ડ્રગ સ્ટોર બીટલ : ઔષધીય બનાવટો અને સંગ્રહેલ મરીમસાલાને નુકસાન કરનાર એક પ્રકારનો ભૃંગકીટક. તેનો સમાવેશ ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના એનોબીડી કુળમાં થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Stegobium paniceum Linn. છે. પુખ્ત કીટક આશરે 2થી 3 મિમી. લંબાઈનો બદામી રંગનો અને લંબચોરસ આકારનો હોય છે. તેની શૃંગિકા (antenna) ગદાકાર હોય છે. આ કીટક સિગરેટ બીટલ કરતાં સહેજ મોટો અને લાંબો હોય છે. પાંખો ઉપર ઊપસેલી અને માથું વક્ષથી ઢંકાયેલું હોય છે. તેનું શરીર રેશમી રુવાંટીથી ઢંકાયેલું હોય છે અને ઉપરની બાજુએ સીધી રેખાઓ ધરાવે છે. ઇયળ લાંબા માથાવાળી, ઝાંખા સફેદ રંગની, સુંવાળી અને છેડાના ભાગે ટૂંકા વાળ ધરાવતી હોય છે. તે અંગ્રેજી ‘સી’ (C) આકારની દેખાય છે.
માદા કીટક 10થી 40ની સંખ્યામાં સમૂહમાં ઈંડાં મૂકે છે. ઈંડાં સેવાતાં તેમાંથી નીકળેલી ઇયળ સંગ્રહેલ હળદર, આદું, ધાણા અને સૂકા મેવાને કોરીને તેની અંદર પ્રવેશે છે અને નુકસાન કરે છે. ઉપરાંત તે દવાઓ અને તેની બનાવટોને નુકસાન કરે છે. તેથી જ તે ‘ડ્રગ સ્ટોર બીટલ’ તરીકે ઓળખાય છે. ઇયળ અને કોશેટાની અવસ્થા અનુક્રમે 10થી 20 મહિના અને 8થી 12 દિવસની હોય છે.
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