તરબૂચ : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબીટેસી કુળની વનસ્પતિનું ફળ. તેનું વૈજ્ઞાનિક નામ Citrulus vulgaris, Schrad (ગુ. તરબૂચ).
ઉદભવ અને વિતરણ : તે આફ્રિકાની મૂલનિવાસી છે. ભારતનાં બધાં જ રાજ્યોમાં વધતાઓછા પ્રમાણમાં તેને ઉગાડવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તરબૂચની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. તરબૂચના પાકા ફળમાં 92 % જેટલું પાણી હોય છે. ફળનો માવો રસદાર અને ખૂબ જ મીઠો હોય છે. ગરમીના દિવસોમાં તરબૂચના માવામાંથી તૈયાર કરેલ પીણું ઘણું જ તાજગીભર્યું હોય છે.
આબોહવા : તરબૂચ ગરમ ઋતુનો પાક છે. ગરમ અને સૂકું હવામાન તેને વધુ માફક આવે છે. તરબૂચનો પાક હિમ સહન કરી શકતો નથી. પાકની વૃદ્ધિ તથા ફળની ઉચ્ચ ગુણવત્તા માટે સરાસરી 24°થી 35° સે. તાપમાન જરૂરી છે.
જાતો : ફળની છાલનો રંગ, ફળનું કદ, આકાર તથા માવાના રંગ પ્રમાણે જાતોમાં ખૂબ વિવિધતા જોવા મળે છે.
સુગર બેબી, અસાહી યામાટો, દુર્ગા પુરા મીઠા જેવી જાતો ઉપરાંત મધુ, મિલન, અરકા જ્યોતિ, અરકા માનિક વગેરે તરબૂચની સંકર જાતો પણ પ્રચલિત છે. આ ઉપરાંત ઇન્ડિયન ઍગ્રિકલ્ચર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હી ખાતેથી તરબૂચની સીડલેસ જાત પુસા બેદાના પણ બહાર પાડવામાં આવી છે.
વાવણી : તરબૂચનું વાવેતર ખાસ કરીને નદીના ભાઠામાં કરવામાં આવે છે, પરંતુ ભાઠા સિવાય સારા નિતારવાળી સેન્દ્રિય તત્વોથી ભરપૂર ગોરાડુ અને મધ્યમ કાળી જમીનમાં પણ તરબૂચનું સફળતાપૂર્વક વાવેતર થઈ શકે છે.
તરબૂચની જાત અને જમીનની ફળદ્રૂપતા ધ્યાનમાં લઈ બે ચાસ વચ્ચે 2.0થી 2.5 મીટર જેટલું અંતર રાખવું પડે છે. જ્યારે ચાસમાં બે છોડ વચ્ચે 1.0 મીટરનું અંતર રખાય છે. ટૂંકા અંતરે વાવેતર કરેલ પાકમાં ફળો કદમાં નાનાં રહે છે. વાવણીનું અંતર અને બીજના કદને ધ્યાનમાં લેતાં 2.0થી 2.5 કિગ્રા. બીજ એક હેક્ટરનાં વાવેતર માટે જરૂરી હોય છે.
તરબૂચનું વાવેતર ઉનાળુ ઋતુ દરમિયાન કરવામાં આવે છે. ગરમ અને સૂકા હવામાનવાળા વિસ્તારોમાં અન્ય ઋતુમાં પણ વાવેતર થઈ શકે છે. પ્રાથમિક ખેડથી તૈયાર કરેલ જમીનમાં 2.0 થી 2.5 મીટરના અંતરે નીક તૈયાર કરાય છે. આ નીકની એક બાજુ ઉપર 30 × 30 × 30 સેમી.નાં માપના ખાડા તૈયાર કરે છે. આ ખાડામાં માટી, છાણિયું ખાતર અને પાયાનું રાસાયણિક ખાતર વગેરે મિશ્ર કરી ભરવામાં આવે છે. આ પ્રમાણે ખામણાં તૈયાર થયે દરેક ખામણાં ઉપર 2થી 3 બીજ થાણીને નીકમાં પાણી આપવામાં આવે છે.
ખાતર : હેક્ટરદીઠ 20 ટન છાણિયું ખાતર તથા 100-50-50 કિગ્રા. નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશતત્વો અપાય છે.
તરબૂચના રોગો : તરબૂચના પાકને સુકારો, ભૂકી છારો, તડછારો, પાનનાં ટપકાં અને પંચ રંગિયો જેવા રોગો થાય છે.
