ઢાળનિક્ષેપ (Talus, scree) : પર્વત કે ટેકરી પરથી ગબડીને  તળેટી ઢોળાવ પર એકત્રિત થતો ખડકદ્રવ્ય-જથ્થો. ખવાણ, ઘસારો અને ધોવાણનાં ત્રિવિધ પરિબળોના પરિણામ રૂપે પર્વત કે ટેકરીઓના વિસ્તારોમાંથી છૂટો પડેલો ખડકદ્રવ્ય-જથ્થો ગુરુત્વબળની અસર હેઠળ આપમેળે નીચે તરફ સ્થાનાંતરિત થતો જાય છે, ઢોળાવો પરથી ગબડે છે અને ટેકરીઓના તળેટી–ઢોળાવો પર એકત્રિત થતો જાય છે.

ઢાળનિક્ષેપ

આ પ્રકારનાં ઢગસ્વરૂપો ઢાળનિક્ષેપ તરીકે ઓળખાય છે. તેનાં સમગ્ર દળ, સ્વરૂપ અને આકારને સમાવી લેતા અર્થમાં આ પર્યાય વપરાય છે. તેમનું સામાન્ય સ્વરૂપ ત્રિકોણ કે શંકુ આકારનું હોય છે, જેનો શિખાગ્રભાગ ઉપર તરફ અને પાયો નીચે તરફ હોય છે. દરેક પર્વત કે ટેકરીઓની હારમાળાના તળેટી-વિભાગોમાં ઢાળનિક્ષેપ જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા