, નિરંજનસિંગ (જ. 1929, અમૃતસર, પંજાબ) : જાણીતા પંજાબી નવલકથાકાર, વિવેચક તથા અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ગવાચે અરથ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેમણે ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી મેળવી. પછી અધ્યાપન-ક્ષેત્રમાં જોડાયા. તેઓ લુધિયાણાની સરકારી કૉલેજમાંથી સેવાનિવૃત્ત થયા. તેઓ ભારતીય ઉચ્ચતર અધ્યયન સંસ્થાન, સિમલાના ફેલો પણ રહી ચૂક્યા છે.
પોતાની માતૃભાષા ઉપરાંત તેઓ અંગ્રેજી, ઉર્દૂ અને હિંદી ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેમની કુલ 12 નવલકથાઓ પ્રગટ થઈ છે – 10 પંજાબીમાં અને 2 ઉર્દૂમાં. તેમનાં કુલ 7 વિવેચનાત્મક પુસ્તકોમાં 3 પંજાબીમાં અને 4 અંગ્રેજીમાં છે. તેમની 2 નવલકથાઓનો અનુવાદ અંગ્રેજીમાં અને 3નો હિન્દીમાં થયો છે. તેમણે હિંદીમાં લખેલી 1 નવલકથાનો પંજાબીમાં અનુવાદ થયો છે. તે ઉપરાંત તેમણે ઘણાં પંજાબી અને ઉર્દૂ કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
તેમની આ સાહિત્યસેવા બદલ તેમને પંજાબી સાહિત્ય અકાદમી, લુધિયાણાનો ઢાલીવાલ પુરસ્કાર; સાહિત્ય સંસ્થાન, લુધિયાણાના સર્વોત્તમ ગલ્પકારની પદવી તથા 1995માં પંજાબ સરકારનો ‘શિરોમણિ સાહિત્યકાર’ – નો રાજ્યપુરસ્કાર પ્રાપ્ત થયાં છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ગવાચે અરથ’ એક આત્મકથાસ્વરૂપ નવલકથા છે. 1947 અને 1984ની ઘટનાઓ પર તે કેન્દ્રિત થયેલી છે. તેમાંનું ભાષાકૌશલ પ્રશંસનીય છે. પંજાબી સંસ્કૃતિના વિષયવસ્તુને સૂક્ષ્મ સૂઝ અને પ્રભાવશાળી શૈલી વડે આલેખ્યું હોવાથી તે સાંસ્કૃતિક ર્દષ્ટિએ એક સમૃદ્ધ કથા બની છે.
ભારતીય ઉચ્ચતર અધ્યયન સંસ્થાન, સિમલા દ્વારા 2002માં ‘નૅરેટિવ મોડ્ઝ ઇન પંજાબી નૉવેલ’ એ વિવેચનાત્મક પુસ્તક પ્રસ્તુત થયું છે, જેમાં ‘આધુનિક સાહિત્યિક સિદ્ધાંતો’ અને ‘નવલકથા કલા સ્વરૂપ તરીકે’ – એમ બે વિભાગો છે. એમની આત્મકથાનું નામ ‘આઈને કે રૂબરૂ’ (2002) છે.
બળદેવભાઈ કનીજિયા