તરતી હિમશિલા (iceberg) : સમુદ્રજળમાં તરતા બરફજથ્થા (હિમગિરિ). વિશાળ હિમનદના નીચલા (છેડાના) ભાગમાંથી તૂટેલા જુદા જુદા પરિમાણવાળા બરફ જથ્થા છૂટા પડીને, સરકી આવીને સમુદ્રજળમાં તરતા રહે છે. તેના 9/10 ભાગ પાણીમાં અને 1/10 ભાગ સમુદ્રસપાટીથી બહાર રહે છે. ઊંચા અક્ષાંશોમાં એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં જો હિમનદી નજીકના દરિયાકિનારે પહોંચતી હોય તો તેનો તળભાગ સમુદ્રજળમાં જેમ જેમ સરકતો જાય તેમ તેમ, તથા સમુદ્ર-પ્રવાહો અથવા અન્ય કારણોસર જ્યારે પણ તૂટીને છૂટો પડે ત્યારે તેને તરતી હિમશિલા તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિભાગો પરના હિમજથ્થા તેમના મૂળ માતૃજથ્થામાંથી તૂટી જાય અને ત્યાં જો દરિયાકિનારો હોય તો દરિયાના પાણીમાં સરકી જઈ તરતા રહે છે, અથવા નજીકના ભાગમાં પડ્યા રહે છે આ પ્રકારને પણ તરતી હિમશિલા કહેવાય છે.
ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળતા વિશાળ અકબંધ બરફજથ્થા એ સ્વયં દરિયાઈ બરફ છે અથવા તો સમુદ્ર મહાસાગરનો ઠરી ગયેલો ભાગ છે, જ્યારે તરતી હિમશિલા આવા બરફપટમાંથી કે હિમનદમાંથી તૂટીને, છૂટી પડીને સમુદ્રજળમાં સરકીને તરતો રહેતો ભાગ છે.
આર્ક્ટિક અને ઍન્ટાર્ક્ટિક બંને વિસ્તારોના ખંડીય કે ટાપુઓ પરનાં હિમાવરણો જ્યાં તે દરિયા તરફ વિસ્તરતાં હોય ત્યાં તૂટીને હિમશિલાઓ તરતી રહેવાની સ્થિતિ પેદા થતી હોય છે. આ એક અજાયબ નૈસર્ગિક ઘટના છે. ગ્રીનલૅન્ડની હિમશિલાઓ દસ લાખ ટન વજન ધરાવતી હોવાનું માલૂમ પડેલું છે. અને ઍન્ટાર્ક્ટિકની હિમશિલાઓ તો એથી પણ ઘણી મોટી હોય છે.
તરતી હિમશિલા એ હિમજન્ય બરફજથ્થો જ છે અથવા સ્થાનભેદે ભિન્ન ભિન્ન ઘનતાવાળો, પણ સરેરાશ 0.89 વિ. ઘ. ધરાવતો ઘટ્ટ (dense) બરફ છે. વિ. ઘ. અને પાણીના હલનચલનના ફેરફારથી કુલ માતૃહિમજથ્થામાંથી લગભગ 1/8 કે 1/7 ભાગની તૂટવાની સ્થિતિ પેદા થાય છે અને એક ભાગ છૂટો પડે છે. ઓગળેલા ગ્રીનલૅન્ડ-બરફ પર કરવામાં આવેલા ટ્રિટિયમ વયનિર્ધારણ પ્રયોગો નિર્દેશ કરે છે કે ત્યાંની તરતી હિમશિલાઓ લગભગ 50,000 વર્ષ જૂની હશે ! હિમજન્ય બરફમાં રહેલા સૂક્ષ્મ હવા-પરપોટા હિમશિલાઓને હિમશ્વેત રંગની બનાવી દે છે અને ડૂબે ત્યારે તેમાંના કેટલાક પરપોટા ઊભરીને ઉપર તરફ આવતા જણાય છે.
તરતી હિમશિલાઓ કમાનાકાર, ગચ્ચામય, ઘુમ્મટાકાર, અણીઆકાર, મેજઆકાર, ખીણ જેવા કે ઝૂંપડી જેવડા પરિમાણવાળી હિમશિલાઓ વિવિધ આકારની હોય છે. તેમની ઉત્પત્તિથી માંડીને અસ્તિત્વ સુધી આયુકાળ ઠંડા ધ્રુવીય પ્રદેશમાં હોય ત્યારે ઘણો લાંબો હોઈ શકે છે; માત્ર ગરમ ઋતુકાળ દરમિયાન જ તે નહિવત્ ઓગળે છે, પરંતુ મહાસાગર પ્રવાહોની અસર હેઠળ જો તે સરકતાં સરકતાં હૂંફાળા જળમાં પહોંચે તો તે ઝડપથી ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે અને દરિયાઈ જળના 5°સે. થી 10°સે. તાપમાને થોડાંક સપ્તાહમાં તેમજ 10° સે.થી વધુ તાપમાને થોડા દિવસોમાં ઓગળી જાય છે. જ્યારે આવી હિમશિલાઓ આગળ ધપતી જઈને દરિયાઈ જહાજોના અવરજવરના માર્ગમાં ક્યારેક આવી ચઢે અને જહાજો સાથે અથડાય તો ભારે ખુવારી સર્જે છે. ન્યુફાઉન્ડલૅન્ડના કિનારા પાસે આ પ્રકારની ઘટના ક્યારેક બનતી રહે છે.
