તર્કદોષ : તર્ક કે વિચારપ્રક્રિયામાં પ્રતીત થતા દોષ. માધવાચાર્ય (ચૌદમી સદી) પોતાના ‘સર્વદર્શનસંગ્રહ’માં મુખ્ય પાંચ તર્કદોષ બતાવે છે : (1) વ્યાઘાત (= વિસંવાદ) દોષ, (૨) આત્માશ્રયદોષ, (3) અન્યોન્યાશ્રયદોષ, (4) ચક્રકાશ્રયદોષ અને (5) અનવસ્થાદોષ. આમાંના દરેક તર્કદોષનું સ્વરૂપ નીચે પ્રમાણે સ્પષ્ટ કરી શકાય :
(1) વ્યાઘાત (inconsistency) : જ્યારે કોઈક બોલે કે ‘‘હું મૂંગો છું’’ ત્યારે (વદતો) વ્યાઘાત નામનો તર્કદોષ થાય છે. જો મનુષ્ય બોલતો હોય તો તે મૂંગો ન હોય; અને મૂંગો હોય તો બોલી શકે નહીં, ઉપરના ઉદાહરણમાં, ‘હું મૂંગો છું’ એ વિધાનની સામે (વદત: =) બોલતાનો કે બોલનારનો જ વિરોધ થાય છે.
(૨) આત્માશ્રયદોષ (petitio principi) : જ્યારે કોઈક વસ્તુને સિદ્ધ કરવા માટે, તે વસ્તુનો પોતાનો (= આત્માનો) જ આશ્રય લેવામાં આવે ત્યારે આ દોષ બને છે; જેમ કે, પૃથ્વી ગંધવાળી છે, કારણ કે પૃથ્વીમાં ગંધ છે. આ ઉદાહરણમાં પૃથ્વીને ગંધથી યુક્ત સાબિત કરવા માટે, તેનો પોતાનો (= આત્માનો) જ એટલે કે પૃથ્વીમાં ગંધ છે એ ઘટનાનો આશ્રય લેવામાં આવે છે.
(3) અન્યોન્યાશ્રય દોષ (mutual dependence) : જ્યારે તર્કમાં ‘ક’ને સાબિત કરવા ‘ખ’નો આશ્રય લેવામાં આવે અને ‘ખ’ને સિદ્ધ કરવા ‘ક’નો આશ્રય લેવામાં આવે ત્યારે આ દોષ બને છે; જેમ કે, સર્વજ્ઞ ઈશ્વરે રચેલા હોવાથી વેદ પ્રમાણભૂત છે. અને પ્રમાણભૂત વેદ કહે છે તેથી ઈશ્વર સર્વજ્ઞ છે. આ ઉદાહરણમાં વેદની પ્રમાણભૂતતા સિદ્ધ કરવા માટે, ઈશ્વરની સર્વજ્ઞતાનો આશ્રય લીધો; અને ઈશ્વરની સર્વજ્ઞતાને સાબિત કરવા માટે, વેદની પ્રમાણભૂતતાનો આશ્રય લીધો.
(4) ચક્રકાશ્રય દોષ (circular reasoning) : 3 માં ‘ક’ને આધારે ‘ખ’ સિદ્ધ થાય અને ‘ખ’ને આધારે ‘ગ’ સિદ્ધ થાય; વળી ‘ગ’ને આધારે ‘ક’ સિદ્ધ થાય; ત્યારે આ દોષ બને છે; જેમ કે, ઊંઘતા માણસને બૂમ પાડીને જગાડીએ ત્યારે તે બૂમ સાંભળે તેનું કારણ અવાજ અને શ્રોત્ર-ઇન્દ્રિયનો સંનિકર્ષ છે. અવાજ અને શ્રોત્ર-ઇન્દ્રિયના સંનિકર્ષનું કારણ જાગૃતિ છે; કારણ કે જાગતો માણસ જ તેવો સંનિકર્ષ અનુભવી શકે અને જાગૃતિનું કારણ બૂમનું શ્રવણ છે, કારણ કે તે બૂમ સાંભળ્યા પછી જ જાગે છે. ટૂંકમાં, (અ) શ્રવણનું કારણ (બ) ઇન્દ્રિયાર્થસંનિકર્ષ છે, (બ) ઇન્દ્રિયાર્થસંનિકર્ષનું કારણ (ક) જાગૃતિ છે અને (ક) જાગૃતિનું કારણ (અ) શ્રવણ છે. નીચેની આકૃતિથી તે સ્પષ્ટ થશે :
(5) અનવસ્થાદોષ (infinite regress) : વિચારની પ્રક્રિયામાં જ્યારે સ્થિરતા ન (= અન્-અવસ્થા) આવે ત્યારે આ દોષ આવે છે; જેમ કે, પહેલી લક્ષણાનો લક્ષ્યાર્થ મળ્યા પછી પહેલી લક્ષણાનું પ્રયોજન વ્યંજના શબ્દશક્તિ વડે મળે છે એમ માનવાને બદલે પહેલી લક્ષણાના પ્રયોજનનો અર્થ બીજી લક્ષણા વડે મળે છે એમ માનીએ તો બીજી લક્ષણાના પ્રયોજનનો અર્થ મેળવવા ત્રીજી લક્ષણા, ત્રીજી લક્ષણાના પ્રયોજનનો અર્થ મેળવવા ચોથી લક્ષણા, ચોથી લક્ષણાના પ્રયોજનનો અર્થ મેળવવા પાંચમી લક્ષણા એમ અનંત કાળ સુધી લક્ષણાની પરંપરા ચાલ્યા કરે તેથી તેમાં અનવસ્થાદોષ રહેલો છે. આ અનવસ્થા દોષને આનન્ત્યદોષ પણ કહે છે.
લક્ષ્મેશ વ. જોશી