તરુણવાચસ્પતિ : દંડીના કાવ્યશાસ્ત્રીય ગ્રંથ ‘કાવ્યાદર્શ’ પર ટીકા લખનાર. ‘કાવ્યાદર્શ’ પરની તેમની ‘કાવ્યાદર્શટીકા’ ઘણી પ્રાચીન લાગે છે; છતાં તે એટલી બધી પ્રાચીન નથી. તરુણવાચસ્પતિ પોતાની ટીકામાં ‘શૃંગારપ્રકાશ’ના લેખક ભોજ અને ‘દશરૂપક’ના લેખક ધનંજયનો મત ઉદ્ધૃત કરે છે તેથી તરુણવાચસ્પતિ અગિયારમી સદી પછી અર્થાત્ બારમી સદીમાં થઈ ગયા. એમનો આ સમય નક્કી કરવા માટે બીજો ઐતિહાસિક આધાર તેમના પુત્ર કેશવ ભટ્ટારકે પૂરો પાડ્યો છે. 1255માં ગાદીએ બેઠેલા હોયસળ વંશના રાજાવીર રામનાથના ગુરુ તરુણવાચસ્પતિના પુત્ર કેશવ ભટ્ટારક હતા. આથી 1200ની આસપાસ તરુણવાચસ્પતિ જીવતા હશે. તેમની ‘કાવ્યાદર્શટીકા’ની કેટલીક હસ્તપ્રતોમાં તેમને સાધુ કહ્યા છે અને એક હસ્તપ્રતમાં તરુણવાચસ્પતિને બદલે ધર્મવાચસ્પતિ એવા નામે ઓળખવામાં આવ્યા છે. એ સિવાય તેમના વિશે માહિતી મળતી નથી. ‘કાવ્યાદર્શ’ પરની તેમની ટીકા સંસ્કૃત કાવ્યશાસ્ત્રના પાયાના સિદ્ધાન્તોને વિશદ રીતે સમજાવે છે અને સમર્થન માટે પોતાની પૂર્વે થયેલા અન્ય આલંકારિકોના મતો ઉદ્ધૃત કરે છે તેથી ઘણી મહત્વની છે.
પ્ર. ઉ. શાસ્ત્રી