આર્ક્ટિક પ્રદેશની તરતી હિમશિલાઓ : ઉત્તર ધ્રુવીય પ્રદેશમાં ગ્રીનલૅન્ડના કિનારાની ધારે ધારે ભૂમિભાગમાંની હિમચાદરોમાંથી તે છૂટી પડે છે. એવો અંદાજ કાઢવામાં આવ્યો છે કે આખા ઉત્તર ગોળાર્ધમાં દર વર્ષે લગભગ 16,000 હિમશિલાઓ છૂટી પડે છે, જે પૈકી 90 % તો ગ્રીનલૅન્ડમાંથી જ પેદા થાય છે, વળી તે પૈકીની ઘણી- ખરી તો ગ્રીનલૅન્ડના પશ્ચિમ કિનારાના 65°–80° ઉત્તર અક્ષાંશની વચ્ચે રહેલી 20 હિમચાદર-હિમાવરણમાં છૂટી પડે છે. 68° ઉત્તર અક્ષાંશ પરનો જેકોબ્શેવન હિમનદ વાર્ષિક લગભગ 1400 શિલાઓ બનાવે છે, જે આ માટેનો મુખ્ય ઉદભવસ્રૉત ગણાય છે. 79° ઉત્તર અક્ષાંશ પરનો હમ્બોલ્ટ હિમનદ વિશાળ કદવાળો ગણાય છે, જેનો દરિયાઈ પ્રવેશનો અગ્રભાગ 100 કિ.મી.થી વધુ વિસ્તારવાળો છે. બાકીની હિમશિલાઓ ગ્રીનલૅન્ડના પૂર્વ કિનારેથી તેમજ ઍલિસમીર-ટાપુ, આઇસલૅન્ડ, સ્પિટ્ઝબર્ગન અને નોવાયા ઝેમ્લ્યામાંથી છૂટી પડે છે; યુરૅશિયા કે અલાસ્કાના કિનારાઓ પરથી વિશિષ્ટ પરિમાણવાળી કોઈ ખાસ હિમશિલાઓ બનતી નથી. એ જ રીતે બાકીના ઉત્તર ધ્રુવીય વિસ્તાર-અલાસ્કાના અખાતમાં ત્યાંની તળેટી હિમનદીમાંથી થોડીક, નાની હિમશિલાઓના અપવાદને બાદ કરતાં કોઈ ખાસ હિમશિલાઓ છૂટી પડતી નથી, કે સરકતી પણ નથી. આ બધી છૂટી પડતી હિમશિલાઓને દક્ષિણ તરફ સરકતી રાખવામાં પવનો અને ધ્રુવોમાંથી વહેતા ઠંડા સમુદ્રપ્રવાહો જવાબદાર ગણાય છે, જ્યાંથી તે બેફિન ટાપુ, લૅબ્રાડૉર અને ન્યૂફાઉન્ડલૅન્ડ તરફ સરકે છે, અહીં તે ઍટલૅન્ટિકના ગરમ અખાતી પ્રવાહ સાથે ભેગી થતાં 2–3 સપ્તાહમાં ઓગળી જાય છે. પશ્ચિમ ગ્રીનલૅન્ડ તરફથી નીકળતી હિમશિલાઓ પૈકીની ઘણી તો ઉનાળાની ગરમીને કારણે અને સમુદ્રમોજાંના મારાને કારણે ધોવાઈ જાય છે, માત્ર પ્રતિવર્ષ 400 જેટલી જ ન્યૂફાઉન્ડલૅન્ડ સુધી પહોંચે છે અને તે પણ ત્યાં પહોંચવામાં ત્રણ વર્ષ જેટલો સમય લે છે. ઉત્તર ગોળાર્ધમાંની હિમશિલાઓ તેમની સફરમાં ધીમે ધીમે ઓગળતી જઈને ભાગ્યે જ 600 મીટરની પહોળાઈના પટવિસ્તારવાળી અને પાણીથી ઉપર 120 મીટર ઊંચાઈવાળી રહે છે.
ઍન્ટાર્કિટકા પ્રદેશની તરતી હિમશિલાઓ : દક્ષિણ મહાસાગરમાં ઍન્ટાર્ક્ટિકા ખંડની કિનારીઓ પરના સમુદ્રોની છાજલીઓ પર વિશાળ હિમપટમાંથી ઘણા મોટા મેજઆકારના ભાગ છૂટા પડે છે અને છૂટા પડતી વખતે ઍન્ટાર્ક્ટિક મહાસાગરના પાણીમાં ખાબકે ત્યારે ખળભળાટ ઉત્પન્ન કરી મૂકે છે, આ મેજઆકારના તરતા હિમગિરિ બરફના ટાપુઓ જેવો દેખાવ ઊભો કરે છે જે 160 કિમી. ની લંબાઈવાળા અને કેટલાક સો મીટરની ઊંચાઈવાળા બની રહે છે. અહીં હિમશિલાઓ બનવાનો ક્રિયાશીલ વિસ્તાર રૉસ સમુદ્ર અને વેડલ સમુદ્રની રૅાસ છાજલી અને ફિલ્શેનર છાજલી છે. ઍન્ટાર્ક્ટિક પરિધ્રુવીય પ્રવાહની અસર તેમને ટકી રહેવા માટે અનિર્ણયાત્મક આયુકાળ આપે છે. અહીંની હિમશિલાઓમાં આર્ક્ટિક વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે એવી ઘેરી ભૂરી ઝાંય અને ભવ્ય સુંદરતાભરી આભા ઊભી થાય છે, અને તેથી જ તો આ તરતા હિમગિરિ અહીંની લાક્ષણિકતા બની રહ્યા છે.
ગિરીશભાઈ પંડ્યા