1. સુકારો (wilt) : આ રોગ Fusarium oxysporun પ્રજાતિની ફૂગથી થાય છે, જે ડાંગ, વલસાડ અને સૂરત જિલ્લામાં દર વર્ષે નુકસાન કરે છે. આ રોગથી છોડ સુકાઈ જવાથી ફળ બેસતાં જ નથી અને રોગ પાછળથી આવે તો ફળ પરિપક્વ થતાં નથી.
આ રોગની ફૂગ જમીનજન્ય હોવાથી રોગ બીજ ઊગવાનું શરૂ થતાં જ જોવા મળે છે. આ રોગની ફૂગ છોડના મૂળમાં પ્રવેશ કરે છે અને વૃદ્ધિ પામી તે થડમાં પ્રસરે છે. ફૂગ મૂળમાં પ્રવેશતાં છોડને ખોરાક પાણીની અછત હોય તેમ મૂરઝાવાનું શરૂ થાય છે. આ દરમિયાન ફૂગ વૃદ્ધિ સાધી મૂળ અને થડમાં વાહીપુલો(vascular bundle)માં આવેલી અન્નવાહક અને જલવાહક પેશીઓમાં અવરોધ કરે છે. છોડ મૂરઝાઈને બેથી ચાર દિવસમાં સુકાઈ જાય છે. આવા મરેલા છોડનું થડ અને મૂળ ફાડીને જોતાં તેના વાહીપુલોમાં વૃદ્ધિ પામેલ ફૂગ દેખાય છે અને વાહીપુલો કાળા કથ્થાઈ રંગના જોવા મળે છે.
આમ, છોડનો સુકારો ગોળ કૂંડા આકારે આગળ વધે છે, કારણ કે આ જમીનજન્ય ફૂગ પાણી મારફતે આજુબાજુના છોડ સુધી પહોંચી તેને રોગ કરે છે. એક જ ખેતરમાં વારંવાર તરબૂચ ઉગાડતાં આ રોગનું પ્રમાણ વધે છે.
નિયંત્રણ : (1) રોગિષ્ઠ પાકના અવશેષો બાળી તેનો નાશ કરવો. (2) માત્ર રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી. (3) શરૂઆતમાં રોગિષ્ઠ છોડ ઉખાડી તેની જગ્યાએ આજુબાજુના છોડના થડમાં કાર્બનડાઝીમનું દ્રાવણ રેડવું. (4) બીજજન્ય ફૂગનો નાશ કરવા કૅપ્ટાન કે થાયરમ અથવા કાર્બનડાઝીમ (3 ગ્રામ/ કિલો બીજ) દવાનો પટ આપી રોપણી કરવી. (5) રોગવાળા ખેતરમાં ચાર વર્ષ સુધી તરબૂચનો પાક ન લેવો. તેને બદલે જુવાર, મકાઈ કે તમાકુનો પાક ઉગાડવો.
2. ભૂકી છારો : તરબૂચ અને અન્ય વેલાવાળા પાકોમાં ભૂકી છારો સૌથી વિશેષ નુકસાન કરે છે. આ રોગ Erysiphe cichoracearum નામની ફૂગથી તરબૂચ ઉગાડતા દરેક પ્રદેશમાં ઓછાવત્તા પ્રમાણમાં નુકસાન કરે છે.
પાનની બંને બાજુઓ અને વેલાઓ ઉપર સફેદ પાઉડર જેવી ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. આવી ફૂગવાળાં પાન અને નવી ડાળીઓ પીળાં થઈ મૂરઝાઈને સુકાઈ જાય છે. આવા છોડ ઉપર વેલાની આગળની વધ અટકી જાય છે. હવામાન અનુકૂળ હોય તો ફળ ઉપર પણ સફેદ ફૂગની ભૂકી પ્રસરે છે. ફળની વૃદ્ધિ અટકી જાય છે અને ઉત્પાદન ખૂબ જ ઓછું મળે છે. ફૂગના બીજાણુઓ હવા મારફત ફેલાય છે અને તેના બીજાણુ ખૂબ ઓછા ભેજમાં અંકુરિત થતા હોવાથી રોગનો દ્વિતીય ચેપ ઝડપથી ફેલાય છે.
ગંધકની ભૂકીનો બે વાર 10 દિવસના આંતરે ભૂકી છંટકાવ કરવાથી રોગ નિયંત્રણમાં રહે છે.
