ડ્વોમો : સામાન્ય રીતે ઇટાલીના ચર્ચ માટે વપરાતો શબ્દ. ચર્ચની રચનામાં ઘૂમટનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકારના ચર્ચનો ઉલ્લેખનીય નમૂનો ફ્લૉરેન્સ (ઇટાલી)નું સંત મારિયા ડેલ ફિઓરે ચર્ચ છે. શરૂઆતમાં આર્નોલ્ફલો ડી કમ્બિયા દ્વારા ડિઝાઇન કરાયેલ આ ચર્ચમાં ગૉથિક સ્થાપત્યના કમાનદાર ટેકા (flying buttresses) કે શિખર-રચના (pinnacles) નથી હોતી. 1334માં આર્નોલ્ફલોના અવસાન બાદ ગીટો તથા અન્ય સ્થપતિઓએ આ ચર્ચની રચના ઈ. સ. 1421માં અર્ધગોળાકાર કમાનવાળી સ્તંભિકા તથા ઈ. સ. 1420–34માં ઘૂમટ ઉમેરીને સંપૂર્ણ કરી. ક્રૉસ આકારના તળ-દર્શનવાળા આ ચર્ચની મધ્યવીથિ 82 મી. લાંબી છે, જેના છેડે ઘૂમટવાળું 42મી. વ્યાસનું અષ્ટકોણીય પૂજા-સ્થાન હોય છે. તેની બાકીની ત્રણે બાજુ પ્રત્યેકમાં પાંચ ચૅપલવાળી સ્તંભિકો હોય છે. આ ચર્ચને બહારથી રંગીન સંગેમરમર જડીને સુંદર બનાવાયું હોય છે.
હેમંત વાળા