ડ્રાઇઝર, થિયોડોર

January, 2014

ડ્રાઇઝર, થિયોડોર (જ. 27 ઑગસ્ટ 1871, ટર હૉટ, ઇન્ડિયાના; અ. 28 ડિસેમ્બર 1945, હોલિવૂડ, કૅલિફૉર્નિયા) : અમેરિકન નવલકથાકાર, પત્રકાર અને તત્કાલીન સામાજિક જીવનના વિવેચક. જર્મનીથી અમેરિકામાં આજીવિકા રળવા આવેલા ચુસ્ત રોમન કૅથલિક માતાપિતાનાં તેર સંતાનોમાંના એક. માતાપિતા અભણ શ્રમિક. શરૂઆતનું જીવન અત્યંત ગરીબાઈમાં વીતવાથી ગ્રામીણ અને શહેરી જીવનના સંઘર્ષ અને દુ:ખોનો વ્યક્તિગત અનુભવ દ્વારા વાસ્તવિક ખ્યાલ મળ્યો. તે વખતના મૂડીવાદી અમેરિકાનાં શહેરોમાં આર્થિક ઊથલપાથલ અને પાયમાલી, ગરીબોનું શોષણ, માનવ માનવ પ્રત્યેનો અમાનવીય વ્યવહાર – એ બધું તેમની શરૂઆતની નવલકથાઓ ‘સિસ્ટર કેરી’ (1901) અને ‘જેની ગરહાર્ટ’(1911)માં જોવા મળે છે. ‘સિસ્ટર કેરી’માં આજીવિકા રળવા આવતી ગરીબ પરિવારની કન્યાની શહેરમાં શી અવદશા થઈ શકે છે તેનું ચિત્રણ છે; પરંતુ આ છોકરી આવી સમસ્યાઓને ઘોળીને પી જઈ તેનું શોષણ કરનારા સમાજ સાથે બંધ બેસતો મેળ ગોઠવી કલાકાર તરીકે ન્યૂયૉર્કમાં સિદ્ધિ મેળવે છે.

ડ્રાઇઝર થિયોડોર

આમાં પૈસાદાર વેપારીની ઉપપત્ની જેવી આ અભિનેત્રીનો સામાજિક ઉદય વર્ણવાયો છે તેથી તે સમયના વિવેચકો નારાજ થયેલા અને પ્રકાશકોએ આ નવલકથાને ફરીથી ન પ્રગટ કરવા નિર્ણય લીધેલો; પણ પછી તે તેના તત્કાલીન સમયના ચિત્રણ માટેની એક સારી કલાકૃતિ તરીકે વખણાઈ. ડ્રાઇઝર શહેરી જીવનની વિષમતા અને તેના વ્યાપારી, અમાનવીય સંબંધોના નિરૂપક તરીકે વિખ્યાત છે. 1930ના રશિયાના પ્રવાસ પછી અને ત્યાંની કૉમ્યુનિસ્ટ જીવનવ્યવસ્થાથી તે પ્રભાવિત થયેલા; પરંતુ તેમના શેષજીવન દરમિયાન તેમની આ વિચારસરણીનો ઝોક તદ્દન બદલાઈ ગયો હતો અને તે ધાર્મિક માનવતાવાદ તરફ વળેલા. તેમની બીજી પ્રખ્યાત નવલકથાઓ છે : ‘ઍન અમેરિકન ટ્રૅજેડી’ (1925), ‘ધ ફિનાન્શિયર’, ‘ધ બુલવર્ક’ વગેરે.

રજનીકાન્ત પંચોલી