ડૉબ, મૉરિસ હર્બર્ટ (જ. 24 જુલાઈ 1900, લંડન; અ. 17 ઑગસ્ટ 1976, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : વિખ્યાત અંગ્રેજ અર્થશાસ્ત્રી અને માર્કસવાદી વિચારક. કેમ્બ્રિજ તથા લંડનમાં શિક્ષણ લીધા પછી તે 1924માં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોડાયા. માત્ર તેમના જીવનકાળ દરમિયાન જ નહિ, પરંતુ સોવિયેત સંઘના વિઘટન (1990) સુધી તેમના વિચારોએ વિશ્વના સમાજવાદી દેશો તથા ત્રીજા વિશ્વના દેશો પર ઊંડી અસર કરી હતી. મૂડીવાદ-પ્રેરિત અર્થવ્યવસ્થા આર્થિક શોષણ અને અસમાનતાઓમાં પરિણમે છે અને તે રાજ્યપ્રેરિત આર્થિક આયોજનની પદ્ધતિના અમલથી જ દૂર કરી શકાય છે એવી તેમની ર્દઢ શ્રદ્ધા હતી. મૂડીવાદનો ઉદગમ અને વિકાસ, સમાજવાદી આયોજન, મૂલ્યના સિદ્ધાંતો તથા ભદ્રવર્ગના અર્થશાસ્ત્ર (bourgeois economics) વિશે તેમણે જે વિચારો વ્યક્ત કર્યા હતા તેની અસર લાંબા સમય સુધી વિશ્વના ડાબેરી વિચારસરણીને વરેલા ચિંતકો પર સ્પષ્ટ રીતે વરતાતી હતી. સમાજવાદી અર્થતંત્રની યથાર્થતા અંગે તેમણે કરેલી સૈદ્ધાંતિક રજૂઆતની ખૂબી એ હતી કે તે વિશ્વના અલ્પવિકસિત દેશોની વાસ્તવિક સમસ્યાઓ પર રચાયેલી હતી અને તેથી જ તેની વૈશ્વિક અસર વ્યાપક પ્રમાણમાં થયેલી જોવા મળે છે. 1922થી અવસાન સુધી તે સામ્યવાદી પક્ષના સક્રિય સભ્ય હતા.
તેમના ગ્રંથોમાં ‘સ્ટડીઝ ઇન ધ ડેવલપમેન્ટ ઑવ્ કૅપિટૅલિઝમ’ (1946), ‘ટ્રાન્ઝિશન ફ્રૉમ ફ્યૂડૅલિઝમ ટુ કૅપિટૅલિઝમ’ (1948), ‘ઑન ઇકૉનૉમિક થિયરી ઍન્ડ સોશિયાલિઝમ’ (1955), ‘પેપર્સ ઑન કૅપિટૅલિઝમ, ડેવલપમેન્ટ ઍન્ડ પ્લૅનિંગ’ (1967), ‘વેલ્ફેર ઇકૉનૉમિક્સ ઍન્ડ ધી ઇકૉનૉમિક્સ ઑવ્ સોશિયાલિઝમ’ (1969), ‘સોશિયાલિસ્ટ પ્લૅનિંગ : સમ પ્રૉબ્લેમ્સ’ (1970), ‘થિયરીઝ ઑવ્ વૅલ્યૂ ઍન્ડ ડિસ્ટ્રિબ્યૂશન સિન્સ ઍડમ સ્મિથ આઇડિયોલૉજી ઍન્ડ ઇકૉનૉમિક થિયરી’ (1973) તથા અર્થશાસ્ત્રી શ્રાફા સાથે સંયુક્ત રૂપે ડેવિડ રિકાર્ડોના સિદ્ધાંતની તેમણે કરેલી સમીક્ષા (1970, 1973) ઉલ્લેખનીય છે. 1978માં તેમણે તેમની આત્મકથા પ્રસિદ્ધ કરી હતી.
કારકિર્દીનાં છેલ્લાં વર્ષો દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના સંમાન્ય પ્રાધ્યાપક (Emeritus Professor) હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે