ડેસાઇટ : જ્વાળામુખી ખડક. મુખ્યત્વે ઓલિગોક્લેઝ કે ઍન્ડેસાઇન જેવા સોડિક પ્લેજિઓક્લેઝ અને સેનિડિન તેમજ ક્વાર્ટ્ઝ કે ટ્રીડીમાઇટ જેવાં મુક્ત-સિલિકા ખનિજોથી તથા બાયોટાઇટ, એમ્ફિબોલ અથવા પાયરૉક્સીન જેવાં ઘેરા રંગનાં મેફિક ખનિજોથી બનેલો અતિસૂક્ષ્મ સ્ફટિકમય કે કાચમય દ્રવ્ય બંધારણવાળો જ્વાળામુખીજન્ય ખડક. કણરચનાની ર્દષ્ટિએ જોતાં લઘુ, મધ્યમ કે મહાસ્ફટિક સ્વરૂપે રહેલાં ઉપર્યુક્ત ખનિજો આલ્કલી ફેલ્સ્પાર અને સિલિકા ખનિજોથી બનેલા સૂક્ષ્મસ્ફટિકમય દ્રવ્યમાં કે કાચમય દ્રવ્યમાં જડાયેલાં હોય છે. ખડકસામ્યની ર્દષ્ટિએ ડેસાઇટ એ અંત:કૃત પ્રકારના ક્વાર્ટ્ઝ ડાયોરાઇટ(ટોનાલાઇટ)નો સમકક્ષ ગણાતો બહિર્ભૂત ખડક ગણાય. આ ખડકમાં રહેલાં કુલ ફેલ્સ્પાર ખનિજો પૈકીનો આલ્કલી ફેલ્સ્પાર જો 5 %થી વધી જાય તો તે ક્વાર્ટ્ઝ લેટાઇટ કહેવાય છે; પરંતુ જો ક્વાર્ટ્ઝનું પ્રમાણ ઘટી જાય તો ડેસાઇટ ઍન્ડેસાઇટમાં ફેરવાઈ જાય છે, અર્થાત્, ડેસાઇટ એ ક્વાર્ટ્ઝ લેટાઇટ અને એન્ડેસાઇટની વચ્ચેનો મધ્યગાળાના બંધારણવાળો ખડક છે.
ગિરીશભાઈ પંડ્યા