3. તળછારો : આ રોગ Pseudoperonospora cubensis નામની આંતરકોષીય ફૂગથી થાય છે. ગરમ ભેજવાળા વાતાવરણમાં તે ખૂબ જ નુકસાન કરે છે. આ ફૂગનું આક્રમણ થતાં ફૂગ પાનના કોષમાં દાખલ થઈ વૃદ્ધિ કરે છે અને પાનની નીચેની બાજુએ બીજાણુ દંડ કોષની બહાર આવી પાનની સપાટી ઉપર બીજાણુ પેદા કરે છે, જે પાનની નીચેની બાજુ આછા સફેદ રંગની ભૂકીના રૂપમાં જોવા મળે છે. આક્રમિત પાન પીળાં પડે છે અને કરમાઈ જઈ સુકાઈ જાય છે. વેલાની વૃદ્ધિ અટકી જાય છે. ફૂલ અને ફળ ઉપર આક્રમણ થતાં તે સુકાઈને ખરી પડે છે. કૅપ્ટાફોલ ફૂગનાશકનો છંટકાવ કરી રોગને કાબૂમાં રાખી શકાય છે.
4. પાનનાં ટપકાં : આ પાનનાં ટપકાં અને ઝાળ રોગ મુખ્યત્વે Alternaria cucumerina અને સરકોસ્પોરા પ્રજાતિની ફૂગથી થાય છે. ફૂગનું આક્રમણ થતાં પાન ઉપર કાળાં ટપકાં થાય છે, જે પહોળાં બની એકબીજાંમાં મળી જવાથી પાનનો ઝાળ થાય છે અથવા આખું પાન સુકાઈ જાય છે. રોગને કાબૂમાં લેવા માટે કાર્બનડાઝીમ કે ઝીનેબ દવાના બે છંટકાવ કરવા આવશ્યક છે.
5. ફળનો સડો (સૂકો અને પોચો સડો) : તરબૂચમાં રહાઇઝોપસ નામની ફૂગથી ફળના સૂકા સડાનો રોગ થાય છે જેમાં આક્રમણ થતાં ફળ ઝડપથી સડી જાય છે. સડતા ફળને જે તે અવસ્થામાં જ રહેવા દેવામાં આવે તો ફળ ફૂગના તાંતણાંથી આચ્છાદિત થઈ ચીમળાઈને સંકોચાઈ જાય છે. જ્યારે પોચો સડો ઇરવીનિયા નામના જીવાણુથી થાય છે. જીવાણુથી આક્રમણ થતાં ફળ સડીને પોચું થઈ જાય છે અને અંદરનો માવો છૂટો પડીને પ્રવાહી રસમાં ફેરવાઈ જાય છે. સમય જતાં ફળ ઉપરની છાલ તૂટતાં તેમાંથી સડેલો માવો પ્રવાહી સ્વરૂપે બહાર આવે છે. આવા ફળની છાલ ઢીલી પડી કાચાં ફળ દબાતાં છાલ તૂટી જાય છે અને પ્રવાહી બહાર નીકળે છે.
આ બંને વ્યાધિજનો જમીનજન્ય છે જે હવા અને પાણી મારફતે ફેલાય છે. બજારમાં લઈ જવા માટે હવા-ઉજાસવાળાં સાધનોમાં ભરી લઈ જવાં.
તરબૂચમાં આ સિવાયના અન્ય રોગોમાં સ્ફુરણ કરતાં છોડનો સુકારો જે Pythium aphanidermatum નામની ફૂગથી થાય છે. થડનો કોહવારો Sclerotium rolfsii નામની ફૂગથી થાય છે અને જીવાણુથી થતાં પાનનાં ટપકાં જે Xanthomonas cucurbiti નામના જીવાણુથી થાય છે.
ઉત્પાદન : તરબૂચની સુધારેલ જાતોનું હેક્ટરે સરેરાશ ઉત્પાદન 30 ટન જેટલું મળે છે. જ્યારે સંકર જાતોનું ઉત્પાદન 60થી 70 ટન સુધી મળે છે.
રાસાયણિક બંધારણ : ફળના વિશ્લેષણ મુજબ તેમાં ભેજ 95.7 %, પ્રોટીન 0.1 %, ચરબી 0.2 %, ખનીજદ્રવ્ય 0.2%, કાર્બોદિતો 3.8 %, કૅલ્શિયમ 0.01 % અને ફૉસ્ફરસ 0.01 % લોહ 0.2 મિગ્રા./100 ગ્રા; કૅરોટિન અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. તેનો રસ 0.17 % જેટલું સાઇટ્રુલીન ધરાવે છે. તેમાં પૂર્વ-વિટામિન – pro-vitamin; vitamin precursor) ‘એ’ અને વિટામિન ‘સી’ ખૂબ ઓછું હોય છે.
બીજ યુરિએઝ ઉત્સેચક માટે ખૂબ સારો સ્રોત ગણાય છે.
ગિરધરભાઈ પટેલ
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