ડૉબ્સન, (હેન્રી) ઑસ્ટિન (જ. 18 જાન્યુઆરી 1840, પ્લીમથ, ઇંગ્લૅન્ડ; અ. 2 સપ્ટેમ્બર 1921, હેનવેલ, મિડલસેક્સ) : અંગ્રેજ કવિ અને સાહિત્યકાર. જીવનનાં ઘણાં વર્ષો, 1856થી 1901 સુધી તેમણે બોર્ડ ઑવ્ ટ્રેડમાં સિવિલ સર્વન્ટ તરીકે ગાળ્યાં, પણ તેમનો મુખ્ય રસ સાહિત્યિક જ રહ્યો છે. આરંભના થોડા પ્રયોગો પછી તે તેમના કવિમંડળમાં સૌથી વિશેષ કલાકુશળ પુરવાર થયા. ઍડમંડ ગૉસ અને ઍન્ડ્રૂ લગ આ મંડળમાં હતા. તે બૅલડ અને રોંદુ જેવા જૂનાં સ્વરૂપોના પ્રયોગો કરતા. ઊંચી કલ્પનાશક્તિ કે ઉદાત્તતાનો અભાવ હોવા છતાં ડૉબ્સનનાં કાવ્યોમાં ઘણી વાર ભાવની નાજુકતા, કવિત્વની સરળતા અને પદલાલિત્ય જોવા મળે છે. તેમના કાવ્યસંગ્રહોમાં મુખ્ય છે : ‘વિગ્નેટ ઇન રાઇમ’ (1873), ‘પ્રૉવર્બ્ઝ ઇન પોર્સિલન’ (1877), ‘ઓલ્ડ વર્લ્ડ ઇડિલ્ઝ’ (1883) અને ‘ઍટ ધ સાઇન ઑવ્ ધ લાયર’ (1885). તેમના છેલ્લા કાવ્યસંગ્રહમાં નર્મમર્મ, સૂક્ષ્મતા સાથે દબાયેલો કરુણ પ્રકટ થાય છે. આને કારણે તેમનાં કાવ્યો લોકપ્રિય બને છે. જે સરળતા અને સહજતાથી તે કંઈક અકુદરતી લાગતાં એવાં ફ્રેંચ સ્વરૂપો પ્રયોજે છે ત્યારે તે અંગ્રેજીમાં તેના ઉપયોગને પુનર્જીવિત કરવામાં મોટી સહાય કરે છે. 1885 પછી ડૉબ્સન મુખ્યત્વે ચરિત્રાત્મક
અને વિવેચનાત્મક કૃતિઓની રચના કરે છે. ફીલ્ડિંગ, સ્ટીલ, ગોલ્ડસ્મિથ, રિચાર્ડસન વગેરે પરની કૃતિઓ તેમનું અઢારમી સદીના જીવનનું કાળજીભર્યું સંશોધન તો પ્રકટ કરે જ છે, પણ તે સાથે તેમના તે સમય સાથેના સમભાવને પણ છતો કરે છે. ‘સ્ટીલ’ (1886), ‘ગોલ્ડસ્મિથ’ (1888) અને ‘ફૅની બર્ની’ (1903) – એ ચરિત્રોમાં તેમની ચરિત્રલેખનની ક્ષમતા ર્દષ્ટિગોચર થાય છે. ‘એઇટીન્થ સેન્ચુરી વિગ્નેટ્સ’ (1892-96)ના ત્રણ ભાગ અને ‘અ પૅલડિન ઑવ્ ફિલેન્થ્રૉપી’ (1899–1901) તેમની પ્રાસાદિક નાજુક ગદ્યશૈલીનું ઉદાહરણ છે. અઢારમી સદી માટેનો તેમનો પ્રેમ અને તેમનું જ્ઞાન, તેમના વિવેચનાત્મક અભ્યાસના મૂળમાં છે. તેમની કવિતાને તે લાલિત્ય બક્ષે છે.
અનિલા દલાલ