તંપુરાન કોટ્ટારક્કરા (સત્તરમી સદી) : મલયાળી લેખક. મલયાળમમાં સત્તરમી સદી પૂર્વે કુત્તુ, કુટિયાટ્ટમ્, કૃષ્ણનાટ્યમ્ ઇત્યાદિ અનેક અભિનેય ગીતોની પરંપરા પ્રવર્તમાન હતી. સત્તરમી સદીમાં કથકલિ ર્દશ્યકાવ્યો રચવાની પરંપરા શરૂ થઈ. તેના પ્રથમ રચનાકાર તંપુરાન કોટ્ટારક્કરા હતા. એમણે વાલ્મીકિ રામાયણના આધાર પર 8 અટ્ટકથાઓ રચી હતી. અટ્ટકથા એ મલયાળમનાં નાટ્યાભિનયને માટે રચાતાં પદોનો પ્રકાર છે. એ કથાઓ પુરાણકથાઓને આધારે રચવામાં આવી હોય છે અને એ કથાઓ પર કથકલિ નૃત્યનો આધાર હોય છે. કથાસંક્ષેપ શ્લોકોમાં કહેવામાં આવે છે. એનો અભિનય જોડે કશો સંબંધ હોતો નથી. શ્લોકો પછી આવતાં સંગીતબદ્ધ પદો પાર્શ્વગાયક ગાતા હોય છે અને ગીતોના પ્રસંગોનો અભિનેતા આંગિક અભિનય કરે છે. તંપુરાન કોટ્ટારક્કરાની અટ્ટકથાનાં પદો મણિપ્રવાલશૈલીમાં રચાયાં છે. એ શૈલીમાં શુદ્ધ મલયાળમ શબ્દો તથા સરળ સંસ્કૃત શબ્દોનું મિશ્રણ હોય છે. તંપુરાન કોટ્ટારક્કરાના સમયમાં પ્રવર્તમાન કૃષ્ણનાટ્યમને સ્થાને એમણે રામાયણના પ્રસંગો પર રામનાટ્યમ્નાં ગીતો પ્રચલિત કર્યાં, જે આગળ જતાં કથકલિ નામથી જાણીતાં થયાં. એમણે રચેલી રામનાટ્યમ્ની 8 કથાઓ, 8 દિવસ રોજ એક કથા પ્રમાણે ભજવાય એ રીતે રચી હતી. એ મલયાળમનાં પ્રથમ સ્વતંત્ર કાવ્યો હતાં. એમની અટ્ટકથાઓમાં, રામલક્ષ્મણે ઋષિઓને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કર્યા તે પ્રસંગ, સીતાસ્વયંવર, રામવનવાસ અને દશરથનો પ્રાણત્યાગ; રામ અને ભરતનું મિલન, સીતાહરણ, વાનરો સાથે રામનો સંપર્ક, અશોકવનના પ્રસંગો, રાવણવધ અને અયોધ્યાગમન એટલા મુખ્ય પ્રસંગો એવી રીતે યોજ્યા છે કે જેમનો રંગમંચ પર આકર્ષક રીતે અભિનય થઈ શકે.
ચન્દ્રકાન્ત મહેતા