તરલતા-પસંદગીનો સિદ્ધાંત

January, 2014

તરલતા-પસંદગીનો સિદ્ધાંત : બ્રિટિશ અર્થશાસ્ત્રી કેઇન્સનો  સંપત્તિનાં અન્ય સ્વરૂપોને બદલે નાણાંના રૂપમાં સંપત્તિને પસંદ કરવાના વિકલ્પનો સિદ્ધાન્ત. તરલતા-પસંદગીના ખ્યાલનો ઉપયોગ તેમણે વ્યાજના દર માટેની સમજૂતી આપવા માટે કર્યો હતો.

પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વ્યાજનો દર બચતોના પુરવઠા અને બચતો માટેની (મૂડીરોકાણ માટેની) માંગ દ્વારા નક્કી થાય છે એવો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેના વિકલ્પે કેઇન્સે વ્યાજનો દર નાણાં માટેની  માંગ અને નાણાંના પુરવઠા દ્વારા નક્કી થાય છે એવો સિદ્ધાંત રજૂ કર્યો. કેઇન્સનો આ સિદ્ધાંત તરલતા-પસંદગીના સિદ્ધાંત તરીકે જાણીતો છે, તેમાં તરલતા-પસંદગી, એટલે કે નાણાં માટેની માંગ, પાયાની બાબત છે.

પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ એવી રજૂઆત કરી હતી કે લોકોને સમય-પસંદગી હોય છે. તે જતી કરવાના વળતર રૂપે તેમને વ્યાજ ચૂકવવામાં આવે છે. સમય-પસંદગી એટલે ભવિષ્યને બદલે વર્તમાનમાં વપરાશ કરવા માટેની લોકોની પસંદગી. વર્તમાનમાં વપરાશ જતી કરીને તેને ભવિષ્ય પર મુલતવી રાખવી તેનો અર્થ બચત કરવી એવો થાય છે. કેઇન્સે એવી દલીલ કરી કે લોકો તેમના આગવા ઉદ્દેશોથી પ્રેરાઈને બચતો કરતા જ હોય છે. તે માટે સમય-પસંદગી જતી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી; પરંતુ બચતોને નાણાંના રૂપમાં રાખવી કે તેનું અન્ય અસ્કામતોમાં રોકાણ કરવું તે પસંદગીનો પ્રશ્ન હોય છે. લોકો જો અન્ય અસ્કામતોના સ્વરૂપમાં પોતાની બચતો રાખવાનું પસંદ કરે તો તેમને  તેમની તરલતા-પસંદગી જતી કરવી પડે છે. તરલતા એટલે એક અસ્કામતના વિનિમયમાં બીજી અસ્કામત મેળવવાની સરળતા. નાણું વિનિમયનું માધ્યમ હોવાથી તેમાં 100 % તરલતા રહેલી છે; જ્યારે અન્ય કોઈ અસ્કામતના બદલામાં બીજી અસ્કામત મેળવવી હોય તો પ્રથમ તેના બદલામાં નાણાં મેળવવાં પડે અને પછી તે નાણાં દ્વારા બીજી અસ્કામત ખરીદવી પડે. આમાં વેચવામાં આવતી અસ્કામતની કિંમત ઓછી ઊપજવાની શક્યતા પણ રહે છે. તેથી અન્ય અસ્કામતો નાણાંની તુલનામાં ઓછી તરલતા ધરાવે છે. વ્યાજ એ તરલતા પસંદગી જતી કરવાનું વળતર છે.

લોકો જો તેમની બચતો નાણાંમાં સંઘરે તો તેમને વ્યાજના રૂપમાં કોઈ વળતર મળે નહિ. આમ છતાં લોકો શા માટે નાણાં હાથ પર રાખવાનું પસંદ કરે એવો પ્રશ્ન સહજ રીતે ઉદભવે છે. તેના ઉત્તર રૂપે કેઇન્સે તરલતા-પસંદગી માટેના ત્રણ હેતુઓ રજૂ કર્યા હતા : (1) પ્રથમ હેતુને વિનિમયનો હેતુ એવું નામ આપવામાં આવ્યું. લોકોને નાણાંના રૂપમાં આવક સમયના ચોક્કસ અંતરે મળે છે; જ્યારે તેમને ખરીદીઓ લગભગ રોજ કરવી પડતી હોય છે. ઇચ્છા પ્રમાણે ચીજવસ્તુઓની ખરીદી કરી શકાય તે માટે નાણાં હાથ પર રાખવાનું સગવડ ભરેલું છે. (2) ભવિષ્યના અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે લોકો કેટલાંક નાણાં હાથ પર રાખવાનું પસંદ કરે છે. આને સાવચેતીનો હેતુ કહેવામાં આવ્યો છે. આ બંને હેતુઓ માટે થતી નાણાં માટેની માંગ લોકોની આવક ઉપર અવલંબે છે. નાણું વિનિમયનું માધ્યમ છે એ હકીકતમાંથી ઉપર્યુક્ત હેતુઓ માટેની માંગ ઉદભવે છે. કેઇન્સ પહેલાં પણ કેટલાક અર્થશાસ્ત્રીઓએ નાણાં માટેની માંગના એ ઉદ્દેશો શબ્દ ફેરે રજૂ કર્યા જ હતા.

