તમાલપત્ર : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા લોરેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ cinnamomum tamala (F. Hamilt) nees & eberm (સં. तमालपत्र, મ. સાંભરપાન, હિં. तेजपात, તા. તલીસપત્તીર, તે. તલીસપત્તી) છે. આ વૃક્ષની છાલ ભારતીય તજ (indian cassia bark) તરીકે ઓળખાય છે.

હિમાલયના સમશીતોષણથી ઉષ્ણકટિબંધનું પર્યાવરણ ધરાવતા પ્રદેશમાં 1000થી 2600 મી.ની ઊંચાઈએ ખાસી અને જન્તીઆ પર્વતો તેમજ પૂર્વ બંગાળમાં થાય છે.

બાહ્યલક્ષણો : તે મધ્યમ ઊંચાઈનું સદાહરિત  વૃક્ષ છે; તેની ઊંચાઈ લગભગ 8.0મી અને થડનો ઘેરાવો 1.5 મી. હોય છે. પાન લંબગોળાકાર બહિર્ગોળ ર્દગકાચ આકારનાં અણીદાર હોય છે. તેમાં ત્રણ મુખ્ય શિરાઓ પાનના નીચેના ભાગેથી નીકળતી હોય છે. તે સુગંધિત ગ્રંથિ ધરાવે છે.

તમાલપત્ર : પાન અને ફૂલો

ઉછેર : તમાલપત્રના રોપા તૈયાર કરવા બીજને માર્ચ-એપ્રિલ માસમાં નર્સરીમાં વાવી ઉછેરવામાં આવે છે. ત્યારબાદ ચારથી પાંચ વર્ષના રોપાઓ બે હાર વચ્ચે 2.5 મી.ના અંતરે  તેમજ હારમાં બે છોડ વચ્ચે 3થી 4 મી.ના અંતરે વાવવામાં આવે છે. શરૂઆતમાં તેને છાંયાની જરૂરત હોય છે તેથી અન્ય  વૃક્ષોના છાંયામાં વાવવામાં આવે છે અને વૃક્ષ જ્યારે 8થી 9 વર્ષનાં થાય ત્યારે છાંયો આપનાર વૃક્ષ દૂર કરવામાં આવે છે. વૃક્ષ ઉપરથી 10 વર્ષની ઉંમરે તેનાં પાન ઉતારી શકાય છે અને 100 વર્ષ સુધી પાનની ઊપજ આપે છે. યુવાન અને સારી વૃદ્ધિ ધરાવતાં વૃક્ષોમાંથી દર વર્ષે પાન ઉતારવામાં આવે છે, જ્યારે જૂનાં અને નબળાં વૃક્ષોમાંથી એકાન્તરે વર્ષે પાનનો ઉતારો લેવામાં આવે છે. ઑક્ટોબર-ડિસેમ્બરથી માર્ચ માસ દરમિયાન સૂકી ઋતુમાં પાન ઉતારવામાં આવે છે.  પાન સાથેની નાની નાની ડાળીઓને ત્રણથી ચાર દિવસ સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. પછી ઝૂડી બાંધી બજારમાં મોકલવામાં આવે છે.

રાસાયણિક બંધારણ : પર્ણોમાંથી 0.3–0.6 % બાષ્પશીલ તેલ પ્રાપ્ત થાય છે. તેના ભૌતિક-રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ઘનતા 30° 0.9730; ઍસ્ટર આંક 54.13; ઍસિટીલીકરણ પછી ઍસ્ટર આંક 149.82; આલ્ડીહાઇડ દ્રવ્ય 49.5 અને ફિનોલ દ્રવ્ય 4.7 %. તે સિનેમિક આલ્ડીહાઇડ 41.2 %, લિનાલૂલ 15.7 %; યુજેનૉલ 13.3 %; યુજેનૉલ ઍસિટેટ 12.5 %; β-કૅર્યોફાઇલીન 4.0 %; બૅન્ઝાલ્ડીહાઇડ 4.1 %; કૅમ્ફર 3.2 %; કેડિનિ 3.1 %; α-ટર્પિનીઑલ 1.8 % અને α-તથા β-પિનિન, p-સાયમિન, લિમોનિન, જેરેનિયૉલ, ઑસિમિન, r-ટર્પિનિન; β-ફેલેન્ડ્રિન, બૅન્ઝાઇલ સિનેમેટ અને બૅન્ઝાઇલ ઍસિટેટ ધરાવે છે. છાલના વેલમાં સિનેમિક આલ્ડીહાઇડ (70.85 %) મુખ્ય ઘટક છે.

ઉપયોગ : તમાલપત્રનાં પાનનો સમગ્ર ભારતમાં તેજાના તરીકે ઉપયોગ થાય છે. તેનાં પર્ણો વાતાનુલોમક હોય છે અને પેટના શૂળમાં તેમજ ઝાડામાં અસરકારક છે. તેની છાલ તજની છાલ કરતાં વધુ બરછટ હોય છે અને અસલ તજની છાલ સાથે અપમિશ્રિત કરીને વેચાય છે. કાશ્મીરમાં તેનાં પર્ણોનો ઉપયોગ ‘પાન’ તરીકે થાય છે.

આયુર્વેદ અનુસાર તમાલપત્ર મધુર, સુગંધિત, હળવાં, જરા ગરમ, ઉષ્ણવીર્ય, સ્વેદલ, મૂત્રલ, મળશુદ્ધિકર, સ્તન્યવર્ધક, કફ-વાત તથા વિષને હણનાર તથા મુખ અને મસ્તકની શુદ્ધિ કરનાર છે. તે હરસ, મૉળ, ઊબકા, અરુચિ, જૂની શરદી, ઉદરશૂળ, ઝાડા, પેઢુનાં દર્દો, ચળ, ત્રિદોષ તથા ગર્ભાશયની શિથિલતા મટાડનાર છે.

ભરતસિંહ ગંભીરસિંહ વશી

બળદેવપ્રસાદ પનારા