તલોદ : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું નગર અને મુખ્ય વ્યાપારી મથક. તે આશરે 23° 21´ ઉ. અ. તથા 72° 56´ પૂ. રે. પર સમુદ્રસપાટીથી લગભગ 108 મી.ની ઊંચાઈએ આવેલું છે. તેની આસપાસ ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી ખારી, બોખ અને લૂણી નદીઓ છે, જેમણે હજારો વર્ષોથી આ પ્રદેશમાં કાંપ, માટી અને રેતનો નિક્ષેપ કરીને ફળદ્રૂપ મેદાનોની રચના કરી છે. આ મેદાનોમાં વહેતી નદીઓ ચોમાસા સિવાયની અન્ય ઋતુઓમાં શુષ્ક રહે છે. આ પ્રદેશનો વાર્ષિક વરસાદ 764 મિમી. જેટલો છે. તલોદની આસપાસના ખેડૂતો અહીંની ધરતીમાંથી ભૂગર્ભજળ મેળવે છે અને તેનાથી સિંચાઈ કરીને વિવિધ ખાદ્ય અને રોકડિયા પાકોનું મબલક ઉત્પાદન કરે છે. તે તલોદના બજારમાં વેચાય છે.

તે અમદાવાદ ખેડબ્રહ્મા બૉર્ડગેજ રેલમાર્ગ પરનું મથક છે. તે સડકમાર્ગે અમદાવાદ (53 કિમી.), ગાંધીનગર (55 કિમી.), હિંમતનગર (35 કિમી), મોડાસા (50 કિમી.) અને ધનસુરા સાથે સંકળાયેલું છે.

તલોદ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત વિશાળ માર્કેટયાર્ડ આવેલું છે. અહીં રૂ, કપાસિયા, મગફળી, સિંગતેલ, રાયડો, જીરું, વરિયાળી, અનાજ, કઠોળ, ગોળ વગેરેનો જથ્થાબંધ વ્યાપાર થાય છે. તલોદમાં વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા લઘુઉદ્યોગો છે, જ્યારે મધ્યમ પાયા પરના ઉદ્યોગોમાં કપાસ લોઢવાનાં જિન તેમજ ખાદ્યતેલની મિલોનો સમાવેશ થાય છે. વ્યાપારી કેન્દ્ર હોવાથી ત્યાં સંદેશાવ્યવહાર તથા બૅંકિંગ સેવાઓનો વિકાસ થયો છે. અહીં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણસંસ્થાઓ ઉપરાંત ગામમાં આર્ટ્સ, વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજો તથા ખેતસંશોધન-કેન્દ્ર આવેલાં છે. ગામની વસ્તી 17492 (2011) હતી.

બીજલ પરમાર