તરણેતરનો મેળો : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા તરણેતરમાં ભરાતો મેળો. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું એવી લોકવાયકા છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે. અહીં ભાદરવા મહિનામાં ત્રણ દિવસનો મેળો ભરાય છે. તેની ખ્યાતિ સમગ્ર રાષ્ટ્રમાં વિસ્તરેલી છે. ગાન વાદન ને નૃત્યમાં મસ્ત એવા લોકોની લીલાનું મંદિરની છતમાંનું શિલ્પ ઉત્કીર્ણ શિલ્પનો શ્રેષ્ઠ નમૂનો છે. આજે પણ સૌરાષ્ટ્રભરનાં લોકનૃત્ય જાણીતાં છે. આ મંદિરના પ્રાંગણમાં મેળો ભરાય છે તેથી તે મંદિરના નામ કરતાં તરણેતરના મેળાના સ્થાન તરીકે જાણીતું બન્યું છે.
આ મેળામાં કોળણ સ્ત્રીઓ ત્રણ તાળીના રાસ લેતી ગાતી હોય ત્યારે રાસડામાં એવી ચગે છે જાણે સો શરણાઈઓ સામટી વાગતી હોય એવું વાતાવરણ સર્જાય છે. મીઠી હલકે, મોકળે કંઠે ગાતી અને વાયુવેગે ઊપડતી કોળણોમાં રાસડા આકર્ષક હોય છે. ભરવાડોના રાસમાં 30થી 60 સ્ત્રી પુરુષો હોય છે. અહીં રાસદાંડિયા રમે ત્યારે સ્ફૂર્તિથી દાંડિયા ઠોકી દૂર જઈ ઊભા રહે અને એટલી જ સ્ફૂર્તિથી પાછા ભેગા થઈ જાય. પઢારોના જેવી જ સ્ફૂર્તિ કોળી લોકોમાં હોય છે. કોળી સૌરાષ્ટ્રની રંગીલી કોમ છે. ત્યાં તો ગમે તે ઉંમરનો આદમી પણ ઉત્સવ ટાણે આંખમાં સુરમો, માથે લાલ મદ્રાસીઆની આંટિયાળી ગોળ પાઘડી, પાઘડીને આભલાં ભરેલ લીલા પટ્ટાનું બાંધણું, કેડે બાંધી હોય રંગીલી ભેટ, વળી વધારે રંગીલો હોય તો રાસની વચમાં બબ્બે હાથમાં બે છત્રીઓ ઝુલાવતો જાય. છત્રી પણ કેવી ? સુંદર ભરત ભરેલી સોળ સોળ સળિયાની, સળિયે સળિયે લાલ, પીળા ને લીલા રેશમી રૂમાલ ફરકતા હોય, બહુ લાંબા નહિ તેમ બહુ ટૂંકા નહિ. આ છત્રી કલારસિકોનું આકર્ષણ બને છે. પાતળી કાઠીનાં શરીર અને પાછાં અજબ ચેતનવંતાં, રાસની સાથે ધ્રબુકતા ચાર ચાર ઢોલ, જોડિયા પાવા સાથે સેંકડોની સંખ્યામાં સ્ત્રીઓ રાસડા લેતી હોય. આ બધાંની સાથે તેમનો ભવ્ય પોશાક ! હીરમાં આભલે ચોડેલાં કમખાં, ઘાઘરા અને ઓઢણાં હોય. આ પ્રસંગે પ્રણાલિકાગત વસ્ત્રો અને તેવાં જ આભૂષણો પહેરેલાં અનેક કોમોનાં સ્ત્રીપુરુષો અનેરો રંગ જમાવે છે.
રાસમાં કોળીઓ જેમ દાંડિયાથી રમે છે તેમ સ્ત્રીઓ મટકી પણ બહુ સરસ લે છે. બંને હાથમાં લોઢાના કે રૂપાના કરડા પહેર્યા હોય અને હાથમાં તાંબા પિત્તળના ઘડા હોય. હીંચ સાથે ઘડા ઝુલાવતી જાય. ઉપર, નીચે અને પાછા ખભેથી સરકાવીને માથા ઉપરથી હિલોળીને હેઠા લાવતી જાય અને ઘડા સાથે તાલબદ્ધ કરડા વગાડતી જાય.
તરણેતરનો મેળો આમ રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની ર્દષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશવિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યો છે.
પ્રિયબાળાબહેન શાહ