ડોળ–ડોળી : મહુડાના વૃક્ષનું બીજ, મહુડો દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનિક નામ Madhuca indica J.F. Gmel. છે. મહુડાના માંસલ ફળની અંદર એક અથવા કોઈક વખત બે બીજ હોય છે. મહુડાનું વૃક્ષ 8થી 10 વર્ષનું થાય એટલે ફળ આપવાનું શરૂ કરે છે અને 60 વર્ષ સુધી ફળો આપે છે. ફળો મે–જૂન મહિનામાં પાકીને ખરી પડે છે. ફળનો ઉપરનો ભાગ માંસલ અને સ્વાદમાં મીઠો ખાવાલાયક હોય છે. ડોળ 3થી 4 સેમી. લાંબો, લંબગોળાકાર, ચપટો અને ચળકતા પીળાશ પડતા રંગનો હોય છે.
તાજા બીજમાં લગભગ 51.1 % ફૅટી ઑઇલ (તેલ), 8.0 % પ્રોટીન, 27.9 % નાઇટ્રોજનમુક્ત અર્ક, 10.3 % રેષાઓ તથા 2.7 % ભસ્મ હોય છે.
આદિવાસી લોકો ડોળના તેલને ડોળિયા તરીકે ઓળખે છે અને તેલ તરીકે ખોરાક રાંધવામાં ઉપયોગમાં લે છે. યોગ્ય રીતે સંગ્રહ કરેલ ડોળમાંથી કાઢેલું તેલ પીળા રંગનું હોય છે અને સ્વાદ પણ સારો હોય છે. વ્યાપારિક ધોરણે બનતું ડોળનું તેલ લીલાશ પડતા પીળા રંગનું, ગંધ ગમે નહિ તેવી અને સ્વાદ અરુચિકર હોય છે. સામાન્ય રીતે આ તેલ પ્રવાહી રૂપમાં રહે છે; પરંતુ ઠંડીની ઋતુમાં તે માખણની જેમ જામી જાય છે. આવા તેલનો ઉપયોગ મુખ્યત્વે કપડાં ધોવાના સાબુની બનાવટમાં વ્યાપારિક ધોરણે થાય છે. શુદ્ધ કરેલું ડોળનું તેલ યંત્રોનું ગ્રીઝ બનાવવામાં અને ફૅટી આલ્કોહૉલ તેમજ મીણબત્તી બનાવવામાં થાય છે. ડોળનું તેલ ચામડીનો સોજો દૂર કરીને નરમ બનાવે છે. વાના દર્દ તથા માથાના દુખાવામાં પણ તે વપરાય છે. તે રેચક છે અને કબજિયાત તથા હરસ મસાના દર્દમાં વપરાય છે.
ડોળના ખોળમાં 7.2 % થી 11.1 % ભેજ, 8 %થી 13.3 % તેલ, 15 %થી 17.4 % પ્રોટીન, 48.7 % થી 54.4 % કાર્બોહાઇડ્રેટ, 5.3 %થી 5.9 % રેષાઓ અને 4.6 % થી 6.8 % ભસ્મ હોય છે. ખોળનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. ખોળમાં જંતુનાશક શક્તિ છે. દક્ષિણ ભારતમાં માથાના વાળ ધોવામાં તેનો ઉપયોગ થાય છે.
ભરતસિંહ ગંભીરસિંહ વશી