તંપુરાન કોટ્ટયત્તુ (સત્તરમી સદી) : મલયાળમ ભાષાના કવિ. ઉત્તર કેરળના એક નાના રાજ્યના રાજકુટુંબમાં જન્મ. કિશોરવયમાં જ એમણે રામાયણ-મહાભારતના ગ્રંથોનું પોતાના માટે ખાસ રાખેલા એક પંડિત પાસે અધ્યયન કરેલું. પુરાણો ઉપરાંત, દર્શનશાસ્ત્રોનો પણ એમણે ગહન અભ્યાસ કરેલો. એમણે તે સમયે રાજદરબારમાં યોજાતા નૃત્ય અને નાટકોના સમારંભો જોયેલા અને તેનાથી ઘણા પ્રભાવિત થયેલા. એમણે મહાભારત પર આધારિત ચાર અટ્ટકથાઓ રચેલી; તેનો અભિનય રાજદરબારમાં અને પછી જાહેરમાં થતો. મહાભારતની એ ચાર અટ્ટકથાઓ છે : ‘બકવધમ્’, ‘કલ્યાણસૌંગધિકમ્’, ‘કાલકેયવધમ્’ તથા ‘કિમીરવધમ્’. એ ચાર કથાઓ કથકલિ કાવ્યપ્રકારમાં રચાયેલી. એમાં મહાભારતના નાટ્યાત્મક પ્રસંગો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરે એવી રીતે રજૂ થયા છે. કથકલિ ર્દશ્યકાવ્ય પ્રકારના રચયિતા તરીકે મલયાળમ કવિઓમાં એમનું આગવું સ્થાન છે.
ચન્દ્રકાન્ત મહેતા