તરાના : ભારતના શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં રજૂ થતી બંદિશનો એક પ્રકાર. આ બંદિશ પ્રકારની વિશેષતા એ છે કે તેમાં તબલાં કે પખવાજના બોલ બંદિશના શબ્દો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ શબ્દો ના, તા, રે, દાની, ઓદાની, તાનોમ્ યલલી, યલુંમ્, તદરેદાની ઇત્યાદિ છે. પ્રચલિત રાગોના તરાના ખ્યાલોની બંદિશ જેટલા જ રંજક હોય છે.  કોઈ કોઈ તરાનામાં પખવાજના બોલ અથવા ફારસી કડી કે શેર સાંભળવા મળે છે. મહેફિલની જમાવટ માટે ખ્યાલ ગાયકો ઘણુંખરું વિલંબિત અને દ્રુત ખ્યાલના ગાયન પછી તે જ રાગનો તરાનો રજૂ કરતા હોય છે.

તરાનાઓના રચયિતાઓમાં બહાદુર હુસેનખાન, તાનરસખાન તથા નથ્થેખાનનાં નામ મોખરે ગણાય છે. લગભગ બધા જ શાસ્ત્રીય રાગોમાં તરાના સાંભળવા મળે છે. ચલચિત્રોમાં પણ ક્યારેક તરાનાનો ઉપયોગ થાય છે. ગાયનો ‘મધુવનમેં રાધિકા નાચે રે’ તથા ‘લાગા ચુનરીમાં દાગ’ના તરાના ઘણા લોકપ્રિય થયા છે.

હ્રષિકેશ પાઠક