તર્કશાસ્ત્ર : માનસિક અભિગમો વડે યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ કરાવનારું શાસ્ત્ર. કેટલાક ન્યાયદર્શનના 16 પદાર્થોમાં વૈશેષિક દર્શનના 6 પદાર્થોને સમાવે છે તો કેટલાક વૈશેષિકોના 6 પદાર્થોમાં ન્યાયદર્શનના 16 પદાર્થોને સમાવે છે. વ્યાકરણશાસ્ત્રની જેમ તર્કશાસ્ત્ર પણ સર્વશાસ્ત્રોપકારક એટલે જ્ઞાનની બધી જ શાખાઓમાં ખપ લાગનારું છે. સંસારમાંથી કે તેનાં દુ:ખોમાંથી મોક્ષ મેળવવા જગતનાં વિવિધ તત્વોનું જ્ઞાન આવશ્યક છે. એ તત્વો વૈશેષિક મતે 6 અને નૈયાયિકોના મતે 16 છે. એ તત્વોમાં જ જગતની તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે એમ તેઓ માને છે. સાથે સાથે એ વસ્તુઓનું જ્ઞાન યથાર્થ અનુભવ તથા યથાર્થ સ્મૃતિમાંથી થાય અને પ્રમાણભૂત હોય એની તકેદારી તર્કશાસ્ત્રમાં રખાય છે. જ્ઞાનની બધી જ શાખાઓમાં માહિતીનું નિરૂપણ તર્કપૂર્ણ, સત્ય અને પ્રમાણભૂત હોય તે આવશ્યક ગણાયું છે. તેથી તર્કશાસ્ત્ર જીવનના સામાન્ય વ્યવહારમાં પણ ઉપયોગી છે.
તર્કશાસ્ત્રમાં ન્યાયશાસ્ત્ર અને વૈશેષિકશાસ્ત્ર – બંનેનો સમાવેશ થાય છે. ન્યાયશાસ્ત્રનો મૂળ ગ્રંથ ન્યાયસૂત્ર અક્ષપાદ ઉર્ફે ગૌતમનો રચેલો છે. તેમાં પાંચ અધ્યાય છે અને દરેક અધ્યાયમાં બે આહનિકો છે. ન્યાયસૂત્રમાં કુલ આશરે 553 સૂત્રો છે. આ ગ્રંથમાં પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન વગેરે 16 પદાર્થોનું નિરૂપણ છે. આ પદાર્થોના તત્વજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ન્યાયસૂત્ર ઉપર વાત્સ્યાયનનું ભાષ્ય છે. તેના પર ઉદ્યોતકારનું વાર્તિક છે. તેના પર વાચસ્પતિ મિશ્રની ‘તાત્પર્યટીકા’ છે. તેના પર ઉદયનની ‘પરિશુદ્ધિટીકા’ છે. જયન્ત ભટ્ટનો ‘ન્યાયમંજરી ગ્રંથ’ ન્યાયશાસ્ત્રનો સ્વતંત્ર આકર-ગ્રંથ છે. ભાસસર્વજ્ઞનો ‘ન્યાયસાર’ (સ્વોપજ્ઞ ટીકા ‘ન્યાયભૂષણ’) વરદરાજનો ‘તાર્કિકરક્ષાગ્રંથ’, કેશવમિશ્રનો ‘તર્કભાષાગ્રંથ’ એ ન્યાયશાસ્ત્રના પ્રકરણ પ્રકારના ગ્રંથો છે. નવ્યન્યાય એ ન્યાયશાસ્ત્રની અર્વાચીન શાખા છે. ગંગેશ ઉપાધ્યાય (ચૌદમી સદી)નો ‘તત્વચિન્તામણિગ્રંથ’ આ શાખાનો આધારગ્રંથ છે. રઘુનાથ શિરોમણિ મથુરાનાથ તર્કવાગીશ, જગદીશ તર્કાલંકાર અને ગદાધર ભટ્ટાચાર્ય નવ્યન્યાયના પ્રસિદ્ધ વિદ્વાનો છે.
ઉપર કહ્યું તેમ, તર્કશાસ્ત્રમાં વૈશેષિક શાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. આ શાસ્ત્રનો મૂળ ગ્રંથ, કણાદમુનિનાં સૂત્રો છે. તેમાં 10 અધ્યાય છે અને દરેક અધ્યાયમાં બે આહ્નિકો છે. કુલ આશરે 370 સૂત્રો છે. તેમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય – એ 6 પદાર્થોનું નિરૂપણ છે. વૈશેષિક શાસ્ત્રમાં અભાવનો સાતમા પદાર્થ તરીકે સ્પષ્ટ રીતે સમાવેશ પાછળથી કરવામાં આવ્યો. આ શાસ્ત્રનો બીજો આધારભૂત ગ્રંથ છે પ્રશસ્તપાદમુનિનું ‘પ્રશસ્તપાદભાષ્ય’ અથવા ‘પદાર્થધર્મસંગ્રહ’. આ ભાષ્ય ઉપર, વ્યોમશિવની ‘વ્યોમવતી’ શ્રીધરની ‘કન્દલી’, ઉદયનની ‘કિરણાવલી’ એ પ્રસિદ્ધ ટીકાઓ છે. કણાદસૂત્ર ઉપર શંકર મિશ્રની ‘ઉપસ્કારટીકા’ છે. વૈશેષિક શાસ્ત્રના પ્રસિદ્ધ પ્રકરણગ્રંથો છે. – વિશ્વનાથ પંચાનનનો ‘ભાષાપરિચ્છેદ’ (સ્વોપજ્ઞ ટીકા ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી) અન્નં ભટ્ટનો ‘તર્કસંગ્રહ’ (સ્વોપજ્ઞ ટીકા દીપિકા) વગેરે. આમ તર્કશાસ્ત્રમાં, ન્યાય અને વૈશેષિક બંને શાસ્ત્રોનો સમાવેશ થાય છે.
લક્ષ્મેશ વ. જોશી