કેઇન્સનું પ્રદાન તેમણે રજૂ કરેલા ત્રીજા હેતુમાં રહેલું છે. કેઇન્સે તેને સટ્ટાકીય હેતુ એવું નામ આપ્યું હતું. ભવિષ્યમાં ભાવોના અપેક્ષિત ફેરફારોનો લાભ લેવા માટે વર્તમાનમાં જે ખરીદી કે વેચાણ કરવામાં આવે તેને સટ્ટો કહેવામાં આવે છે. કેઇન્સે નાણાં માટેની સટ્ટાકીય માંગનો વિચાર કેવળ સરકારી જામીનગીરીઓના સંદર્ભમાં કર્યો હતો. જે લોકો સરકારી જામીનગીરીઓના ભાવ ભવિષ્યમાં ઘટવાની અપેક્ષા રાખતા હશે તેઓ તેનો લાભ લેવા માટે વર્તમાનમાં નાણાં હાથ પર રાખવાનું પસંદ કરશે, જેથી જો અને જ્યારે, સરકારી જામીનગીરીઓનો ભાવ અપેક્ષા પ્રમાણે ઘટે તો તે નીચા ભાવે ખરીદી લઈ શકાય. આનાથી ઊલટું જે લોકો ભવિષ્યમાં જામીનગીરીઓના ભાવ વધવાની અપેક્ષા રાખતા હોય છે તેમની નજરે વર્તમાનમાં જામીનગીરીઓના ભાવ નીચા હોય છે. તેથી તેઓ નાણાં હાથ પર રાખવાને બદલે જામીનગીરીઓ ખરીદી લેવાનું પસંદ કરે છે.

સરકારી જામીનગીરીઓના ભાવ અને વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. સરકારી જામીનગીરીનો ભાવ વધે તેનો અર્થ વ્યાજનો દર ઘટે એવો થાય છે. તેથી જે લોકો ભવિષ્યમાં વ્યાજનો દર ઘટવાની અપેક્ષા રાખતા હોય, એટલે કે વ્યાજનો પ્રવર્તમાન દર ઊંચી સપાટી પર છે એમ માનતા હોય તેઓ વર્તમાનમાં નાણાં હાથ પર રાખવાને બદલે જામીનગીરીઓ હાથ પર રાખવાનું પસંદ કરશે. આમ વ્યાજનો વર્તમાન દર જો ઊંચી સપાટી પર હોય તો સટ્ટાકીય હેતુ માટે લોકો ઓછાં નાણાં હાથ પર રાખવાનું પસંદ કરશે અને વ્યાજના નીચા દરે વધુ નાણાં હાથ પર રાખવાનું પસંદ કરશે. એક શક્યતા તરીકે કેઇન્સે એવો નિર્દેશ કર્યો હતો કે વ્યાજનો એક એવો નીચો દર હોઈ શકે, જે દરે લોકોની સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ અસીમિત બની જાય.

કેઇન્સના તરલતા-પસંદગીના સિદ્ધાંત પ્રમાણે વ્યાજનો દર સટ્ટાકીય હેતુ માટે થતી નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા નક્કી થાય છે. આમ કેઇન્સે વ્યાજના દરને એક નાણાકીય ઘટના ગણી હતી, એટલે કે તે નાણાકીય પરિબળો દ્વારા નક્કી થતી એક કિંમત છે એવો મત રજૂ કર્યો હતો. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના દર્શાવ્યા પ્રમાણે તે બચતો માટેની માંગ અને બચતોના પુરવઠાને નક્કી કરતાં વાસ્તવિક પરિબળો દ્વારા નક્કી થતી કિંમત નથી, એવું પ્રતિપાદન કરવાની કોશિશ કેઇન્સે કરી હતી; પરંતુ કેઇન્સે જેમાં તેમણે પ્રસ્તુત સિદ્ધાંત રજૂ કર્યો છે તે પુસ્તક ‘જનરલ થિયરી ઑવ્ એમ્પ્લૉયમેન્ટ, ઇન્ટરેસ્ટ ઍન્ડ મની’ પ્રગટ થયા પછી  વ્યાજના સિદ્ધાંત અંગે જે ચર્ચાઓ થઈ તેમાંથી એ સ્પષ્ટ થયું છે કે વ્યાજનો દર નક્કી કરવામાં નાણાકીય પરિબળોની સાથે વાસ્તવિક પરિબળો પણ ભાગ ભજવે છે.

રમેશ ભા. શાહ