તલત મહેમૂદ (જ. 24 ફેબ્રુઆરી 1922, લખનૌ; અ. 9 મે 1998, મુંબઈ) : વિખ્યાત ગઝલ ગાયક. શિક્ષણ લખનૌ અને અલીગઢ ખાતે. બાળપણમાં જ ફોઈ મહલકા બેગમે તેમના જન્મજાત ગુણોની પરખ કરીને સંગીત-સાધના માટે પ્રોત્સાહન આપ્યું હતું. સત્તર વર્ષની ઉંમરે 1939માં આકાશવાણી લખનૌ કેન્દ્ર પરથી તેમનો પ્રથમ કાર્યક્રમ રજૂ થયો. 1941માં ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ (HMV)વાળી ગ્રામોફોન કંપનીએ તેમનાં ગીતોની પ્રથમ રેકર્ડ તૈયાર કરી. એ જ કંપની તેમને લખનૌથી કૉલકાતા લઈ ગઈ. ત્યાંના વસવાટ દરમિયાન 1944માં તલતે ગાયેલ ગઝલ ‘તસવીર તેરી દિલ મેરા બહલા ન સકેગી’ તેમને લોકપ્રિયતાની શિખરે લઈ ગઈ અને ત્યાર પછી તો તેઓ ‘ગઝલ ગાયકીના બાદશાહ’ બન્યા. 1949માં તેઓ મુંબઈ આવ્યા અને તે જ વર્ષે સંગીતકાર વિનોદના સંગીતનિર્દેશન હેઠળ તૈયાર થયેલ ‘અનમોલ રતન’ ચલચિત્રમાં પાર્શ્વગાયક તરીકે કામ કર્યું. ત્યારથી આજ સુધી તેમણે ચલચિત્ર જગતના વિખ્યાત સંગીતકારો અનિલ વિશ્વાસ, નૌશાદ, ખય્યામ (ખૈયામ), મદનમોહન, સલીલ ચૌધરી, એસ. ડી. બર્મન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, શંકર જયકિશન, રવિ જેવા સ્વર-રચનાકારોની સ્વરરચનાઓને કંઠ આપ્યો છે. જેમાં ‘અનમોલ રતન’, ‘આરજૂ’, ‘બાબુલ’, ‘સુજાતા’, ‘એક સાલ’, ‘આરામ’, ‘આશિયાના’, ‘છાયા’, ‘ફૂટપાથ’, જેવાં સંગીત માટે લોકપ્રિય બનેલાં ચલચિત્રોનો સમાવેશ થાય છે.
પાર્શ્વગાયન ઉપરાંત કેટલાંક ચલચિત્રોમાં તેમણે નાયકની ભૂમિકા ભજવી હતી. તેમાં ‘સોનેકી ચીડિયાં’, ‘નાયક’, ‘ઇક ગાંવ કી કહાની’, ‘વારિસ’ તથા ‘દિલ-ઍ-નાદાન’ ચિત્રપટોનો સમાવેશ થાય છે.
તેમણે ગાયેલાં ગીતોમાં ‘આહા રિમઝિમ કે યે પ્યારે પ્યારે ગીત લિયે’, ‘ફિર વહી શામ, વહી ગમ, વહી તન્હાઈ’, ‘યે હવા યે રાત યે ચાંદની’, ‘તસવીર તેરી દિલ મેરા બહલા ન સકેગી,’ ‘મૈં દિલ હું ઇક અરમાન ભરા’, ‘મેરા જીવન સાથી, બિછડ ગયા,’ ‘જલતે હૈં જિસકે લિયે, તેરી આંખો કે દિયે’, ‘સબ કુછ લુટા કે હોશમેં આયે તો ક્યા કિયા’, ‘ઇતના ના મુઝસે તૂ પ્યાર બઢા કે મેં એક બાદલ આવારા’, ‘હૈ સબસે મધુર જો ગીત જિન્હે હમ દર્દકે સૂરમે ગાતે હૈ’, ‘મેરી યાદ મેં તુમ ના આંસૂ બહાના’, ‘આંસૂ સમઝ કે ક્યૂં મુઝે આંખ સે તુમને ગિરા દિયા’, ‘આસમાંવાલે તેરી દુનિયા સે દિલ ભર ગયા’ જેવાં ગીતો લોકપ્રિય થઈ ગયાં છે.
સંગીતક્ષેત્રે તેમની કારકિર્દીને બિરદાવવા માટે ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ ખિતાબથી તથા મધ્યપ્રદેશ સરકારે 1995ના વર્ષનો ‘લતા મંગેશકર પુરસ્કાર’ આપીને તેમનું સન્માન કર્યું હતું.
લકવાને કારણે તેમણે વાચા ગુમાવી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે