તરંગચિહન (ripple mark) : જળપ્રવાહ દ્વારા, મોજાંની ક્રિયામાં પાણીના આગળપાછળના હલનચલન દ્વારા નિક્ષેપદ્રવ્યના છૂટા કણો ઓકળીબદ્ધ ગોઠવાવાથી તૈયાર થતા લાક્ષણિક વળાંકવાળા સપાટી-આકારો. કિનારાના નિક્ષેપોમાં અસર કરતા જળપ્રવાહોના હલનચલન દ્વારા આ પ્રકારની ઓકળીઓ ઉત્પન્ન થતી હોય છે. નીચેની આકૃતિમાં તરંગના જુદા જુદા ભાગોનાં નામ તેમજ પ્રકારો દર્શાવેલાં છે.
સરખા આંદોલનકારી પ્રવાહો સમગોઠવણીવાળા તરંગો રચે છે, જ્યારે અમુક ચોક્કસ પ્રકારના એકદિશાકીય પ્રવાહો વિષમ ગોઠવણીવાળા તરંગો રચે છે. તરંગોની શીર્ષરેખા સીધી કે વાંકીચૂકી હોઈ શકે. તરંગ ઉત્પન્ન કરતું પરિબળ (હવા કે પાણી) પ્રવાહનો વેગ, કણકદ, પ્રવાહની દિશાનું એકધારાપણું વગેરે જેવી બાબતો પર તરંગોનાં લક્ષણોનો આધાર રહે છે. રેતીના ઢૂવામાં જોવા મળતા તરંગોને ખાસ પ્રકારના વિશિષ્ટ (‘super’) તરંગો તરીકે ઘટાવવામાં આવે છે. તરંગો જો 50 સેમી.થી વધુ તરંગલંબાઈના હોય તો તેને ‘મહાતરંગ’ (mega ripple) કહેવાય છે. પહોળા ગોળાકાર તરંગોમાં જો પ્રવાહની દિશા નીચે તરફ હોય તો તે નિમ્ન વળાંકવાળા બને છે, જેને જિહવાકાર તરંગો કહે છે. જો પ્રવાહની દિશા ઉપર તરફ હોય તો ઊર્ધ્વવળાંકવાળા બને છે, જેને અર્ધચંદ્રકાર તરંગો કહે છે. (જુઓ, આકૃતિ.) કણજમાવટ દરમિયાન કણો એકબીજા ઉપર સ્થાનાંતર કરે છે; પરિણામે પ્રવાહપ્રસ્તર જેવી રચના તૈયાર થાય છે, જેને તરંગ-પ્રવહન-પ્રસ્તરીકરણ (drift bedding) કહે છે.
તરંગચિહનો તરીકે ઓળખાતી મોજાં જેવી રચના સામાન્ય રીતે રેતાળ તટપ્રદેશો પર જોવા મળતી હોય છે અને જો અનુકૂળ સંજોગો મળી રહે તો નિક્ષેપોમાં કાયમ માટે જળવાઈ રહે છે. તટપ્રદેશો પરના સમગોઠવણીવાળાં ચિહનો મોજાંની ક્રિયાને કારણે બનતાં હોય છે, જે પવનને કારણે રચાતા તરંગોની નાની પ્રતિકૃતિ તરીકે રજૂ થાય છે. પાણીની અંદરના તળભાગમાં રચાતાં કે હવાના પ્રવાહોને કારણે રચાતાં તરંગચિહનો વિષમ ગોઠવણીવાળાં હોય છે જેમનો એકતરફનો ઢોળાવ સીધો અને બીજો આછો હોય છે (જુઓ આકૃતિ).
રેતીકણો તરંગના લાંબા ઢોળાવ પર ખેંચાઈને વિસ્તરે છે. શીર્ષ પરથી ત્વરિત નીચે ગર્તમાં પડી જાય છે. આમ તે રેતીના ઢૂવાની જેમ ધીમે ધીમે આગળ ધપે છે. પવનનાં તરંગચિહનોમાં મોટા કણો શીર્ષભાગમાં અને ઝીણા કણો ગર્તભાગમાં મળે છે; આથી ઊલટું, જલથી બનતાં તરંગચિહનોમાં ઝીણા કણો શીર્ષભાગમાં અને મોટા કણો ગર્તભાગમાં મળે છે.
ગિરીશભાઈ પંડ્યા