ડેવિસ કપ : દેશ દેશ વચ્ચે યોજાતી લૉન ટેનિસની આંતરરાષ્ટ્રીય ટીમ-સ્પર્ધા. ઈ. સ. 1899માં હાર્વર્ડ ગ્રૅજ્યુએટ ડ્વાઇટ એફ. ડેવિસે લૉન-ટેનિસની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કપ આપવાની યોજના કરી. ઈ. સ. 1900માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે આ સ્પર્ધા ખેલાઈ અને ખુદ ડેવિસે એક સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. એણે આ કપને કોઈ નામ આપ્યું નહોતું. પરંતુ એ માટેની રકમ ડેવિસે આપી હોવાથી ડેવિસ કપ તરીકે સ્પર્ધા જાણીતી થઈ. એનો હેતુ પ્રતિવર્ષ અમેરિકા અને બ્રિટન વચ્ચે લૉન-ટેનિસના બિનધંધાદારી (ઍમેચ્યોર) ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા યોજવાનો હતો. 1921માં પૅરિસમાં ફ્રાંસ સામે ખેલીને ભારતે આ કપ-સ્પર્ધામાં ખેલવાનો પ્રારંભ કર્યો. 1972 સુધી આમાં ચેલેન્જ રાઉન્ડની પદ્ધતિ અપનાવાઈ હતી, જેમાં અગાઉનો વિજેતા દેશ આપોઆપ પછીના વર્ષે અંતિમ સ્પર્ધામાં ખેલવાની યોગ્યતા મેળવતો. ઑસ્ટ્રેલિયાએ આ પદ્ધતિનો પુષ્કળ લાભ ઉઠાવ્યો અને ભરઉનાળામાં એના ઘાસવાળા ઝડપી કોર્ટ પર અંતિમ મૅચમાં વિજય હાંસલ કરતું ગયું. 1972 પછી નૉકઆઉટ પદ્ધતિ રાખવામાં આવતાં આરંભથી જ બધી ટીમો ભાગ લેતી અને અગાઉની પદ્ધતિ દૂર થતાં ઑસ્ટ્રેલિયાનું પ્રભુત્વ ઘટ્યું. વ્યવસાયી ખેલાડીઓના અભાવે આ સ્પર્ધાનું આકર્ષણ ઘટ્યું અને બીજી બાજુ વ્યવસાયી ખેલાડીઓની સ્પર્ધા તથા રૅન્કિંગ શરૂ થતાં મહત્વના ખેલાડીઓ ડેવિસ કપની મૅચોથી દૂર રહેવા લાગ્યા. આ ભેદ દૂર થયા બાદ આ સ્પર્ધામાં મહત્વના ખેલાડીઓ દેશની પ્રતિષ્ઠાની ર્દષ્ટિએ ભાગ લેવા માંડ્યા.
1974માં ભારત ડેવિસ કપની સ્પર્ધામાં છેક અંતિમ મૅચ સુધી પહોંચ્યું હતું, પરંતુ દક્ષિણ આફ્રિકા સામે ખેલવાનું આવતાં એના રંગભેદયુક્ત રાજકારણને કારણે ભારત ખેલ્યું નહિ. દક્ષિણ આફ્રિકા એક જ એવો દેશ છે જે ફાઇનલ ખેલ્યા વિના વિજેતા બન્યો. ડેવિસ કપની ટાઇ-મૅચમાં સૌથી વધુ ગેઇમ્સ(327)નો વિક્રમ ભારત ધરાવે છે. ભારતના રામનાથન કૃષ્ણન, જયદીપ મુખરજી, પ્રેમજિત લાલ, વિજય અમૃતરાજ અને લિયેન્ડર પેસ જેવા ખેલાડીઓએ પુરુષોની આંતરરાષ્ટ્રીય ટીમ-સ્પર્ધામાં નોંધપાત્ર દેખાવ કર્યો છે. 1995ની ડેવિસ કપ સ્પર્ધામાં રશિયાને હરાવીને અમેરિકા વિજેતા બન્યું હતું.
કુમારપાળ દેસાઈ